અકિલા ધનંજયની પાંચ વિકેટ છતાં ટેલર અડીખમ

15 August, 2019 01:59 PM IST  |  ગૉલ

અકિલા ધનંજયની પાંચ વિકેટ છતાં ટેલર અડીખમ

અકિલા ધનંજય

શ્રીલંકાના ઑફ-બ્રેક બોલર અકિલા ધનંજયે ન્યુ ઝીલૅન્ડની તમામ પાંચ વિકેટ લેતાં યજમાન ટીમને પહેલા દિવસે કન્ટ્રોલ કરવામાં સફળતા મેળવી હતી. પહેલી ટેસ્ટના પહેલા દિવસે ન્યુ ઝીલૅન્ડે રમતના અંતે ૬૮ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૩ રન બનાવ્યા હતા. અનુભવી રોસ ટેલર ૮૬ અને મિચલ સેન્ટનર ૮ રન બનાવીને અણનમ હતા.

ગૉલ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન કૅન વિલિયમસને ટૉસ જીતીને પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જીત રાવલ (૩૩) અને ટોમ લેથમ (૩૦) વચ્ચે ૬૪ રનની પાર્ટનરશિપ થઈ હતી. ધનંજયે ૨૭મી ઓવરમાં લેથમ અને વિલિયમસન (૦)ને આઉટ કર્યા હતા. હેનરી નિકોલ્સે ૪૨ રન બનાવીને રોસ ટેલરનો સારો સાથ આપ્યો હતો.

આ પણ વાંચો : લૉર્ડ્‍સ ટેસ્ટમાંથી ડ્રૉપ થતાં ક્રિકેટમાંથી નાનો બ્રેક લેશે મોઇન અલી

ધનંજયે ૫૭ રનમાં પાંચ વિકેટ લીધી હતી, જ્યારે સુરંગા લકમલે ૧૦ ઓવરમાં ફક્ત ૧૪ રન આપીને ઇકૉનૉમિકલ બોલિંગ કરી હતી. ધનંજયે ન્યુ ઝીલૅન્ડની તમામ પાંચ વિકેટ લઈ લીધી છે. જો તે બચેલી પાંચ વિકેટ લઈ લેશે તો ટેસ્ટની એક ઇનિંગમાં ૧૦ વિકેટ લેનાર ટેસ્ટ ઇતિહાસનો ફક્ત ત્રીજો બોલર બનશે.

sports news cricket news