૬ વર્ષના ટાબરિયાએ લીધી ૬ વિકેટ

15 December, 2011 09:58 AM IST  | 

૬ વર્ષના ટાબરિયાએ લીધી ૬ વિકેટ



(સુંદરી અય્યર)

મુંબઈ, તા. ૧૫

મુંબઈની ક્રિકેટમાં ત્રણ દિવસથી ચમકી રહેલા સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની અંજુમન ઇસ્લામ અલ્લાના (ઇંગ્લિશ) સ્કૂલના બીજા ધોરણના મુશીર ખાને ગઈ કાલે ગાઇલ્સ શીલ્ડ ઇન્ટર-સ્કૂલ અન્ડર-૧૪ ટુર્નામેન્ટમાં તરખાટ મચાવી દીધો હતો.

છ વર્ષની ઉંમરના આ ભૂલકાએ દહિસરની શૈલેન્દ્ર એજ્યુકેશન સ્કૂલના બીજા દાવમાં છ વિકેટ લીધી હતી જેને કારણે તેની સ્કૂલે આ મૅચ એક ઇનિંગ્સ અને ૧૪૦ રનથી જીતી લીધી હતી.

૧૧૪ વર્ષથી રમાતી ગાઇલ્સ શીલ્ડ ટુર્નામેન્ટના યંગેસ્ટ મનાતો મુશીર ફર્સ્ટ ઇનિંગ્સમાં ફક્ત ત્રણ રન બનાવી શક્યો હતો અને તેને વિકેટ પણ નહોતી મળી. જોકે તેની બોલિંગમાં બે કૅચ છૂટ્યા હતા. અંજુમન ઇસ્લામ સ્કૂલના ૨૩૩ રન સામે શૈલેન્દ્ર એજ્યુકેશન સ્કૂલ ગઈ કાલે ૬૫ રનમાં ઑલઆઉટ થઈ જતાં એણે ફૉલો-ઑન થવું પડ્યું હતું. બીજા દાવમાં શૈલેન્દ્ર એજ્યુકેશન સ્કૂલ માત્ર ૨૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. લેફ્ટી સ્પિનર મુશીરની બોલિંગ-ઍનેલિસિસ (૮-૫-૧૧-૬) સ્કોર-બોર્ડમાં સૌથી મોટું આકર્ષણ બની હતી. તેણે છમાંથી ત્રણ બૅટ્સમેનોને ખાતું ખોલવા દીધા વગર પૅવિલિયન ભેગા કરી દીધા હતા. બાકીની ચારમાંથી બે વિકેટ ઉમર સિદ્દીક નામના બોલરે લીધી હતી.

મુશીર કુર્લામાં રહે છે. ગાઇલ્સ શીલ્ડમાં કોઈ પણ પ્લેયર વધુમાં વધુ ત્રણ વર્ષ રમી શકે છે એ જોતાં મુશીર ૯ વર્ષનો થશે ત્યારે તેણે આ ઇન્ટર-સ્કૂલ ટુર્નામેન્ટમાં રમવાનું છોડી દેવું પડશે.

દાદરની સ્કૂલના સ્પિનરની ૯ વિકેટ : તે કહે છે કે મને સચિનની સલાહ ઘણી કામ લાગી

ગઈ કાલે ક્રૉસ મેદાનમાં ગાઇલ્સ શીલ્ડની એલીટ ડિવિઝનની બીજી એક મૅચમાં દાદરની આઇઇએસ વી. એન. સુળે ગુરુજી સ્કૂલના ઑલરાઉન્ડર ધ્રુવ વેદકે પ્રથમ દાવમાં આઠ અને બીજા દાવમાં એક વિકેટ લઈને તરખાટ મચાવી દીધો હતો. છઠ્ઠા ધોરણમાં ભણતા આ લેફ્ટી સ્પિનરની આ આઠ વિકેટને કારણે કાંદિવલીની સ્વામી વિવેકાનંદ ઇન્ટરનૅશનલ સ્કૂલ (એસવીઆઇએસ) પ્રથમ દાવમાં માત્ર ૪૦ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. એમાં ધ્રુવની બોલિંગ-ઍનેલિસિસ આ પ્રમાણે હતી : ૧૪-૧૦-૭-૮.

ગઈ કાલે બીજા દિવસે એસવીઆઇએસનો સ્કોર બે વિકેટે ૩૭ રન હતો. આ બેમાંથી એક વિકેટ ધ્રુવે લીધી હતી.

૪૨ કિલો વજન ધરાવતા ધ્રુવે પોતાના આ અસાધારણ પર્ફોર્મન્સ પછી ‘મિડ-ડે’ને પોતાના વજનની વાત કરતા કહ્યું હતું કે ‘મને ખાવાનો બહુ શોખ છે. એના કારણે જ મારું વજન આટલું બધુ વધી ગયું છે. બે વર્ષ પહેલાં હું ખાઉગલીઓમાં જઈને ખૂબ ખાતો-પીતો હતો. હું સારું રમતો, પરંતુ ભારેખમ શરીરને લીધે મુંબઈની અન્ડર-૧૪ ટીમમાં ક્યારેય સ્થાન નહોતો મેળવી શક્તો. ગયા વર્ષે એક દિવસ બાંદરા (ઈસ્ટ)ના એમઆઇજી ગ્રાઉન્ડ પર સચિન સર (સચિન તેન્ડુલકર) મારી પાસે આવ્યા હતા અને મને કહ્યું હતું કે મારી બોલિંગ બહુ સારી છે, પરંતુ મારે ફિટનેસ પર ઘણું ધ્યાન આપવાની જરૂર છે. તેમણે મને ત્યારે જે ટિપ્સ આપી હતી એને મેં બરાબર ધ્યાનમાં રાખી છે. મેં ખાવા-પીવામાં પણ ઘણો કન્ટ્રોલ કર્યો છે. હવે હું ભાત અને મીઠાઈઓ ઓછા ખાઉં છું. જન્ક ફૂડ પણ બહુ ઓછું કરી નાખ્યું છે. સચિન સરની સલાહથી મને ઘણો ફાયદો થયો છે.’