ટ્રેડિશનલ ઘરચોળા ને પાનેતરમાં શું છે લેટેસ્ટ?

15 February, 2020 01:25 PM IST  |  Mumbai | Arpana Shirish

ટ્રેડિશનલ ઘરચોળા ને પાનેતરમાં શું છે લેટેસ્ટ?

પાનેતર

ઘરચોળું અને પાનેતર ફક્ત એક સાડી નહીં પણ ફીલિંગ્સ છે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય. મામાના ઘરનું પાનેતર પહેરી દીકરી ફેરા ફરે અને પછી સાસરેથી આવેલું ઘરચોળું પહેરી પોતાના નવા સંસારમાં પગલાં પાડે. હેવી સફેદ-લાલ-લીલાના કૉમ્બિનેશનવાળા પાનેતરમાં દુલ્હનના ચહેરાનો નિખાર કંઈક જુદો જ હોય છે. સમયની સાથે પાનેતર અને ઘરચોળું આ બન્ને વસ્ત્રોમાં ખૂબ બદલાવ આવ્યા છે. ડિઝાઇનથી લઈને ફૅબ્રિક અને પહેરવાની ઢબ સુધી બધું જ ચેન્જ થયું છે ત્યારે જોઈએ આ સીઝનમાં શું છે હૉટ.

પાનેતર લેહંગા

થોડાં વર્ષો પહેલાં ચણિયા-ચોળી પહેરવાની દુલ્હનોની ઇચ્છાએ પાનેતરનું રૂપ બદલ્યું. પાંચ મીટરની સાડી બદલાઈ ગઈ ઈઝી ટુ વેઅર થ્રી-પીસ ચણિયા-ચોળીમાં. આ વિશે વાત કરતાં ઘાટકોપર (ઈસ્ટ)ની સરગમ પાનેતરના રાહુલ ગાંધી કહે છે, ‘સાડી કરતાં આજની યુવતીઓ ચણિયા-ચોળી વધુ પ્રિફર કરે છે. પણ એનો અર્થ એ નથી કે હવે પાનેતર તરીકે કોઈ સાડી નથી પહેરતું. ટ્રેડિશનલ વે જવા માગતી યુવતીઓ આજેય સાડી જ પ્રિફર કરે છે, પણ દુલ્હનના ઓવરઑલ લુકની વાત કરવામાં આવે તો સાડી કરતાં પાનેતર ચણિયા-ચોળી વધુ હેવી અને રિચ લુક આપે છે. કહી શકાય કે ૪૦,૦૦૦ની સાડી પહેર્યા બાદ એટલી રિચ નહીં લાગે પણ ચણિયા-ચોળી ૧૦,૦૦૦નાં હશે તોય ૪૦,૦૦૦ જેવો લુક આપશે.’

પાનેતરમાં ચણિયા-ચોળીની ડિમાન્ડ વિશે જણાવતાં ભોઈવાડાની ફેમસ ખત્રી જમનાદાસ બેચરદાસના નિખિલ ખત્રી કહે છે, ‘લેહંગાની ડિમાન્ડ આજે એટલી વધુ છે કે પાનેતરના સેક્શનમાં ચણિયા-ચોળીનું એક આખું જુદું કલેક્શન કાઢવું પડે.’

લખનવી અને ઉપ્પાડા

ગયા વર્ષે ઈશા અંબાણીએ લખનવી ચિકનકારીવાળાં ઑફવાઇટ પાનેતર, ચણિયા-ચોળી પહેર્યાં બાદ હવે આ પૅટર્નની ડિમાન્ડ વધી છે. લખનવી ચિકનકારી ઘાઘરા સાથે રેડ બૉર્ડર ખૂબ સુંદર અને ડેલિકેટ લાગે છે એવું જણાવતાં રાહુલ ગાંધી કહે છે, ‘લખનવી અને બનારસીનું કૉમ્બિનેશન ખૂબ ચાલી રહ્યું છે. ઑફવાઇટ કે બેજ ઘરારામાં લખનવી વર્ક હોય તો એની સાથે હેવી બનારસીની લાલ ઓઢણી આપવામાં આવે છે. એ સિવાય ગોલ્ડન બૉર્ડરવાળી ઉપ્પાડા સિલ્કની ઓઢણી પણ સારી લાગે છે.’

