વૉર્મ-અપ મૅચમાં જ વેસ્ટ ઇન્ડીઝના હાલ બેહાલ ટીમ ઇન્ડિયા સામે શું થશે?

04 October, 2014 04:47 AM IST  | 

વૉર્મ-અપ મૅચમાં જ વેસ્ટ ઇન્ડીઝના હાલ બેહાલ ટીમ ઇન્ડિયા સામે શું થશે?

ભારત સામેની ટૂરમાં વેસ્ટ ઇન્ડીઝની હાલત કેવી થવાની છે એનો પરચો ગઈ કાલે ઇન્ડિયા A ટીમના સ્પિનરોએ બતાવી દીધો હતો. મુંબઈના બ્રેબર્ન સ્ટેડિયમમાં રમાયેલી પહેલી વૉર્મ-અપ વન-ડે મૅચમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમને માત્ર ૧૪૮ રનમાં ઑલઆઉટ કરીને નવ વિકેટથી સરળ વિજય મેળવ્યો હતો. અમિત મિશ્રાએ ૨૬ રનમાં ૩ વિકેટ, કર્ણ શર્માએ ૨૭ રનમાં બે વિકેટ તથા પરવેઝ રસૂલે ૭ રનમાં એક વિકેટ લીધી હતી. પરિણામે સમગ્ર ટીમ ૩૮.૧ ઓવરમાં ૧૪૮ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર ઉન્મુક્ત ચંદે આ ટાર્ગેટને માત્ર ૨૫.૩ ઓવરમાં પૂર્ણ કર્યો. તેણે નૉટઆઉટ ૭૯ રન કર્યા હતા. 


વેસ્ટ ઇન્ડીઝના કૅપ્ટન કીરૉન પોલાર્ડે ટૉસ જીતીને દાવ લેવાનું નક્કી કર્યું, પરંતુ એની વિકેટ સતત પડતી રહેવાને કારણે ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. પેસ બોલર ધવલ કુલકર્ણી તથા જસપ્રીત બુમરાહે વેસ્ટ ઇન્ડીઝના પતનની શરૂઆત ૧-૧ વિકેટ લઈને કરી જે કામને સ્પિનરોએ પૂર્ણ કર્યું. ૧૦ ઓવરમાં વેસ્ટ ઇન્ડીઝે ૭૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. બીજી વૉર્મ-અપ મૅચ પાંચ ઑક્ટોબરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ પાંચ ઇન્ટરનૅશનલ વન-ડે મૅચોની શરૂઆત થશે.