બ્લૅક ભી હૈ બડે કામ કી ચીઝ

26 October, 2019 04:23 PM IST  |  મુંબઈ | વર્ષા ચિતલિયા

બ્લૅક ભી હૈ બડે કામ કી ચીઝ

બ્લૅક પીત્ઝા

કાળી ચૌદ‌શની વાત આવે એટલે ચાર રસ્તે મૂકેલાં વડાંની સાથે અશુભ ગણાતો કાળો રંગ નજર સામેઊભરી આવે. જોકે કાળા રંગની ઉજળી બાજુઓ ઘણી છે. ખાણી-પીણી જ લઈ લો. એવી અઢળક વસ્તુઓ છે જે દેખાવમાં કાળી છે પણ શરીરને નીરોગી રાખવાના ગુણો ધરાવે છે. આજે કાળી ચૌદસના દિવસે ખાવાપીવાની દુનિયામાં વ્યાપેલી કાળી બનાવટોની લિજ્જત માણીએ.

સાફસફાઈ, શૉપિંગ, શૃંગાર, સજાવટ, ફટાકડા, રંગોળી, દીવા, મીઠાઈ, મઠિયા-ચોળાફળી, લાઇટિંગ, ગિફ્ટ અને મહેમાનોનો સરવાળો એટલે દિવાળીનો તહેવાર. એમાંય પાછાં રીતિ-રિવાજો અને વિધાનોનો ઉમેરો તો કરવાનો જ. ધનતેરસના લક્ષ્મીપૂજન થવું જોઈએ તો દિવાળીના દિવસે ચોપડાપૂજન ને મીઠાઈની આપ-લે કરવાની. વચ્ચે કાળી ચૌદશનો કકળાટ પણ નીકળવો જોઈએ.

કાળી ચૌદ‌શની વાત આવે એટલે ચાર રસ્તે મૂકેલાં વડાંની સાથે અશુભ ગણાતો કાળો રંગ નજર સામે ઊભરી આવે. જોકે લેટેસ્ટમાં બ્લૅક કલર ફુલ ટ્રેન્ડમાં છે. ક્લોધિંગમાં બ્લૅક કલર તમારી પર્સનાલિટીને ચાર ચાંદ લગાવી દે છે એ જ રીતે ખાસ પ્રકારના કાળા ખાદ્ય પદાર્થ તમને આખું વર્ષ નીરોગી રાખવાનો ગુણ ધરાવે છે. ચાલો જાણીએ કેટલાંક બ્લૅક ફૂડના હેલ્થ બેનિફિટ વિશે.

કાળા તલ

ત્રણ પ્રકારના તલ મળે છે લાલ, સફેદ અને કાળા. એમાંથી કાળા તલ સર્વશ્રેષ્ઠ છે. આપણે ત્યાં કાળા તલને વાટી એમાં ઘી-ગોળ ભેળવી કચરિયું બનાવી ખવાય છે. ફાઇબર, ફૅટી ઍસિડ, આયર્ન, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને અન્ય પૌષક તત્ત્વોથી ભરપૂર કાળા તલનું સેવન કરવાથી હાડકાં મજૂબત થાય છે અને શરીરને બળ મળે છે. વાળ ખરવા, અકાળે સફેદ થઈ જવા, રુક્ષ થઈ જવા જેવી સમસ્યામાં કાળા તલના પ્રયોગથી લાભ થાય છે. કેટલીયે દવાઓમાં કાળા તલના તેલનો ઉપયોગ થાય છે. ઘૂંટણના દુખાવામાં તલના તેલથી માલિશ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સંદર્ભે વધુ માહિતી આપતાં વૉકહાર્ટ હૉસ્પિટલના ન્યુટ્રિશનિસ્ટ અમરીન શેખ કહે છે, ‘કાળા તલમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘણું ઊંચું હોય છે તેથી નાના-મોટા સૌએ ખાવા જોઈએ. મહિલાઓમાં મેનોપૉઝ દરમ્યાન કૅલ્શિયમ ડેફિશ્યન્સી કૉમન પ્રૉબ્લેમ છે. કાળા તલના સેવનથી આ ઊણપ દૂર થાય છે. શાકાહારી તેમ જ દૂધ ન પીતા હોય એવા લોકોએ કાળા તલનું સેવન ખાસ કરવું જોઈએ. કૅલ્શિયમ અને પ્રોટીન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. કાળ તલનું કચરિયું ખૂબ જ ગુણકારી છે, પરંતુ અતિરેક ટાળવો જોઈએ. કચરિયામાં ઉમેરવામાં આવેલાં ઘી અને ગોળના કારણે વજન વધી જવાની શક્યતા રહેલી છે. તલમાં પહેલેથી જ ઑઇલ હોય છે તેથી વધારાનું ઑઇલ ઉમેરવાની જરૂર નથી. ડાયાબિટીઝના દરદી અને ઓબીસ વ્યક્તિએ તલને શેકીને મુખવાસની જેમ ચાવીને ખાવા જોઈએ. તલને ચાવીને ખાવાથી દાંત પણ મજબૂત બને છે. કિડની સ્ટોનની હિસ્ટરી ધરાવતા પેશન્ટે કાળા તલ ખાવાનું ટાળવું જોઈએ.’