ઘરારા પર ફિગર્સ અને હેવી વર્ક

પાનેતરના ઘરારા પર ફૂલ-પત્તીની કે સિમ્પલ ગોટાની ડિઝાઇનોને બદલે હવે ફિગર વર્ક વધુ ડિમાન્ડમાં છે. બારાત, મુગલ રાજા-રાણી, કળશ, ડોલી જેવાં ફિગર્સ ઝરદોશી, હેવી જરી એમ્બ્રૉઇડરી તેમ જ ટીકી અને ડાયમન્ડ વર્કથી બનાવવામાં આવે છે. આવું નકશીકામ કર્યું હોય એવી ડિઝાઇન પાનેતર તેમ જ ઘરચોળા બન્નેમાં ઇન છે. એ સિવાય ઝુમ્મરની ડિઝાઇન પણ ખૂબ ચાલી રહી છે. કેટલીક બ્રાઇડ્સ ઘાઘરા પર હાથી, સસલા, સિંહ જેવી વાઇલ્ડ લાઇફથી પ્રેરિત ડિઝાઇનો પણ બનાવડાવે છે.

રેડ અને ગ્રીનનો ટચ

પરંપરાગત પાનેતર સફેદ અને લાલના કૉમ્બિનેશનવાળું હોય છે. વધુમાં પાનેતર સફેદ હોય એટલે રેડ-ગોલ્ડના કૉમ્બિનેશનવાળું મૅચિંગ બ્લાઉઝ પહેરાતું. જોકે ચણિયા-ચોળીમાં એવું નથી. ઘાઘરો ભલે ઑફવાઇટ અને ગોલ્ડના કૉમ્બિનેશનમાં હોય તોય બ્લાઉઝ અને દુપટ્ટામાં વેરિએશન અપનાવવામાં આવી રહ્યાં છે. અમુક ડિઝાઇનરો એક ઘાઘરા સાથે રેડ અને વાઇટ એમ બે દુપટ્ટા ડિઝાઇન કરે છે જેથી જુદી ઢબે એક ખભા પર અને બીજો માથા પર ડ્રેપ કરી શકાય. પાનેતર સાથે હવે મૉડર્ન ટચવાળાં રંગબેરંગી ડિઝાઇનર બ્લાઉઝ યુવતીઓ પસંદ કરે છે જેમાં કૉન્ટ્રાસ્ટ તૈયાર કરવા માટે ગ્રીન બ્લાઉઝ ખૂબ ફેવરિટ બન્યું છે.

પટોળાં

પાનેતરમાં હજીય સાડી જ પ્રિફર કરતી બ્રાઇડ્સને પટોળાનાં પાનેતર ખૂબ પસંદ આવી રહ્યાં છે. લાલ બૉર્ડર અને પાલવ તેમ જ સફેદ બૅકગ્રાઉન્ડમાં જરીના ચેક્સ વચ્ચે આપવામાં આવેલી પટોળાની ચકલી-પોપટવાળી પૅટર્ન ટ્રેડિશનલ તો લાગે છે સાથે રૉયલ લુક આપે છે. પાનેતર પ્રમાણે જ ઘરચોળામાં પણ પટોળાં ખાસ્સાં લોકપ્રિય બની રહ્યાં છે. આ ટ્રેન્ડ વિષે જણાવતાં નિખિલ ખત્રી કહે છે, ‘અંબાણી પરિવારના વેડિંગ બાદ પટોળાં ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે અને લગ્નપ્રસંગે ખાસ ડિમાન્ડમાં છે. સાચી જરીવાળું પટોળાનું પાનેતર દેખાવમાં ખૂબ સુંદર લાગે છે. એ સિવાય ચણિયા-ચોળી સાથે દુપટ્ટામાં પણ પટોળાંની પસંદગી મોખરે છે.’

