રણજીમાં જોવા મળી ૧૩ સેન્ચુરી

12 November, 2012 05:42 AM IST  | 

રણજીમાં જોવા મળી ૧૩ સેન્ચુરી



રણજી ટ્રોફીના બીજા રાઉન્ડના મુકાબલાઓમાં શનિવારે બીજા દિવસે થયેલી કુલ ૧૨ સેન્ચુરી સામે ગઈ કાલે ૧૩ સેન્ચુરી જોવા મળી હતી.

જયપુરમાં રાજસ્થાનના ૪૭૮ રન સામે મુંબઈએ હિકેન શાહના અણનમ ૧૧૮ તથા આદિત્ય તરે (૮૦) અને કૅપ્ટન રોહિત શર્મા (૭૯)ની હાફ સેન્ચુરી વડે દિવસના અંતે ૩ વિકેટે ૩૬૦ રન બનાવી લીધા હતા. રાજસ્થાન પર લીડ મેળવવા મુંબઈને હજી ૧૧૯ રનની જરૂર છે.

દિલ્હીમાં ઓડિશાએ પહેલી ઇનિંગ્સની લીડ ૧૮૮ રન સામે બીજી ઇનિંગ્સમાં ૬ વિકેટે ૨૨૯ રન બનાવ્યા હતા. લીડને બાદ કરતાં ઓડિશાના ફક્ત ૪૧ રન છે અને એની ચાર જ વિકેટ બાકી હોવાથી દિલ્હીને આજે જીતવાના સારા ચાન્સ છે.

પુણેમાં મહારાષ્ટ્રના ૬ વિકેટે ૭૬૪ રનના તોતિંગ સ્કોરે દાવ ડિક્લેર કર્યા બાદ ઉતર પ્રદેશે ઓપનર તન્મય શ્રીવાસ્તવ (અણનમ ૧૩૪) અને મુકુલ ડાગરના ૧૨૬ના સૉલિડ સ્ટાર્ટ સાથે એક વિકેટે ૨૮૭ રન બનાવ્યા હતા.

સુરતના ૬૦૦ રનના તોતિંગ જુમલા સામે સૌરાષ્ટ્રે સાગર જોગિયાની (૧૧૬) અને રવીન્દ્ર જાડેજા (૧૧૯)ની અણનમ સદીઓ વડે દિવસના અંતે બે વિકેટે ૩૨૩ રન બનાવીને જોરદાર ટક્કર આપી હતી.

વડોદરામાં વિદર્ભના ૨૬૪ રન સામે બરોડાએ પહેલી ઇનિંગ્સમાં અભિમન્યુ ચૌહાણના ૧૧૮, રાકેશ સોલંકીના ૧૨૦ અને કૅપ્ટન યુસુફ પઠાણના ૩૬ બૉલમાં પાંચ સિક્સર અને ૬ ફોર સાથેની ૭૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ વડે ૫૧૪ રન બનાવીને ૨૫૦ રનની લીડ મેળવી લીધી હતી અને વિદર્ભની બીજી ઇનિંગ્સમાં ૩ રનમાં એક વિકેટ પણ લઈ લીધી હતી. આજે બરોડાને પણ જીતની શક્યતા છે.