IPL 2020: ઇન્જર્ડ રોહિત શર્માની નેટ પ્રેક્ટીસથી ગાવસ્કર નારાજ

28 October, 2020 01:04 PM IST  |  Dubai | PTI

IPL 2020: ઇન્જર્ડ રોહિત શર્માની નેટ પ્રેક્ટીસથી ગાવસ્કર નારાજ

રોહિત શર્મા

લેજન્ડ ક્રિકેટર કહે છે હું સમજું છું કે ફ્રૅન્ચાઇઝી આ સંદર્ભે ફોડ પાડીને હરીફને માનસિક લાભ નહીં આપે, પણ આપણે ભારતીય ટીમની વાત કરી રહ્યા છીએ...

લેજન્ડ ક્રિકેટર સુનીલ ગાવસકરે રોહિત શર્માની હૅમસ્ટ્રિંગની ઈજા વિશે વધારે પારદર્શિતાની માંણી કરી હતી. વાસ્તવમાં એક બાજુ ઑસ્ટ્રેલિયાની ટૂર માટે ભારતીય ક્રિકેટ ટીમમાંથી રોહિત શર્માની બાદબાકીની જાહેરાત થયાના થોડા કલાક બાદ જ હિટ-મૅન મુંબઈ ઇન્ડિયન્સની નેટમાં પ્રૅક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ બે વિરોધાભાસી ઘટનાને લીધે ગાવસકર ભારે નારાજ થયા હતા અને એ સંદર્ભે વધારે પારદર્શિતાની માગણી કરી હતી.
સિલેક્શન કમિટીએ સોમવારે ઑસ્ટ્રેલિયન ટૂરની ટીમની જાહેરાત કરતી વખતે ઇન્જરી બાબતે ફોડ પાડ્યા વગર ફક્ત એટલું જ કહ્યું હતું કે રોહિત શર્માના પ્રોગ્રેસ વિશે મેડિકલ ટીમ મૉનિટરિંગ કરી રહી છે.
ગાવસકરે કહ્યું કે ‘આપણે ટેસ્ટ મૅચની વાત કરી રહ્યા છીએ જેને હજી દોઢ મહિનાની વાર છે. તેને વાસ્તવમાં શું તકલીફ છે જો એની ખબર પડે તો બધાને સમજવામાં મદદ મળે. જો તે મુંબઈ ઇન્ડિયન્સ માટે નેટમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે તો ખરેખર મને નથી ખબર કે તેની ઇન્જરી કેવી છે. મને લાગે છે કે તેની સાથે જે સમસ્યા છે એના પર વધારે પારદર્શિતા મળે તો એનાથી બધાને સમજવામાં મદદ મળી શકશે.’
પંજાબ માટે છેલ્લી બે મૅચ ઇન્જરીને લીધે ન રમી શકનાર મયંક અગરવાલનો આ ટૂરમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને સાંકળીને પોતાની વાત આગળ વધારતાં ગાવસકરે કહ્યું, ‘ભારતીય ક્રિકેટના ચાહકોને રોહિતની ફિટનેસ વિશે વધારે જાણવાનો હક છે. હું સમજું છું કે ફ્રૅન્ચાઇઝી કોઈ ખેલાડીને છોડવા નથી માંગતી અને તેમનું અેક જ લક્ષ્ય હોય છે જીતવું. તેઓ નથી ઈચ્છતા કે વિરોધી ટીમ કોઈ પ્રકારે માનસિક લાભ ઉઠાવી શકે. પણ આપણે અહીં ઇન્ડિયન ટીમની વાત કરી રહ્યા છીએ. મયંક અગરવાલનું ઉદાહરણ આપણી સામે છે. ઇન્ડિયન ક્રિકેટના ચાહકો જાણવા માગે છે કે આ બે મહત્ત્વના પ્લેયર સાથે શું સમસ્યા છે.’
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ ટી૨૦, ત્રણ વન-ડે અને ચાર ટેસ્ટ મૅચની સિરીઝ ૨૭ નવેમ્બરથી રમાવાની છે.

rohit sharma sunil gavaskar