સમિત પટેલની સેન્ચુરી પછી યુવરાજ સિંહની પાંચ વિકેટ

02 November, 2012 05:39 AM IST  | 

સમિત પટેલની સેન્ચુરી પછી યુવરાજ સિંહની પાંચ વિકેટ



બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે ઇન્ડિયા ‘એ’ અને ઇંગ્લૅન્ડ વચ્ચેની ત્રણ દિવસની મૅચ ડ્રૉ થઈ હતી. ઇન્ડિયા ‘એ’ના ૩૬૯ રનના જવાબમાં ગઈ કાલે ઇંગ્લૅન્ડ ૪૨૬ રને ઑલઆઉટ થયું હતું. જોકે આ પ્રવાસી ટીમને ૫૭ રનની લીડ મળી હતી. ત્યાર પછી મૅચના અંત સુધીમાં ઇન્ડિયા ‘એ’ની ટીમે ચાર વિકેટે ૧૨૪ રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં માત્ર ૪ રન બનાવી શકનાર ઓપનર અજિંક્ય રહાણે ૫૪ રન બનાવ્યા હતા.

બુધવારે પ્રથમ દાવમાં ૮૨ રને નૉટઆઉટ રહેલા ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર સમિત પટેલે (૧૦૪ રન, ૧૭૩ બૉલ, ૧૪ ફોર) સેન્ચુરી પૂરી કરી હતી. તેની સાથે નૉટઆઉટ રહેલા કૅપ્ટન ઍલસ્ટર કુકે ૧૧૯ રને વિકેટ ગુમાવી હતી. આ ઇનિંગ્સમાં જોનથન ટ્રૉટ (૫૬)ની જેમ મૅટ પ્રાયરે (૫૧) પણ હાફ સેન્ચુરી ફટકારી હતી. યુવરાજ સિંહે ૯૪ રનમાં પાંચ વિકેટ લીધી હતી. ફસ્ર્ટ-ક્લાસ ક્રિકેટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટની તેની આ પહેલી જ સિદ્ધિ હતી. તેણે કેવિન પીટરસન, ઇયાન બેલ, સમિત પટેલ, મૅટ પ્રાયર અને જેમ્સ ઍન્ડરસનની વિકેટ લીધી હતી. આ મૅચમાં ઇન્ડિયા ‘એ’ની ટીમમાં એક પણ રેગ્યુલર સ્પિનર નહોતો.

બ્રેબૉર્નમાં ભારતીય ટીમનો ત્રણ દિવસનો કૅમ્પ


૧૫ નવેમ્બરથી અમદાવાદમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી પ્રથમ ટેસ્ટમૅચ માટેની ભારતીય ટીમનું સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં ક્રિકેટ બોર્ડની હેડ ઑફિસમાં સિલેક્શન થશે ત્યાર બાદ એ ટીમના પ્લેયરો ૯ નવેમ્બરથી ત્રણ દિવસ સુધી બ્રેબૉર્ન સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરશે. તેમના આ કૅમ્પની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી હતી.