મેં દરેક મૅચ તમારા માટે જ જોઈ છે, કૃપા કરીને ક્યારેય નિવૃત્તિ ન લેતા

28 January, 2025 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫ વર્ષના ક્રિકેટ-ફૅને રોહિત શર્માને લખ્યો ઇમોશનલ લેટર

રોહિત શર્મા

ભારતીય કૅપ્ટન રોહિત શર્માની ટીમે સોશ્યલ મીડિયા પર એક લેટર શૅર કર્યો છે જેમાં ૧૫ વર્ષના એક ક્રિકેટ-ફૅન યથાર્થ છાબરિયાએ ઇમોશનલ વાત લખી છે. આ જબરા ફૅને લેટરમાં લખ્યું છે, ‘હું લાખો લોકોનું પ્રતિનિધિત્વ કરીને કહીશ કે તમે જ કારણ છો કે હું આ સુંદર રમત જોઉં છું અને હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને એ રમવાની તક પણ મળી. હું એક એવા દેશમાં જન્મ્યો છું જ્યાં મને તમારી શાનદાર બૅટિંગ જોવાનું સૌભાગ્ય મળ્યું છે. ફૉર્મ કામચલાઉ છે, ક્લાસ કાયમી છે. જો તમે હાલમાં કોઈ મોટી ઇનિંગ્સ રમી ન હોય તો કોઈ વાંધો નથી, હું જોઈ શકું છું કે તમે સાચા માર્ગ પર છો અને તમે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અન્ય ટીમોને તોડી નાખશો.’

યથાર્થે એ પણ ઉલ્લેખ કર્યો કે રોહિતની રણજી મૅચ ગણિતના ક્લાસમાં બેસીને જોવી પડી હતી.

આગળ યથાર્થે ઇમોશનલ વાત લખી છે, ‘નફરત કરનારાઓ નફરત કરશે, પણ તમારું નેતૃત્વ ઉચ્ચ કક્ષાનું છે. તમે મેદાન પર શ્રેષ્ઠ પાત્ર છો અને તમે દરેક ફૉર્મેટમાં પ્લેયર અને કૅપ્ટન બન્ને તરીકે સફળતા મેળવી છે. મેં હંમેશાં તમને ફૉલો કર્યા છે અને મેં દરેક મૅચ તમારા માટે જોઈ છે. કૃપા કરીને ક્યારેય નિવૃત્તિ ન લો. જો હું તમને ઇનિંગ્સ ઓપન કરતાં ન જોઉં તો ટીવી ચાલુ કરતી વખતે મને કેવું લાગશે એની હું કલ્પના પણ કરી શકતો નથી. હું ૧૫ વર્ષનો ઉત્સાહી છોકરો છું. મારું સ્વપ્ન સ્પોર્ટ્‌સ ઍનલિસ્ટ બનવાનું છે અને મેં રાજસ્થાન રૉયલ્સ સાથે મારી ઇન્ટર્નશિપ પણ પૂર્ણ કરી છે. હું તમને પ્રેમ કરું છું રોહિત અને હું જાણું છું કે તમે ખૂબ જ જલદી સંપૂર્ણ ક્ષમતાથી કમબૅક કરશો.’

rohit sharma indian cricket team viral videos social media champions trophy ranji trophy cricket news sports news sports