કિવીઓ ૧૪ વર્ષે શ્રીલંકામાં ટેસ્ટ જીત્યા, એ જ માર્જિનથી

30 November, 2012 06:29 AM IST  | 

કિવીઓ ૧૪ વર્ષે શ્રીલંકામાં ટેસ્ટ જીત્યા, એ જ માર્જિનથી



કોલંબો: ન્યુ ઝીલૅન્ડે સતત પાંચ ટેસ્ટમૅચ હારી ગયા પછી ગઈ કાલે શ્રીલંકાને પરાજય આપવાની સાથે છેલ્લા થોડા મહિનાઓની યાદગાર જીત મેળવી હતી. બીજી અને આખરી ટેસ્ટ જીતીને કિવીઓએ સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી હતી.

ન્યુ ઝીલૅન્ડ ૧૪ વર્ષે શ્રીલંકામાં ટેસ્ટમૅચ જીતવામાં સફળ થયું છે. એણે છેલ્લે શ્રીલંકામાં ૧૯૯૮ની સાલમાં કોલંબોમાં સ્ટીફન ફ્લેમિંગના સુકાનમાં ૧૬૭ રનના માર્જિનથી જીત મેળવી હતી. ગઈ કાલે રૉસ ટેલરના નેતૃત્વમાં ન્યુ ઝીલૅન્ડે એટલા જ રનથી વિજય મેળવ્યો હતો. એક વર્ષ પહેલાં શ્રીલંકાએ ઑસ્ટ્રેલિયામાં આવું જ કમબૅક કર્યું હતું. ત્યારે ઑસ્ટ્રેલિયામાં કાંગારૂઓ સામે શ્રીલંકનો પ્રથમ ટેસ્ટમૅચ હારી ગયા પછી બીજી મૅચ જીતી ગયા હતા.

ગઈ કાલના અંતિમ દિવસે શ્રીલંકા ૩૬૩ રનના ટાર્ગેટ સામે ૧૯૫ રન પર ઑલઆઉટ થયું હતું. ઍન્જેલો મૅથ્યુઝે પાંચ કલાકની બૅટિંગમાં બનાવેલા ૮૪ રન એળે ગયા હતા. પ્રથમ દાવમાં પાંચ વિકેટ લેનાર ટિમ સાઉધીએ ગઈ કાલે ત્રણ વિકેટ લીધી હતી. આગલી ઇનિંગ્સમાં ચાર શિકાર કરનાર બીજા પેસબોલર ટ્રેન્ટ બોલ્ટે પણ ત્રણ વિકેટ લીધી હતી.

ટેલર મૅચનો, હેરાથ સિરીઝનો હીરો

રૉસ ટેલરને પ્રથમ દાવના ૧૪૨ રન, બીજા દાવના ૭૪ રન અને અસાધારણ કૅપ્ટન્સી બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. શ્રીલંકન લેફ્ટી સ્પિનર રંગાના હેરાથે બન્ને દેશના બોલરોમાં સૌથી વધુ ૨૦ વિકેટ લીધી હતી. તેની બોલિંગઍવરેજ ૧૩.૯૦ની હતી. મૅન ઑફ ધ સિરીઝના પુરસ્કાર માટે તેને પસંદ કરવામાં આવ્યો હતો. ટિમ સાઉધીની ૧૨ વિકેટ બોલરોમાં સેકન્ડબેસ્ટ હતી.

બૅટ્સમેનોમાં કિવી-કૅપ્ટન મોખરે

રૉસ ટેલરના ૨૪૩ રન બધા બૅટ્સમેનોમાં સૌથી વધુ હતા. ઍન્જેલો મૅથ્યુઝ ૨૧૦ રન સાથે બીજા નંબરે હતો.

શ્રીલંકાએ આ મહિનાની શરૂઆતમાં વન-ડે સિરીઝ


૩-૦થી જીતી લીધી હતી, પરંતુ ટેસ્ટમાં કિવીઓ વાઇટવૉશની નામોશીથી બચી ગયા હતા.