મોટા ભાઈએ સચિનનો રેકૉર્ડ તોડ્યો : નાનો ભાઈ ૧૧૪ વર્ષની ટુર્નામેન્ટમાં યંગેસ્ટ બન્યો

14 December, 2011 09:27 AM IST  | 

મોટા ભાઈએ સચિનનો રેકૉર્ડ તોડ્યો : નાનો ભાઈ ૧૧૪ વર્ષની ટુર્નામેન્ટમાં યંગેસ્ટ બન્યો

 

 

ગઈ કાલે ચર્ચગેટના ક્રૉસ મેદાન પર મુંબઈ સ્કૂલ સ્પોર્ટ્સ અસોસિએશન (એમએસએસએ)ના બૅનર હેઠળ શરૂ થયેલી ગાઇલ્સ શીલ્ડ નામની ઇન્ટર-સ્કૂલ અન્ડર-૧૪ ટુર્નામેન્ટમાં એલીટ ડિવિઝનની મૅચોમાં સૌકોઈનું ધ્યાન સીએસટી (છત્રપતિ શિવાજી ટર્મિનસ)ની અંજુમન ઇસ્લામ અલ્લાના (ઇંગ્લિશ) સ્કૂલમાં બીજા ધોરણમાં ભણતા છ વર્ષની ઉંમરના મુશીર ખાન નામના પ્લેયર પર હતું.

સામાન્ય રીતે છ વર્ષનો બાળક બરાબર બૅટ નથી ઊંચકી શકતો, પરંતુ મુશીર મુંબઈ સ્કૂલ ક્રિકેટમાં તેનાથી ઘણા સિનિયર પ્લેયરો વચ્ચે રમવા લાગ્યો છે. તે છ વર્ષની નાની ઉંમરે રમ્યો એ સાથે તેણે ૧૧૪ વર્ષની આ ટુર્નામેન્ટમાં યંગેસ્ટ પ્લેયર તરીકેનો નવો વિક્રમ બનાવ્યો હોવાનું મનાય છે. મુશીરના મોટા ભાઈ સરફરાઝ ખાને બે વર્ષ પહેલાં ૧૨ વર્ષની ઉંમરે હૅરિસ શીલ્ડ ટુર્નામેન્ટમાં સચિન તેન્ડુલકરનો એ સ્પર્ધાનો અણનમ ૩૨૬ રનનો વિક્રમ તોડ્યો હતો અને ૪૩૮ રન બનાવ્યા હતા.

રાઇટી ઓપનર, લેફ્ટી સ્પિનર

અંજુમન ઇસ્લામ અલ્લાના (ઇંગ્લિશ) સ્કૂલના આ ભૂલકાનું પૂરું નામ મુશીર અહમદ નૌશાદ ખાન છે. તે છ વર્ષ અને નવ મહિનાનો છે અને કુર્લામાં રહે છે. તે બૅટિંગમાં રાઇટી અને બોલિંગમાં લેફ્ટી છે. તે પોતાની સ્કૂલની ટીમના મુખ્ય સ્પિનરોમાં ગણાય છે. ન્યુ ઝીલૅન્ડનો ડેનિયલ વેટોરી તેનો હીરો છે અને વેટોરીની જેમ ફેમસ થવા માગે છે.

પહેલો દિવસ સારો ન ગયો

કરીઅરના ઐતિહાસિક પ્રારંભના દિવસે મુશીર સારું પર્ફોર્મ નહોતો કરી શક્યો. દહિસરની શૈલેન્દ્ર એજ્યુકેશન સ્કૂલ સામેની મૅચમાં તે ઓપનિંગમાં રમ્યો હતો અને ૨૮ બૉલમાં માત્ર ત્રણ રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે તેણે ગઈ કાલની રમત પછી પીટીઆઈને કહ્યું હતું કે ‘હું આઉટ થયો એ બૉલને રમવા માટે હું બરાબર તૈયાર જ નહોતો થયો, પરંતુ બોલર રન-અપ પરથી દોડીને આવી ગયો હતો એટલે મારે રમવું પડ્યું હતું. બૉલ સ્ટમ્પ્સની બહાર જતો રહેશે એવું ધારીને મેં એ છોડી દીધો હતો, પરંતુ એ અંદર આવી ગયો હતો અને મારી વિકેટ પડી ગઈ હતી.’

મુશીરના પપ્પા નૌશાદ ખાન મહારાષ્ટ્ર અન્ડર-૧૯ ટીમમાં રમી ચૂક્યા છે. તેઓ મુંબઈના પ્લેયરો ઇકબાલ અબદુલ્લા અને કામરાન ખાન જેવા પ્લેયરોને કોચિંગ આપી ચૂક્યા છે. નૌશાદ ખાને ગઈ કાલે કહ્યું હતું કે ‘મુશીર આ મૅચ રમવા માટે ઘણા દિવસોથી ખૂબ ઉત્સાહિત હતો. જોકે તરત આઉટ થઈ જતાં તે દૂર એકલો જઈને બેસી ગયો હતો, પરંતુ થોડી વારમાં સાથીઓની બાજુમાં આવીને બેઠો હતો.’

તેની સ્કૂલની ટીમ ૨૩૩ રને ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં જય દવે નામના પ્લેયરના ૭૨ રન હાઇએસ્ટ અને શેખ વકારના પંચાવન રન સેકન્ડ-હાઇએસ્ટ હતા. શૈલેન્દ્ર એજ્યુકેશન સ્કૂલના ગૌરવ સાવંતે ૬૮ રનમાં પાંચ વિકેટ લીધી હતી.

તેની બોલિંગમાં બે કૅચ છૂટ્યા

મુશીર પાંચ ઓવરમાં ૧૨ રનના ખર્ચે એકેય વિકેટ નહોતો લઈ શક્યો. જોકે તેની બોલિંગમાં બે કૅચ છૂટ્યા હતા. તેણે કહ્યું હતું કે મારી બોલિંગમાં એક કૅચ સ્લિપમાં અને બીજો સિલી-પૉઇન્ટ પર છૂટ્યો હતો.

ગાવસકરની સલાહ અનુસરે છે

મુશીરના પિતા નૌશાદ ખાને તેમના આ લાડકવાયાના ડેઇલી-રૂટીન વિશે કહ્યું હતું કે ‘તે સવારે પાંચ વાગ્યે ઉઠે છે અને આઝાદ મેદાન પર સાડાછ વાગ્યે પહોંચી જાય છે. થોડી પ્રૅક્ટિસ કર્યા પછી તે તેના ટીચર હિતેશ દોશી પાસે પહોંચી જાય છે.

હિતેશ દોશીનો ૧૨ વર્ષનો પુત્ર પણ મુશીરની સાથે ક્રૉસ મેદાનની ટુર્નામેન્ટમાં રમે છે. મુશીર બપોરે બાર વાગ્યે સ્કૂલે જાય છે અને સાંજે ચાર વાગ્યે પાછો આઝાદ મેદાન પર આવી જાય છે. ત્યાર પછી તે આઠ વાગ્યે મારી સાથે ઘરે પહોંચે છે અને નવ વાગ્યા સુધીમાં સૂઈ જાય છે. મારા મોટા પુત્ર સરફરાઝે સચિનનો રેકૉર્ડ તોડીને જે ૪૩૮ રન બનાવ્યા હતા ત્યાર પછીના એક ફંક્શનમાં સુનીલ ગાવસકરે મારા બન્ને પુત્રો સવારે પાંચ વાગ્યે ઉઠી જાય છે એ જાણીને અમને કહ્યું હતું કે બન્ને છોકરાઓએ રાત્રે નવ વાગ્યા સુધીમાં તો સૂઈ જ જવું જોઈએ કે જેથી બીજા દિવસનું હાર્ડ-વર્ક પૂરી સ્ફૂર્તિથી કરી શકે. સનીની સલાહને સરફરાઝ અને મુશીર બરાબર અનુસરે છે.’

ત્રણ જ વર્ષ રમી શકશે

મુશીરના ભવિષ્ય વિશે તેના કોચ ઇકબાલ ઠાકુર ખૂબ ચિંતામાં છે. ગાઇલ્સ શીલ્ડમાં કોઈ પણ પ્લેયર વધુમાં વધુ ત્રણ વર્ષ રમી શકે. ઠાકુરના મતે આ નિયમથી મુશીરની કરીઅરને વિપરીત અસર થશે. તે જ્યારે ગાઇલ્સ શીલ્ડમાં રમવા અપાત્ર બનશે ત્યારે નવ વર્ષનો હશે. ઠાકુરે જણાવ્યું હતું કે ‘હું આ નિયમની વિરુદ્ધમાં નથી, પરંતુ ખરેખર તો જે પ્લેયરો રમવાને પાત્ર હોય તેમના માટે આ નિયમ મનાઈ ફરમાવે છે. મુશીરની જેમ ખૂબ નાની ઉંમરે કરીઅર શરૂ કરનાર નવયુવાનો માટે આ નિયમ મોટા અવરોધ સમાન છે.’

શાહરુખ ખાનના ૩૫ રન

ગઈ કાલે ગાઇલ્સ શીલ્ડમાં દાદરની આઇઇએસ મૉડર્ન એન્જિનિયરિંગ સ્કૂલ સામે સીએસટીની અંજુમન ઇસ્લામ (ઉર્દૂ) નામની જે સ્કૂલની ટીમ રમી હતી એ ટીમમાં શાહરુખ ખાન નામનો એક પ્લેયર હતો જેણે ૩૫ રન બનાવ્યા હતા. તેની સ્કૂલનો સ્કોર રમતને અંતે ૪ વિકેટે ૧૫૬ રન હતો.