મેલબર્ન ટેસ્ટમાં ભારતની સામે મેદાનમાં ઉતરશે સાત વર્ષનો આ ટેણિયો!

14 February, 2019 02:43 PM IST  | 

મેલબર્ન ટેસ્ટમાં ભારતની સામે મેદાનમાં ઉતરશે સાત વર્ષનો આ ટેણિયો!

સાત વર્ષનો આર્ચી બન્યો ઑસ્ટ્રેલિયાની ટીમનો વાઈસ કેપ્ટન!


ભારતની સામે મેલબર્નમાં રમાનારી બૉક્સિંગ ડે ટેસ્ટ મેચ માટે ઑસ્ટ્રેલિયાએ 15 ખેલાડીઓમાં સાત વર્ષના એક ટેણિયાને સ્થાન આપ્યું છે. આ સાત વર્ષના લેગ સ્પિનરને ટીમમાં સમાવવામાં આવતા તેની ખુબ જ ચર્ચા થઈ રહી છે. આ સાત વર્ષના ખેલાડીનું નામ આર્ચી શિલર છે અને તે આ ટેસ્ટ મેચ માટે ઑસ્ટ્રેલિયાની ટીમના વાઈસ કેપ્ટન પણ હશે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ તેની સાથે મુલાકાત પણ કરી.



ઑસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન ટીમ પેને આર્ચીના સાતમાં જન્મદિવસ પર આ જાહેરાત કરી. આ ખેલાડીએ મેલબર્નમાં રમાનારી ટેસ્ટ પહેલા ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે પ્રેક્ટિસ પણ કરી.



આર્ચીને ટીમમાં સમાવવામાં આવ્યો હોવાની પુષ્ટિ ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ પણ કરી છે. આ વાત ડિસેમ્બરની શરૂઆતમાં જ જાહેર કરવામાં આવી હતી. ટીમના કોચ જસ્ટિન લેંગરે તેમને ફોન કરીને આની જાણકારી આપી હતી. જે વખતે કાંગારુ ટીમ યૂએઈમાં પાકિસ્તાન સામે ટેસ્ટ સીરિઝ રમી રહી હતી.

આર્ચીને આ કારણથી ટીમમાં કરાયો સામેલ


આર્ચીને ટીમમાં સામેલ કરવાનું 'મેક અ વિશ ઑસ્ટ્રેલિય' અભિયાન અંતર્ગત શક્ય થયું. આ અભિયાન અંતર્ગત ખુબજ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહેલા બાળકોની ઈચ્છા પુરી કરવાની કોશિશ કરવામાં આવે છે. આર્ચી જ્યારે ત્રણ મહિનાનો હતો ત્યારે ખબર પડી કે તેને દિલની બિમારી છે. જે બાદ મેલબર્નમાં તેની સર્જરી કરવામાં આવી, જે સાત કલાક સુધી ચાલી. આ સર્જરીના 6 મહિના બાદ ફરી તેને ધબકારા અને વાલ્વની તકલીફ સામે આવી અને ફરી તેણે ઈલાજ કરાવવો પડ્યો. ગયા વર્ષે ડિસેમ્બરમાં ફરી તેમની બિમારી સામે આવી અને ત્રીજી વાર તેની ઓપન-હાર્ટ સર્જરી થઈ. દીકરાની આ સ્થિતિ જોઈને પરિવાર ખુબ જ ડરમાં હતો કારણ કે તેમને કહેવામાં આવ્યું હતું કે કાંઈ પણ થઈ શકે છે.

ખુશીઓ લઈને આવી ક્રિસમસ

વર્ષ 2018નું ક્રિસમસ આર્ચી માટે ખુબ જ ખાસ છે કારણ કે તેમની ઈચ્છા પુરી થઈ રહી છે. ઑસ્ટ્રેલિયાના કેપ્ટન ટીમ પેને કહ્યું કે 'આ બાળક અને તેના પરિવારે ખુબ જ મુશ્કેલીભર્યા દિવસો જોયા છે. જ્યારે આર્ચીના પિતાએ તેને પુછ્યું તે શું કરવા માંગે છે ત્યારે તેણે કહ્યું કે તે ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બનવા માંગે છે. આવા બાળકનું અમારી સાથે હોવું અમારા માટે પ્રેરણાદાયક છે. બૉક્સિંગ ડે ટેસ્ટમાં તેના પદાર્પણને લઈને અમે ખુબ જ ખુશ છે'.

border-gavaskar trophy melbourne team india australia cricket news sports news