"સચિન કરીઅર વિશે ખુલ્લા દિલથી નથી બોલતો એ મોટો પ્રૉબ્લેમ છે"

28 November, 2012 03:47 AM IST  | 

"સચિન કરીઅર વિશે ખુલ્લા દિલથી નથી બોલતો એ મોટો પ્રૉબ્લેમ છે"



નવી દિલ્હી :

કપિલે ચૅનલના પત્રકારને સચિનની બાબતમાં સ્પષ્ટ મંતવ્ય આપતા કહ્યું હતું કે ‘કાં તો સિલેક્ટરોએ સચિન સાથે બેસીને તેણે પોતાની કારકિર્દી વિશે શું પ્લાન વિચાયોર્ છે એની ચર્ચા કરી લેવી જોઈએ અથવા ખુદ સચિને તેમને મળીને ખુલાસો કરી લેવો જોઈએ. સૌથી મોટો પ્રૉબ્લેમ એ છે કે સચિન પોતાની કરીઅરના ભાવિ વિશે જાહેરમાં ક્યારેય કંઈ કહેતો જ નથી. સિલેક્ટરો પણ અત્યાર સુધી તેના વિશે મૌન સેવી રહ્યા છે એ પણ મોટી મૂંઝવણ છે. ટીકાકારો સચિનના ખરાબ ફૉર્મના સમયગાળા દરમ્યાન તેના વિશે ટીકા કરે કે તેની સામે આંગળી ચીંધે એ હવે મારાથી જોવાતું નથી.’

સનીએ પણ ટકોર કરી હતી


બે દિવસ પહેલાં સુનીલ ગાવસકરે પણ કહ્યું હતું કે સચિને કરીઅરના ભાવિ વિશે સિલેક્ટરો સાથે ચર્ચા કરી લેવી જોઈએ. કપિલે ધોની કહ્યું હતું કે ‘તે ૮થી ૧૦ ટેસ્ટથી સાવ ફ્લૉપ જઈ રહ્યો છે. માત્ર પર્ફોમન્સની દૃષ્ટિએ જોઈએ તો ટીમ ઇન્ડિયાની ઇલેવનમાં તેનું સ્થાન પણ પાકું ન કહી શકાય.’

બીજા પ્લેયરો શું કહે છે?

બિશનસિંહ બેદી : બીજી ટેસ્ટમૅચમાં માત્ર સચિનના ફ્લૉપ પર્ફોમન્સની કેમ બધા વાતો કરે છે, કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વિશે કેમ કોઈ બોલતું નથી? તે સુકાની ન હોત તો ઇલેવનમાં તેનું સ્થાન ચોક્કસ કહેવાત ખરું? તેને જ ટર્નિંગ વિકેટ જોઈતી હતી. જોયુંને, એના પર ભારતીય ટીમની કેવી હાલત થઈ! તમારે આવી વિકેટ જોઈએ તો એના પર સારું પર્ફોમ કરવાના પાઠ પણ શીખવા પડે.

મનિન્દર સિંહ : સચિનનો ખરાબ તબક્કો છેલ્લા દોઢ વર્ષથી ચાલે છે. તે વારંવાર ક્લીન બોલ્ડ થાય છે એના પરથી મને ચિંતા થાય છે કે અપ્રતિમ ટૅલન્ટ ધરાવતો આ બૅટ્સમૅન એકાગ્રતા રાખી-રાખીને થાકી તો નથી ગયોને?

યજુર્વિન્દ્ર સિંહ : ભારતીય ડ્રેસિંગ-રૂમમાં નિરાશા છવાઈ છે એ માત્ર સચિન દૂર કરી શકે અને એ માટે તેણે પાછા ફૉર્મમાં આવવું જ પડશે.