19 April, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે પ્રશાંત કારિયા, નિશીથ ગોળવાલા, ગૌરાંગ મોદી, મથુરાદાસ ભાનુશાલી અને ક્રિકેટ સબ-કમિટીના સભ્યો.
ઘાટકોપર જૉલી જિમખાના દ્વારા આયોજિત ૧૫મી ઇન્ટરક્લબ વાઇટ બૉલ ક્રિકેટ ટુર્નામેન્ટનો શાનદાર પ્રારંભ ૧૮ માર્ચે સવારે ૯ વાગ્યે થયો હતો. આ પ્રસંગે જિમખાનાના ચૅરમૅન રજનીકાંત શાહ, કારોબારી ટ્રસ્ટી મનોજ અજમેરા, સેક્રેટરી મુકેશ બદાણી તથા પરેશ શાહ તેમ જ સમગ્ર ટ્રસ્ટીગણ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ-ઇન્ચાર્જ નિશીથ ગોળવાલા અને સમગ્ર ક્રિકેટ સબ-કમિટીના સક્રિય માર્ગદર્શન અને આયોજન હેઠળ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૉઇન્ટ સ્પોર્ટ્સ કો-ઑર્ડિનેટર પ્રશાંત કારિયા તથા કારોબારી સભ્યો નલિન મહેતા અને ગૌરાંગ મોદી હાજર રહ્યા હતા. આ ટુર્નામેન્ટમાં મુંબઈની જાણીતી ૮ ક્લબોએ ભાગ લીધો છે જેમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (CCI), બૉમ્બે જિમખાના, પી. જે. હિન્દુ જિમખાના, ગરવારે ક્લબ હાઉસ, માટુંગા જિમખાના, ચેમ્બુર જિમખાના તેમ જ ઘાટકોપર જૉલી જિમખાનાની A અને B ટીમનો સમાવેશ છે. આ ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ વિવિધ ક્લબોના ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાનો મંચ પૂરો પાડવાનો છે અને તેમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવાનો છે. ઘાટકોપર જૉલી જિમખાના હંમેશાં રમતગમતના વિકાસ માટે અને આવી ટુર્નામેન્ટના આયોજન માટે પ્રતિબદ્ધ રહ્યું છે. ટુર્નામેન્ટની ફાઇનલ મૅચ ૨૬ એપ્રિલે યોજાશે. ટુર્નામેન્ટના વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવશે તેમ જ બેસ્ટ બૅટર, બેસ્ટ બોલર અને પ્લેયર ઑફ ધ ટુર્નામેન્ટ જેવા વ્યક્તિગત અવૉર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે.