દર્શકો સામે રમવા કોહલી ઉત્સુક

27 November, 2020 02:40 PM IST  |  Sydney | IANS

દર્શકો સામે રમવા કોહલી ઉત્સુક

કોહલી

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી ત્રણ વન-ડે મૅચની સિરીઝ શરૂ થઈ રહી છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં રોહિત શર્મા વિનાની ભારતીય ટીમ માટે ઑસ્ટ્રેલિયા સામે વન-ડે મુકાબલો જીતવાનો પડકાર રહેશે, પણ સાથે-સાથે આ મૅચથી ચાહકોને સ્ટેડિયમમાં આપવામાં આવનારા પ્રવેશને લીધે પ્લેયરોમાં ઉત્સાહ નિર્માણ થશે, જેને લીધે મૅચમાં નવો રંગ જામી શકે છે. આ સંદર્ભે વિરાટ કોહલીનું કહેવું છે કે તે દર્શકો સામે રમવા માટે ઘણો ઉત્સાહિત છે.
આ અંગે વિગતવાર વાત કરતાં વિરાટ કોહલીએ કહ્યું કે ‘આ એક મોટી તક છે. દર્શકો સામે રમવા માટે સૌકોઈ ઉત્સુક છે, કારણ કે જ્યારથી ક્રિકેટ પુનઃ શરૂ થઈ છે ત્યારથી દર્શકોને સૌકોઈ મિસ કરી રહ્યા છે. તેમ છતાં, આપણે ધ્યાન રાખવું જોઈએ કે એક કપરા સમય પછી આપણે ઍક્શનમાં આવી રહ્યા છીએ અને ધીમે-ધીમે પરિસ્થિતિ સુધરી રહી છે. ઑસ્ટ્રેલિયામાં એવી પરિસ્થિતિ છે કે તમે દર્શકો સામે રમી શકો છો જેને લીધે પ્લેયર્સમાં નવા ઉત્સાહનું સર્જન થઈ શકે છે. દર્શકો વગર રમવાનો અનુભવ કંઈક અલગ જ હોય છે, પણ દર્શકો સામે રમવાની વાત કંઈક અલગ છે. એક સ્પોર્ટ્સપર્સન તરીકે અમને ચાહકોના અવાજથી ભરેલા એ સ્ટેડિયમની આદત છે અને અમે એ પાછી મેળવવા માટે ઘણા ઉત્સુક છીએ.’
ઉલ્લેખનીય છે કે પહેલી બે વન-ડે જે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે ત્યાં સ્ટેડિયમની ક્ષમતાના ૫૦ ટકા દર્શકોને હાજરી આપવામાં આવશે, જ્યારે ત્રીજી અને છેલ્લી વન-ડે માટે કૅનબેરામાં સ્ટેડિયમની ક્ષમતાના ૬૫ ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે.

test cricket cricket news sports news australia