આર્જેન્ટિના અને બેલ્જિયમનું આજે એક જ લક્ષ્ય મેસી, મેસી અને મેસી

05 July, 2014 07:06 AM IST  | 

આર્જેન્ટિના અને બેલ્જિયમનું આજે એક જ લક્ષ્ય મેસી, મેસી અને મેસી




બ્રાસિલિયા: આજની પહેલી ક્વૉર્ટર ફાઇનલમાં ૧૯૭૮ અને ૧૯૮૬ની ચૅમ્પિયન આર્જેન્ટિનાનો સામનો બેલ્જિયમ સામે છે. હૉટ ફેવરિટ આર્જેન્ટિના અત્યારે વર્લ્ડ રૅન્કિંગમાં પાંચમો નંબર ધરાવે છે, જ્યારે વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજી વાર ક્વૉર્ટર રમી રહેલા બેલ્જિયમનો ૧૧મો ક્રમાંક છે. આ વર્લ્ડ કપની બધી જ મૅચ જીતનાર ચાર ટીમોમાંની આ બે ટીમો વચ્ચેની ટક્કર આજે એક ટીમના વિજયરથને અટકાવી દેશે.

આજની મૅચમાં પણ બન્ને ટીમ ઉપરાંત ચાહકોની નજર આજેર્ન્ટિનાના કૅપ્ટન લિયોનલ મેસી પર જ રહેશે.

બન્ને ટીમોએ પોતાની સ્ટ્રૅટેજી પણ મેસીના આધારે જ બનાવી છે. આર્જેન્ટિનાનો ત્રીજી વાર ચૅમ્પિયન બનવા માટેનો પ્લાન છે ગમે એમ કરીને બૉલ મેસી સુધી પહોંચાડો; જ્યારે બેલ્જિયમના ડિફેન્સનું આજે એક જ કામ રહેશે, બૉલને મેસી સુધી પહોંચતો રોકો. તેઓ મેસીને ઘેરવામાં જેટલા સફળ થશે એટલી જ તેમની જીતની શક્યતા વધી જશે. જોકે બેલ્જિયમના કોચે વધુમાં વિfવાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની ટીમ કોઈ એક ખેલાડી પર ડિપેન્ડ નથી અને એકથી એક ચડિયાતા ખેલાડીઓનું એક યુનિટ છે.

મૅસીનો મૅન ઑફ ધ મૅચનો પંચ?

ચારેય મૅચમાં મૅન ઑફ ધ મૅચ બનીને મેસીએ સપાટો બોલાવી દીધો છે અને આજે પાંચમી મૅચમાં વધુ એક વાર મૅચ-વિનિંગ પફોર્ર્મન્સ કરીને એ ટીમને સેમી ફાઇનલમાં લઈ જાય છે કે નહીં એના પર ચાહકોની નજર રહેશે.

આર્જેન્ટિના માટે ક્વૉર્ટરનું કલંક

આર્જેન્ટિના એની છેલ્લી દરેક ક્વૉર્ટર ૧૯૯૮, ૨૦૦૬ અને ૨૦૧૦માં હારી ગયું છે. આથી મેસી ઍન્ડ કંપનીને આજે ચોથી અને સતત ત્રીજા વર્લ્ડ કપમાં ક્વૉર્ટરમાં હારવાના કલંકને મિટાવવાની મોટી જવાબદારી છે. ક્વૉર્ટરમાં તેઓ ૧૯૯૦માં યુગોસ્વાવિયા સામે જીત્યા હતા, એ પણ પેનલ્ટી શૂટઆઉટમાં. આમ તેઓ છેલ્લી ચારેય ક્વૉર્ટરમાં આઉટરાઇટ જીત નથી મેળવી શક્યા.