ભારતીય અમ્પાયરને કારણે જ ભારત હાર્યું

31 December, 2012 03:25 AM IST  | 

ભારતીય અમ્પાયરને કારણે જ ભારત હાર્યું



ચેન્નઈ : ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (૧૧૩ નૉટઆઉટ, ૧૨૫ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર)ની ગઈ કાલની પાકિસ્તાન સામેની ઇનિંગ્સ આંગળીને વેઢે ગણાય એટલી તેની શ્રેષ્ઠ વન-ડે ઇનિંગ્સમાં ગણાશે, પરંતુ પાકિસ્તાની ઓપનર નસીર જમશેદ (૧૦૧ નૉટઆઉટ, ૧૩૨ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની સદીએ ધોનીની ત્રણ વર્ષમાં બનેલી પ્રથમ સેન્ચુરીની ઝાંખી પાડી દીધી હતી. તે આગલી ૫૦ ઇનિંગ્સમાં સદી નહોતો બનાવી શક્યો.

પાકિસ્તાને ત્રણ મૅચની સિરીઝમાં ગઈ કાલની પ્રથમ મૅચ ૬ વિકેટે જીતીને સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી હતી. પાકિસ્તાને ૨૨૮ રનનો ટાર્ગેટ ૧૧ બૉલ બાકી રાખીને મેળવી લીધો હતો. જોકે આ ભારતીય અમ્પાયર રવિ સુંદરમે બે નિર્ણયો ભારતીયોની તરફેણમાં આપ્યા હોત તો વિજય કદાચ ભારતના કબજામાં આવી ગયો હોત.

૨૪ રન પર જીવતદાન મળ્યું

જમશેદે ગઈ કાલે વન-ડેની બીજી સદી ફટકારી હતી. તે ૨૪ રન પર હતો ત્યારે રવિચન્દ્રન અશ્વિનના બૉલમાં તેના બૅટની ઇન્સાઇડ એજ પછી બૉલ સ્લિપમાં વીરેન્દર સેહવાગ તરફ ગયો હતો અને તેણે કૅચ પકડી લીધો હતો. બૉલ જમશેદના પૅડને પણ અડક્યો હતો. ભારતીયોએ પહેલાં લેગ બિફોર વિકેટની અને પછી કૅચની અપીલ કરી હતી. જોકે અમ્પાયર રવિએ અપીલ નકારી દીધી હતી.

૫૮ રન બનાવનાર યુનુસ ખાન ૪૬ રન પર હતો ત્યારે એક બૉલમાં તે સ્વીપ શૉટ ચૂકી ગયો હતો અને બૉલ તેને વાગ્યો ત્યારે તે મિડલ અને ઑફ સ્ટમ્પની આગળ હતો. જોકે એ અપીલને પણ અમ્પાયર રવિએ નકારી દીધી હતી.જમશેદ-યુનુસ વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૨ રનની ભાગીદારી થઈ હતી જે છેવટે મૅચવિનિંગ સાબિત થઈ હતી.

ભારતની ૨૯માં પાંચ વિકેટ હતી

સવારે ભારતીયોએ સચિન તેન્ડુલકર વિનાની પ્રથમ વન-ડેની ખૂબ ખરાબ શરૂઆત કરી હતી. ૨૯ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી. એમાંથી ચાર બૅટ્સમેનો (વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, વિરાટ કોહલી, યુવરાજ સિંહ) ક્લીન બોલ્ડ થયા હતા અને પાંચમો પ્લેયર (રોહિત શર્મા) કૅચઆઉટ થયો હતો. આ પાંચમાંથી ચાર વિકેટ પેસબોલર જુનૈદ ખાને અને એક મોહમ્મદ ઇરફાને લીધી હતી.

રોહિતની વિકેટ પછી ધોની અને સુરેશ રૈનાએ ધબડકો અટકાવ્યો હતો અને તેમની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૭૩ રનની ભાગીદારી થઈ હતી. રૈના ૪૩ રન બનાવીને આઉટ થયા પછી ધોની સાથે રવિચન્દ્રન અશ્વિન જોડાયો હતો અને બન્ને વચ્ચે સાતમી વિકેટ માટે ૧૨૫ રનની અતૂટ ભાગીદારી થઈ હતી. વન-ડે ક્રિકેટમાં સાતમી વિકેટ માટેની આ થર્ડ-હાઇએસ્ટ અને ભારતીયોમાં હાઇએસ્ટ પાર્ટનરશિપ છે.

ટોચના પાંચ પ્લેયરોના ૧૮ રન

ભારતના ટોચના પાંચ બૅટ્સમેનોએ મળીને કુલ ૧૮ રન બનાવ્યા હતા. ભારતના ટોચના પાંચ બૅટ્સમેનોના આ ૧૮ રન સેકન્ડ-લોએસ્ટ છે. આ પહેલાં ભારતે ભારતના ટોચના પાંચ બૅટ્સમેનો ૧૯૮૩ના વલ્ર્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે ૧૫ રન બનાવી શક્યા હતા.

ધોની-જમશેદ બન્નેને જીવતદાન

ધોની ગઈ કાલે ૧૭ રન પર હતો ત્યારે મિસબાહ-ઉલ-હકે તેનો કૅચ છોડ્યો હતો. પાકિસ્તાનના મૅચવિનર જમશેદને યુવરાજ સિંહના હાથે ૬૮મા રને જીવતદાન મળ્યું હતું.

બીજી વન-ડે (બપોરે ૧૨.૦૦) ગુરુવારે કલકત્તામા રમાશે

સ્કોર-બોર્ડ

ભારત

૫૦ ઓવરમાં ૬ વિકેટે ૨૨૭ રન (મહેન્દ્ર ધોની ૧૧૩ નૉટઆઉટ, સુરેશ રૈના ૪૩, રવિચન્દ્રન અશ્વિન ૩૧ નૉટઆઉટ, જુનૈદ ખાન ૪૩ રનમાં ચાર, મોહમ્મદ હફીઝ ૨૬ રનમાં એક અને મોહમ્મદ ઇરફાન ૫૮ રનમાં એક વિકેટ, સઈદ અજમલ ૪૨ રનમાં તેમ જ ઉમર ગુલ ૩૮ રનમાં અને શોએબ મલિક ૯ રનમાં એકેય વિકેટ નહીં)

પાકિસ્તાન


૪૮.૧ ઓવરમાં ૪ વિકેટે ૨૨૮ રન (નસીર જમશેદ ૧૦૧ નૉટઆઉટ, યુનુસ ખાન ૫૮, શોએબ મલિક ૩૪ નૉટઆઉટ, ભુવનેશ્વરકુમાર ૨૭ રનમાં બે તેમ જ ઇશાન્ત શર્મા ૩૯ રનમાં એક અને અશોક ડિન્ડા ૪૫ રનમાં એક વિકેટ)

ટૉસ : પાકિસ્તાન

મૅન ઑફ ધ મૅચ : મહેન્દ્ર સિંહ ધોની