મૅથ્યુઝનું વર્લ્ડ કપનું સપનું ચકનાચૂર, પથિરાનાને આઇપીએલ ફળી

10 June, 2023 11:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

વર્લ્ડ કપ ક્વૉલિફાયર માટે શ્રીલંકાએ જાહેર કરી ટીમ

માર્ચમાં ન્યુ ઝીલૅન્ડમાં મૅથ્યુઝ. તેણે ૨૦૦૮માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. તેણે ૨૨૧ વન-ડેમાં ૧૨૦ વિકેટ લીધી છે અને ૫૮૬૫ રન બનાવ્યા છે. અને ૨૯ મેએ આઇપીએલની ટ્રોફી સાથે મથીશા પથિરાના.

શ્રીલંકા આગામી વન-ડે વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં રમવા આ મહિને પોતાની ટીમ ઝિમ્બાબ્વે મોકલશે અને એ ટીમ માટે ગઈ કાલે ૧૫ ખેલાડીઓનાં જે નામ જાહેર કર્યાં હતાં એમાં પીઢ ખેલાડી ઍન્જેલો મૅથ્યુઝનું નામ નહોતું, જ્યારે તાજેતરની આઇપીએલમાં ઝળકેલા મથીશા પથિરાનાને ગયા અઠવાડિયે અફઘાનિસ્તાન સામે ડેબ્યુ કરવાનો મોકો આપ્યા બાદ ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. પથિરાનાએ ૨૯ મેએ ચેન્નઈ સુપર કિંગ્સ વતી બહુ સારું બોલિંગ-પ્રદર્શન કરીને ગુજરાત ટાઇટન્સના સાઈ સુદર્શન (૯૬ રન) અને રાશિદ ખાન (૦)ની બહુમૂલ્ય વિકેટ લીધી હતી અને ધોનીની ટીમને પાંચમી ટ્રોફી જીતવામાં મોટું યોગદાન આપ્યું હતું. ૨૦ વર્ષના પથિરાનાએ આઇપીએલની આ સીઝનમાં ૧૨ મૅચમાં ૧૯ વિકેટ લીધી હતી અને ચેન્નઈના બેસ્ટ બોલર્સમાં તે દેશપાંડે તથા જાડેજા પછી ત્રીજા નંબરે હતો.

૩૬ વર્ષના ઍન્જેલો મૅથ્યુઝને બે વર્ષના લાંબા સમયગાળા બાદ ૨૦૨૩ની શરૂઆતમાં ન્યુ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ માટે પાછો બોલાવવામાં આવ્યો ત્યારે તેણે આશા રાખી હતી કે ૨૦૨૩માં ભારતમાં રમાનારા વન-ડેના વિશ્વકપમાં કદાચ રમવા મળશે. જોકે કમબૅક બાદ તેનો બૅટિંગ-પર્ફોર્મન્સ (૧૮, ૦, ૧૨) સારો ન હોવાથી તેને ગયા અઠવાડિયે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ માટેની ટીમમાં નહોતો સમાવાયો. તેને બદલે રમાડવામાં આવેલા સદીરા સમરવિક્રમાને વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ રાઉન્ડ માટે ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. શ્રીલંકાની પ્રથમ ક્વૉલિફાઇંગ મૅચ ૧૯ જૂને યુએઈ સામે રમાશે. શ્રીલંકાએ ૭ જૂને અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝ ૨-૧થી જીતી લીધી હતી.

શ્રીલંકાની ટીમ

દાસુન શનાકા (કૅપ્ટન), કુસાલ મેન્ડિસ (વિકેટકીપર), પથુમ નિસાન્કા, દિમુથ કરુણારત્ને, ધનંજય ડિસિલ્વા, ચરિથ અસલન્કા, સદીરા સમરાવિક્રમા, ચમિકા કરુણારત્ને, દુશાન હેમંથા, વનિન્દુ હસરંગા, મથીશા પથિરાના, લાહિરુ કુમારા, દુષ્મંથા ચમીરા, કાસુન રજિથા અને મહીશ થીકશાના.

world cup sri lanka cricket news sports sports news