સચિનને મહાસદી પછી સોનાના ૧૦૦ સિક્કા ૧૫ દિવસે મળશે

22 November, 2011 08:02 AM IST  | 

સચિનને મહાસદી પછી સોનાના ૧૦૦ સિક્કા ૧૫ દિવસે મળશે

 

 

(સંજીબ ગુહા અને સાંઈ મોહન)


મુંબઈ, તા. ૨૨

અસોસિએશનના ખજાનચી રવિ સાવંતે ગઈ કાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આ ૧૦૦ સિક્કા ખાસ સચિન માટે બનાવડાવીશું. એના પર તેનું નામ કોતરાવીશું. આવા સિક્કા બજારમાં ન મળે. એ બનાવવા માટે ઑર્ડર આપવો પડે. સચિન સદી ફટકારશે એટલે અમે તરત એ સિક્કા બનાવવાનો ઑર્ડર આપી દઈશું એટલે ૧૫થી ૨૦ દિવસમાં એ સિક્કા અમને મળી જશે અને એ અમે સચિનને આપી દઈશું..’

૧૦૦ રૂપિયાની ટિકિટ ખૂબ વેચાઈ

વાનખેડેમાં આજે શરૂ થયેલી છેલ્લી ટેસ્ટમૅચ માટેની દૈનિક ટિકિટનો ઓછામાં ઓછો ભાવ ૫૦ રૂપિયા છે અને એની ઘણી ટિકિટો વેચાઈ છે. જોકે ગઈ કાલ સુધીમાં ૧૦૦ રૂપિયાવાળી ટિકિટો સૌથી વધુ વેચાઈ હતી. મુંબઈ ક્રિકેટ અસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી નીતિન દલાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘણા લોકો મોટા ભાગના દિવસોની ૧૦૦ રૂપિયાવાળી ટિકિટ લઈને પોતાની પાસે રાખી છે. સચિન પાંચમાંથી જે પણ દિવસે ૧૦૦મી આંતરરાષ્ટ્રીય સદીની નજીક પહોંચે ત્યારે એ ટિકિટ લઈને વાનખેડેમાં પહોંચી જવાનો આ ટિકિટ ખરીદદારોનો પ્લાન છે એવું કેટલાક પ્રેક્ષકો પાસેથી જાણવા મળ્યું છે.’

સચિન હજારોને આકર્ષિત કરશે

વાનખેડેમાં મોટા ભાગના પ્રેક્ષકો સચિનને કારણે જ આકર્ષાશે એની ખાતરી વ્યક્ત કરતા નીતિન દલાલે જણાવ્યું હતું કે ‘આ ટેસ્ટમૅચ કામકાજના દિવસો દરમ્યાન છે. સ્વાભાવિક રીતે પ્રેક્ષકોની સંખ્યા ઓછી રહેશે. બધો આધાર સચિન પર રહેશે. તેની ૧૦૦મી ઇન્ટરનૅશનલ સેન્ચુરી નજીક આવતાં જ હજારોની સંખ્યામાં લોકો વાનખેડેમાં ઊમટી પડશે.’
ધોની બીમાર : જોકે રમશે ધોની ગઈ કાલે બીમાર હતો. તેણે પ્રૅક્ટિસ નહોતી કરી. જોકે તે રમશે જ એવી ગઈ કાલે પાકી સંભાવના હતી.

ભારત પાછું બીજા નંબરે

ગઈ કાલે જોહનિસબર્ગમાં ઑસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં પરાજય થવાની સાથે સિરીઝ ૧-૧થી ડ્રૉ થતાં સાઉથ આફ્રિકા ટેસ્ટના રૅન્કિંગ્સમાં ત્રીજા નંબરે ઉતરી ગયું હતું અને ભારત ત્રીજા પરથી ફરી બીજા ક્રમે આવી ગયું હતું.