ઘરચોળાં

ઘરચોળાંનો અર્થ થાય છે ઘર એટલે કે દુલ્હનનું નવું ઘર અને ચોળા એટલે વસ્ત્ર. ઘરનું વસ્ત્ર એટલે ઘરચોળું કે જે પહેરીને કન્યા સાસરે જાય. ઘરચોળામાં મરૂન રંગ સૌથી ફેવરિટ છે. કૉટન સિલ્ક, ગજી સિલ્ક, બનારસી અને જ્યૉર્જેટ આ ચાર ફૅબ્રિકમાંથી બનતાં ઘરચોળાં વધુ ચાલે છે. ઘરચોળાનું વણાટકામ કરતા સમયે જ એમાં જરીના તાર વાપરી ચોકઠાં બનાવવામાં આવે છે અને આ દરેક ચોકઠામાં એ રીતે બાંધણી કરવામાં આવે છે કે દરેક ચોકઠાની ડિઝાઇન જુદી તરી આવે. બનાવટમાં જ આટલી મહેનત માગી લેતાં ઘરચોળાંની કિંમત પણ આ જ કારણે ઊંચી હોય છે. ઘરચોળામાં મરૂન સિવાય લાલ, લીલો અથવા લાલ અને લીલાનું કૉમ્બિનેશન પણ ખૂબ સુંદર લાગશે. ટ્રેડિશનલ મરૂન ઘરચોળામાં પાલવમાં કૉન્ટ્રાસ્ટ ગ્રીન કલર આપી એના પર હેવી વર્ક પણ ઘરચોળાની શાન વધારશે.

ઘરચોળાની બૉર્ડર

ઘરચોળાનો બેઝ એ જ ટ્રેડિશનલ અને સરખો રહેવાનો. અહીં જો વેરિએશન કરવાનો સ્કોપ હોય તો એ બૉર્ડરમાં છે. આ વિષે જણાવતાં અંબાણી વેડિંગમાં શ્લોકા અંબાણી માટે પણ ઘરચોળું ડિઝાઇન કરી ચૂકેલા ખત્રી જમનાદાસ બેચરદાસના નિખિલ ખત્રી કહે છે, ‘ઘરચોળાની જરી સારી હોય એ જરૂરી છે. એ સિવાય એની બૉર્ડર ખૂબ ખાસ છે. આજકાલ બૉર્ડરમાં ઝરદોશીમાંથી બનાવવામાં આવેલાં કેરી, મોર, હાથી, બારાત, ડોલી જેવાં ફિગર્સ ખૂબ ડિમાન્ડમાં છે. ઘરચોળામાં ઑલઓવર ફક્ત ચેક્સ જ હોય એટલે એને જુદું બનાવવા માટે એના પર બૉર્ડર મુકાવી શકાય.’

ડબલ દુપટ્ટા

પાનેતર ચણિયા-ચોળીમાં આજકાલ બે દુપટ્ટા એકસાથે પહેરવાનો ટ્રેન્ડ છે. એક દુપટ્ટો માથા પર, જ્યારે બીજો ખભા પરથી સાડીની જેમ પહેરવામાં આવે છે. અહીં માથા પરનો દુપટ્ટો નેટનો અને ખભા પર હેવી વર્કવાળો ગજી સિલ્ક બાંધણી, પટોળા અથવા બનારસી પ્રિફર કરી શકાય.

પ્રાઇસ રેન્જ

ફૅન્સી પાનેતર અને ઘરચોળાંની રેન્જ સામાન્ય રીતે સાતેક હજારથી શરૂ થાય છે જે વાપરેલા ફૅબ્રિક અને કરેલા કામને અનુરૂપ લાખો રૂપિયા સુધી પહોંચે છે. તેમ જ ઘરચોળાંની લેસની કિંમતો પણ પાંચેક હજારથી લઈને ૩૦થી ૪૦ હજાર સુધીની હોય છે.

સાસુ તરફથી વહુને સ્નેહની ભેટ

પરંપરાગત અને સાંસ્કૃતિક એવું સુંદર ઘરચોળું નવવધૂનું તેના નવા ઘરમાં પ્રેમથી સ્વાગત કરવા માટે હોય છે. વરરાજાની માતા પોતાની પુત્રવધૂને લગ્નની વિધિઓ દરમિયાન જ લાલ-લીલું ઘરચોળું ભેટ આપે છે અને આશીર્વાદ તરીકે તેના માથે એ ઓઢાડે છે. આ રીતે ઘરચોળાને માથે કે ખભે ઓઢાડવું એ પણ નવવધૂને અપાતા અને તેની પાસે લેવાતા વચનનું પ્રતીક છે કે વધૂ હવે તેના નવા પરિવારની સંભાળ લેશે અને સાસુ તેને પોતાની છત્રછાયામાં સમાવી લેશે.

fashion fashion news weekend guide arpana shirish