નાયરની ૬ વિકેટ છતાં બેન્ગાલને હરાવવામાં મુંબઈની ટીમ નિષ્ફળ

05 December, 2012 06:43 AM IST  | 

નાયરની ૬ વિકેટ છતાં બેન્ગાલને હરાવવામાં મુંબઈની ટીમ નિષ્ફળ




બેન્ગાલની સાતમાંથી છ વિકેટ મુંબઈના પેસબોલર અભિષેક નાયરે લીધી હતી છતાં બેન્ગાલ મૅચ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યું હતું. વિકેટકીપર વૃદ્ધિમાન સહા (૩૮ નૉટઆઉટ, ૧૫૨ બૉલ, પાંચ ફોર) મુંબઈ માટે સૌથી મોટો અવરોધ બની ગયો હતો. જોકે તેને અભિષેક ઝુનઝુનવાલા (૯ રન, ૭૩ બૉલ)નો પણ બહુ સારો સાથ મળ્યો હતો. સવારે ઓપનરો રોહન બૅનરજી (૫૯ રન, ૧૬૬ બૉલ, પાંચ ફોર) અને અરિંદમ દાસે (૫૪ રન, ૧૩૯ બૉલ, છ ફોર)ની ૧૧૬ રનની ભાગીદારી પણ મુંબઈને નડી હતી.

મુંબઈએ પ્રથમ દાવની લીડને કારણે ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા, જ્યારે બેન્ગાલને એક પૉઇન્ટ મળ્યો હતો.

રોહિતનું ખરાબ વર્તન

ગઈ કાલે અમ્પાયર સુધીર અસનાની સામે ખરાબ વર્તન કરવા બદલ મૅચ રેફરી પી. કલ્યાણ સુંદરમે મુંબઈના કૅપ્ટન રોહિત શર્માને જોરદાર ઠપકો આપ્યો હતો.

મુંબઈ માટે અવરોધ બની રહેલા બેન્ગાલના વૃદ્ધિમાન સહા સામે આવિષ્કાર સાળવીના બૉલમાં કૉટ બિહાઇન્ડની અપીલ થઈ ત્યારે અસનાનીએ તેને આઉટ નહોતો આપ્યો. અસનાનીના આ નિર્ણયથી ગુસ્સે થઈને રોહિતે પોતાની કૅપ ઉતારીને નીચે ફેંકી હતી અને થૂંક્યો પણ હતો. એ પહેલાં મુંબઈના પ્લેયર ક્ષેમલ વાયંગણકરે સહા જ્યારે ૭ રન પર હતો ત્યારે કૅચ છોડ્યો હોવાથી રોહિત ત્યારથી ગુસ્સામાં હતો. સહા છેલ્લે ૧૫૨ બૉલમાં બનાવેલા ૩૮ રન પર નૉટઆઉટ રહ્યો હતો અને બેન્ગાલની સાત જ વિકેટ પડી હોવાથી મૅચ ડ્રૉ થઈ હતી.

અન્ય મુખ્ય મૅચોમાં શું બન્યું?

રોહતકમાં હરિયાણાના અમિત મિશ્રાની ચાર વિકેટને કારણે દિલ્હી ૨૯૩ રનના ટાર્ગેટ સામે ૨૦૯ રન બનાવી શક્યું એટલે હારી ગયું. હરિયાણાને છ પૉઇન્ટ મળ્યા.

વલસાડમાં ગુજરાતના ૫૬૬ રન સામે હૈદરાબાદે પ્રથમ દાવમાં ૩૭૫ રનમાં ઑલઆઉટ થયું હતું અને ફૉલો-ઑન પછી બીજા દાવમાં બે વિકેટે ૧૨૪ રન બનાવ્યા હતા અને મૅચ ડ્રૉ થઈ હતી. જોકે ગુજરાતને લીડને કારણે ત્રણ પૉઇન્ટ મળ્યા હતા.

રાજકોટમાં રવીન્દ્ર જાડેજાની ટ્રિપલ સેન્ચુરી (૩૩૧)ના જોરે સૌરાષ્ટ્રે લીડ મેળવી હોવાથી ગઈ કાલે રેલવે સામે ડ્રૉ થયેલી મૅચમાં ત્રણ પૉઇન્ટ મેળવ્યા હતા. રેલવેને એકમાત્ર પૉઇન્ટ મળ્યો હતો.

મોહાલીમાં રાજસ્થાન સામે પંજાબે ૨૦૪ રનનો ટાર્ગેટ એક જ વિકેટે મેળવી લઈને મૅચ જીતી લીધી હતી અને છ પૉઇન્ટ મેળવ્યા હતા.