રૈના ઍન્ડ કંપની કપરી સ્થિતિમાં

01 November, 2012 05:38 AM IST  | 

રૈના ઍન્ડ કંપની કપરી સ્થિતિમાં



મુંબઈ: ઇંગ્લૅન્ડ સામે બ્રેબૉર્ન સ્ટેડિયમમાં ચાલી રહેલી પ્રૅક્ટિસ-મૅચનો બીજો દિવસ ટીમ મૅનેજમેન્ટના રેગ્યુલર સ્પિનરો વગરની ટીમ સિલેક્ટ કરવાનો નિર્ણય ભારે પડી રહ્યો હોવાનું જણાઈ રહ્યું હતું. પાર્ટટાઇમ બોલરો યુવરાજ સિંહે બે અને સુરેશ રૈનાએ એક વિકેટ લીધી હતી, પણ ઇંગ્લૅન્ડ દિવસના અંતે ચાર વિકેટે ૨૮૬ રન બનાવીને મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું હતું.

ઇન્ડિયા ‘એ’ એના ગઈ કાલના સ્કોર ૩૬૯ના સ્કોર પર જ છેલ્લી વિકેટ ગુમાવી દીધી હતી. જવાબમાં ઇંગ્લેન્ડે યુવા ઓપનર નિક ક્રૉમ્પટનને બીજી ઓવરમાં ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. ક્રૉમ્પટન ખાતું પણ નહોતો ખોલી શક્યો. વન-ડાઉન જોનાથન ટ્રોટે નવ ફોર સાથે ૫૬ રન બનાવીને કૅપ્ટન કૂક સાથે મળીને ૯૫ રનની ભાગીદારી કરીને ભારતીય બોલરોને વધુ ફાવવા નહોતા દીધા. જોકે ટ્રોટના આઉટ થયા પછી કમબૅક મૅન કેવિન પીટરસન ૨૪ બોલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ઝડપી ૨૩ રન બનાવીને યુવરાજ સિંહને વળતો કૅચ આપી બેઠો હતો. ઇયાન બેલ પણ ફક્ત પાંચ રન બનાવીને આઉટ થતાં ઇંગ્લૅન્ડે ૧૩૩ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે ત્યારે ઍલિસ્ટર કૂક (અણનમ ૧૧૨) અને સ્પિનર સમિત પટેલે (અણનમ ૮૨) વચ્ચેની ૧૫૩ રનની ભાગીદારીએ બોલરોને બરાબરના હંફાવ્યા હતા અને ટીમને મજબૂત સ્થિતિમાં લઈ ગયા હતાં. યુવરાજ સિંહે બે તથા સુરેશ રૈના અને અશોદ ડિન્ડાએ એક-એક વિકેટ લીધી હતી.