બીસીસીઆઇના સીઈઓ રાહુલ જોહરીની હકાલપટ્ટી ટૂંક સમયમાં

26 October, 2019 01:00 PM IST  |  મુંબઈ

બીસીસીઆઇના સીઈઓ રાહુલ જોહરીની હકાલપટ્ટી ટૂંક સમયમાં

રાહુલ જોહરી

બીસીસીઆઇની સત્તાનું સુકાન સંભાળતાંની સાથે જ સૌરવ ગાંગુલી પોતાના અસલી મિજાજમાં આવતો દેખાઈ રહ્યો છે. લગભગ ત્રણ વર્ષથી ખોડંગાયેલા બીસીસીઆઇને ફરીથી પાટે ચડાવવાનું કામ સૌરવ ગાંગુલી અને ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર અને બીસીસીઆઇના સચિવ જય શાહના માથે છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર બીસીસીઆઇ ચીફની તીખી નજર હવે ક્રિકેટ બોર્ડના સીઈઓ રાહુલ જોહરીની વિકેટ લેવા પર છે. માત્ર રાહુલ જોહરી જ નહીં, પરંતુ બીસીસીઆઇના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર (સીએફઓ) રાંગણકરને પણ પાણીચું પકડાવવાની તૈયારી થઈ રહી છે.

રાહુલ જોહરી સાથેના પોતાના નિકટવર્તી સંબંધોને ધ્યાન રાખીને આ પદ બીસીસીઆઇના માજી અધ્યક્ષ અને કેન્દ્રીય રાજ્ય નાણાકીય પ્રધાન અનુરાગ ઠાકુરે તેમને સોંપેલું. સુપ્રીમ કોર્ટ દ્વારા ગઠિત ત્રણ સદસ્યની કમિટીને સાથ આપીને જોહરીએ છેલ્લા ૩૩ મહિનામાં બીસીસીઆઇનું નુકસાન કર્યું હોવાનું પદાધિકારીઓ માને છે.

રાહુલ જોહરીનું સાડાછ કરોડ જેટલું વાર્ષિક મહેનતાણું બીસીસીઆઇની નવી કમિટીની આંખમાં ખૂંચી રહ્યું છે. રાહુલ પાસેથી બીસીસીઆઇને જે અપેક્ષા હતી એના કરતાં ઊંધું કામ તેણે કર્યું હોવાનું બીસીસીઆઇના પદાધિકારીઓને લાગતું હોવાની વાત સૂત્રો જણાવી રહ્યા છે. જોહરીના રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલી સાથેના નજીકના સંબંધો અને તેમને મનગમતા સપોર્ટ સ્ટાફ ટીમ ઇન્ડિયામાં લેવાના નિર્ણયથી પણ નવી કમિટી નારાજ હોવાની વાતો બીસીસીઆઇમાં ચર્ચામાં છે. બીસીસીઆઇના એક ટોચના અધિકારીએ આ વિશે જણાવતાં કહ્યું કે ‘આ વાતમાં કોઈ શંકા નથી કે જોહરીએ તેમની અપેક્ષા મુજબ કામ કર્યું નથી. બોર્ડની અનૌપચારિક બેઠક દરમિયાન અમારા સિનિયર સદસ્યોએ મળીને આ વિશે પ્રશ્ન ઉઠાવેલા. એ કારણે કદાચ નજીકના દિવસોમાં રાહુલ જોહરીના બીસીસીઆઇમાં ગણતરીના દિવસો ગણાઈ રહ્યા હોય એ વાત નકારી શકાય નહીં.’

cricket news sports news board of control for cricket in india