"ઍડીલેડની ૧૫૧ રનની ઇનિંગ્સ સૌથી સંતોષકારક"

23 November, 2012 03:17 AM IST  | 

"ઍડીલેડની ૧૫૧ રનની ઇનિંગ્સ સૌથી સંતોષકારક"



દેબાશિષ દત્તા


મુંબઈ, તા. ૨૩

અમદાવાદ ટેસ્ટમાં સદી ફટકારીને ટીમ ઇન્ડિયાના વિજયનો પાયો નાખનાર વીરેન્દર સેહવાગ આજે બીજી અનોખી સદી પૂરી કરશે. આજથી વાનખેડેમાં શરૂ થઈ રહેલી ટેસ્ટ વીરેન્દર સહેવાગની ૧૦૦મી ટેસ્ટ છે. આ લૅન્ડમાર્ક ટેસ્ટમાં પણ તે તેની જ સ્ટાઇલમાં કમાલ કરવા તત્પર છે. ૨૦૦૯માં શ્રીલંકા સામે આ મેદાનમાં ૨૯૩ રનની શાનદાર ઇનિંગ્સ જેવી ફરી કમાલ કરવામાં દિલ્હીનો ડેરડેવિલ્સ આજે કોઈ કમી રહી રાખે. સેહવાગ સાથની વાતચીતના મુખ્ય અંશો.

૧૦૦મી ટેસ્ટ રમવા તને કેટલું એક્સાઇટમેન્ટ છે?

આ મારા જીવનની શ્રેષ્ઠ ક્ષણ છે, કારણ કે જો તમે ભારતીય ક્રિકેટના ૮૦ વર્ષના ઇતિહાસ પર નજર કરશો તો જણાશે કે ફક્ત નવ ખેલાડીઓ ૧૦૦ કે વધુ મૅચો રમ્યા છે. આથી મારા માટે આ ગર્વ લેવા જેવો પ્રસંગ છે.

આ મૅચ માટે ખાસ કઈ તૈયારી કરી છે?

હાલ પૂરતું તો મારા માટે આ એક વધુ મૅચ જેવી જ છે. બાકીની ટેસ્ટની જેમ જ આ મૅચ માટે તૈયારી કરી છે. હંમેશ મુજબ વહેલો ઊઠીને બૅગ તૈયાર કરીને ટીમની બસમાં બેસીને મેદાનમાં પહોંચી જઈશ. ટૉસ પછી પરિસ્થિતિ પ્રમાણે તૈયારી કરીશ.

આ પ્રસંગને કેવી રીતે ઊજવવાનો છે?

મને ખબર નથી. કદાચ મારી પત્ની આજે આવે પછી અમે વિચારીશું. હાલ આ ખૂબ મહત્વની સિરીઝ ચાલી રહી છે અને એ પણ ઇંગ્લૅન્ડ જેવી મજબૂત ટીમ સામે. આથી હાલ પૂરતો તો ઉજવણીનો કોઈ પ્લાન નથી.

તને વિશ્વાસ થાય છે તું ૧૦૦મી ટેસ્ટ રમી રહ્યો છે?

હું સાઉથ આફ્રિકા સામે પહેલી ટેસ્ટ રમ્યો ત્યારે જરાય વિશ્વાસ નહોતો કે હું એક દિવસ ૧૦૦ ટેસ્ટ રમીશ. મને ગર્વ છે અને ખુશ છું એટલે જ આજનો આ શુક્રવાર એ મારા જીવનનો સૌથી યાદગાર દિવસ બની રહેશે.

આ ૧૦૦મી ટેસ્ટમાં સદી કરવાની ઇચ્છા છે?

કોની ન હોય? દરેક બૅટ્સમૅન તેની દરેક ટેસ્ટમાં સદી કરવાનો પ્રયાસ કરતો હોય છે.

તારી કરીઅરની સૌથી સંતોષકારક ઇનિંગ્સ કઈ?

૨૦૦૭-‘૦૮માં ઑસ્ટ્રેલિયા ટૂરમાં ઍડીલેડ ટેસ્ટની ૧૫૧ રનની ઇનિંગ્સ. ટેસ્ટ બચાવવા માટે મારી સ્ટાઇલથી વિપરીત ખૂબ જ ધીમું રમ્યો હતો. મારા પર ખૂબ કાબૂ રાખીને વિકેટ પણ ટકી રહ્યો હતો અને ટીમને હારથી બચાવી હતી.

તારી બેસ્ટ ઇનિંગ્સ કઈ?

ચેન્નઈમાં સાઉથ આફ્રિકા સામે ફટકારેલી ટ્રિપલ સેન્ચુરી. આ મૅચ પહેલાં મને ડ્રૉપ કરવામાં આવ્યો હતો, પણ એ ઇનિંગ્સથી મેં ટીમમાં જોરદાર કમબૅક કર્યું હતું. મારી બેસ્ટ ઇનિંગ્સ હતી એ. એક વાર તેં કહ્યું હતું કે તું કોઈ બોલર કે પિચની પરવા નથી કરતો.

હા, અને આજે એ જ રિપીટ કરું છું.

જો મને કોઈ ફટકારવા જેવો બૉલ મળે, પછી ભલે એ કોઈ પણ બોલરે ફેંક્યો હોય કે મૅચનો પહેલો બોલ પણ કેમ ન હોય, હું એને ફટકારીશ. એ મારી નૅચરલ ગેમ છે.