બંગલાદેશીઓ નુકસાન કરીનેય રેકૉર્ડની નજીક

16 November, 2012 06:49 AM IST  | 

બંગલાદેશીઓ નુકસાન કરીનેય રેકૉર્ડની નજીક



મીરપુર : બંગલા દેશે ગઈ કાલે પ્રથમ ટેસ્ટમૅચ (નીઓ પ્રાઇમ પર સવારે ૯.૦૦)ના ત્રીજા દિવસે ફસ્ર્ટ ઇનિંગ્સમાં છ વિકેટે ૪૫૫ રન બનાવ્યા હતા અને આ ટીમને પોતાના દેશના ૪૮૮ રનના સવોર્ચ્ચ ટેસ્ટ ટોટલની બરાબરી માટે ફક્ત ૩૩ રનની જરૂર હતી.

બંગલા દેશના નઇમ ઇસ્લામે (૧૦૮ રન, ૨૫૫ બૉલ, ૧૭ ફોર) વેસ્ટ ઇન્ડીઝના બોલરો પેસબોલરો રવિ રામપૉલ, ટિનો બેસ્ટ તથા ડૅરેન સૅમી તેમ જ નવા પેસબોલર વીરાસૅમી પરમૉલનો અને સ્પિનરો સુનીલ નારાયણ, ક્રિસ ગેઇલ તથા માર્લન સૅમ્યુલ્સનો છ કલાક સુધી સામનો કયોર્ હતો. તેની અને શાકીબ-અલ-હસન (૮૯ રન, ૧૪૩ બૉલ, ૧ સિક્સર, ૧૦ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે ૧૬૭ રનની ભાગીદારી થઈ હતી.

બંગલા દેશે રમતના અંત સુધીમાં છ વિકેટે ૪૫૫ રન બનાવ્યા હતા. શાકીબ સહિતના પાંચ બૅટ્સમેનોએ વિકેટ ફેંકી દીધી હતી એમ છતાં આ ટીમ સાડાચારસો કરતાં વધુ રન બનાવવામાં સફળ થયું હતું. શાકીબ એક તબક્કે કૅચ આપી બેઠો હતો, પરંતુ એ નો-બૉલ હતો. તે ઘણી વખત આઉટ થતાં બચ્યો પણ હતો. રામપૉલે ત્રણ તથા સૅમીએ બે વિકેટ લીધી હતી.

ચંદરપૉલ બીજી ડબલમાં પણ ૨૦૩ નૉટઆઉટ

વેસ્ટ ઇન્ડીઝના શિવનારાયણ ચંદરપૉલે ૧૮ વર્ષની કરીઅરમાં ૨૬ સેન્ચુરી ફટકારી છે. ગઈ કાલે તેણે બુધવારની સદીને ડબલ સેન્ચુરીમાં ફેરવી હતી. તે ૨૦૩ રને રમી રહ્યો હતો ત્યારે કૅપ્ટન ડૅરેન સૅમીએ ટીમનો દાવ ચાર વિકેટે ૫૨૭ રનના ટોટલ પર ડિક્લેર કરી દીધો હતો. ચંદરપૉલની આ બીજી ડબલ સેન્ચુરી છે. માર્ચ ૨૦૦૫માં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં તે ૨૦૩ રને અણનમ રહ્યો હતો.