ક્રિકેટ બોર્ડના CEOએ હાર્દિક અને રાહુલ સાથે કરી વાતચીત

16 January, 2019 09:07 AM IST  | 

ક્રિકેટ બોર્ડના CEOએ હાર્દિક અને રાહુલ સાથે કરી વાતચીત

ભારતીય ક્રિકેટ બોર્ડના CEO રાહુલ જોહરી

મહિલાઓ પર આપત્તિજનક ટિપ્પણીના મામલે સસ્પેન્ડ થયેલા ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલે ભારતીય ક્રિકેટ બોર્ડના CEO રાહુલ જોહરી સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. આ બન્ને ક્રિકેટરોએ મહિલાઓ વિશે કરેલી ટિપ્પણી મામલે તપાસ શરૂ થઈ ગઈ છે જેને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદ સર્જાયો છે. આ બન્ને ખેલાડીઓએ ક્રિકેટ બોર્ડે નવેસરથી મોકલેલી કારણ બતાવો નોટિસના જવાબમાં બિનશરતી માફી પણ માગી હતી. ત્યાર બાદ રાહુલ જોહરી સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી.

ક્રિકેટ બોર્ડના એક અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું હતું કે CEOએ ટેલિફોન થકી બન્ને સાથે વાતચીત કરી હતી. તેમણે માત્ર એ જ વાત કરી જે તેમણે શો કૉઝ નોટિસના જવાબમાં લખી હતી. બહુ જલદી CEO પોતાનો રિપોર્ટ વહીવટદારોની સમિતિને સોંપશે. એ વાત પણ ખબર પડી છે કે CEOએ તેમને એવો કોઈ સવાલ નહોતો કર્યો કે આ પ્રકારના એન્ટરટેઇનમેન્ટ શોમાં ભાગ લેવા માટે તેમના એજન્ટોએ દબાણ કર્યું હતું. અધિકારીએ કહ્યું હતું કે ‘પૂછતાછ સાથે સંલગ્ન હોય એવા સવાલ કરવાનું લોકપાલના અધિકારક્ષેત્રમાં આવે છે. હવે આ મામલે આગળની તપાસ સુપ્રીમ કોર્ટ લોકપાલની નિયુક્તિ કરશે કે નહીં ત્યાર બાદ આવશે.’

આ બન્ને ખેલાડીઓએ ‘કૉફી વિથ કરણ’ કાર્યક્રમમાં ઘણી યુવતીઓ સાથે સંબંધ બનાવવાના તથા આ વિશે પોતાના પેરેન્ટ્સ સાથે ખૂલીને વાતચીત કરવાની વાત કરી હતી. ત્યાર બાદ આ મામલે સોશિયલ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ હતી.

આ પણ વાંચો : રણજી ટ્રોફી: ગુજરાત સામેની મેચમાં કેરળની વાપસી

ખાર જિમખાનાએ રદ કરી હાર્દિક પંડ્યાની મેમ્બરશિપ

ટીવી શો પર મહિલાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી મામલે પ્રતિબંધિત ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાને વધુ એક ઝટકો લાગ્યો છે. મુંબઈની ખાર જિમખાના ક્લબે હાર્દિકની મેમ્બરશિપ રદ કરવાનો નિર્ણય લીધો છે. આ ક્લબના સેક્રેટરી ગૌરવ કાપડિયાએ કહ્યું હતું કે ‘સોમવારે મૅનેજિંગ કમિટીની બેઠકમાં આ મામલે ચર્ચા થઈ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેનું સભ્યપદ રદ કરવામાં આવે છે.’

board of control for cricket in india sports news cricket news hardik pandya kl rahul