૩૦૦૦ પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓ પાંચ મુકાબલા જોવા ભારત આવશે

08 December, 2012 09:00 AM IST  | 

૩૦૦૦ પાકિસ્તાની ક્રિકેટપ્રેમીઓ પાંચ મુકાબલા જોવા ભારત આવશે




નવી દિલ્હી: બે સિરીઝ રમવા આવી રહેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ બાવીસમી ડિસેમ્બરે બૅન્ગલોર પહોંચશે અને બે અઠવાડિયા સુધી ભારતમાં રહેશે. જોકે આ ટીમના ૧૬ પ્લેયરોને સપોર્ટ કરવા કુલ ૩૦૦૦ પાકિસ્તાનીઓ ભારત આવી રહ્યા છે. ભારત તરફથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને ૩૦૦૦ ટિકિટ વેચવામાં આવી છે. ૧૦ દિવસમાં આ બધા પાકિસ્તાની નાગરિકોને ભારતીય વીઝા મળી જાય એવી વ્યવસ્થા ભારત દ્વારા કરવામાં આવી રહી છે.

પાકિસ્તાની ટીમ પચીસમાં ડિસેમ્બરે (નાતાલના દિવસે) બૅન્ગલોરમાં પ્રથમ T20 મૅચ રમશે. બીજી અને છેલ્લી T20 અમદાવાદમાં રમાશે. આ બન્ને શહેરો માટે ૫૦૦-૫૦૦ પાકિસ્તાનીઓને વીઝા મંજૂર થઈ રહ્યા છે. ત્યાર પછી ૩૦ ડિસેમ્બરે ચેન્નઈમાં પ્રથમ વન-ડે તથા ૩ જાન્યુઆરીએ કલકત્તામાં બીજી વન-ડે રમાશે અને એ માટે પણ ૫૦૦-૫૦૦ પાકિસ્તાનીઓને ભારત આવવાની છૂટ મળી છે. ૬ જાન્યુઆરીએ દિલ્હીમાં રમાનારી છેલ્લી વન-ડે માટે ભારત તરફથી ૧૦૦૦ વીઝા મંજૂર થયા છે. આ ઉપરાંત પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને બીજા ૧૦૦ જેટલા પાસ પણ દિલ્હીની મૅચ માટે મળશે એવી શક્યતા છે.

૩૦૦૦ પાકિસ્તાની નાગરિકોમાંથી કેટલાક લોકો પાંચેય મૅચ જોશે અને એ માટે તેમને પાંચ શહેરો માટેના ખાસ વીઝા આપવામાં આવશે.