કાળાં મરી

કાળાં મરીમાં અનેક ઔષધીય ગુણો

ઠાંસી-ઠાંસીને ભર્યા છે. સ્વાદમાં સહેજ તીખાં કાળાં મરીમાં બધા પ્રકારના બૅક્ટેરિયાનો નાશ કરવાની ક્ષમતા છે. સ્વાદ અને સુગંધના કારણે ડે ટુ ડે લાઇફમાં આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. કાળાં મરી આપણને અનેક રોગથી બચાવે છે એમ જણાવતાં અમરીન કહે છે, ‘શરદી-ખાંસી, માથાનો દુખાવો, ઊલટી જેવી સામાન્ય બીમારીમાં કાળાં મરીના સેવનથી લાભ થાય છે. સવારે ગરમ પાણીમાં મરીની સાથે એલચી અને આદું નાખી પીવાથી શરીર પરથી ચરબીના થર ઓછા થાય છે. કાળાં મરીમાં વજનને નિયંત્રણમાં રાખવાની અદ્ભુત શક્તિ છે. ડાયટ ફૉલો કરતી હોય એવી વ્યક્તિએ નિયમિતપણે જુદા-જુદા આહારમાં કાળાં મરીનો ઉપયોગ કરવો જોઈએ. ગૃહિણીએ મરીનો પાઉડર કરી બરણીમાં ભરી રાખવો જોઈએ. રોટલીનો લોટ બાંધતી વખતે ચપટી મરી પાવડર ઉમેરવાની ટેવ પાડશો તો ઘરની દરેક વ્યક્તિના પેટમાં જશે. એનાથી પાચનશક્તિ પણ વધે છે. જોકે હાઇપરઍસિડિટીના દરદીએ થોડી કાળજી લેવી જોઈએ. તીખાશના કારણે પેટમાં બળતરા થવાની સંભાવના છે.’

કાળી જીરી

કાળી જીરીની પ્રકૃતિ ગરમ હોવાથી શિયાળામાં વધુ ઉપયોગ થાય છે. અનેક પ્રકારની હર્બલ મેડિસિનમાં કાળી જીરી વપરાય છે. એનું ચૂર્ણ બનાવી ફાકવાથી શરીરમાં રક્તનો સંચાર થાય છે. ડાયાબિટીઝ અને કૉલેસ્ટરોલની સમસ્યામાં કાળી જીરીનો પ્રયોગ ગુણકારી છે. જોકે સ્વાદમાં કડવી હોવાથી લોકો પસંદ કરતા નથી. પેટમાં કડવાશ જવી જોઈએ એમ જણાવતાં અમરીન કહે છે, ‘મરીની જેમ કાળી જીરી પણ વેઇટલૉસમાં ગજબનું પરિણામ આપે છે. સ્ટ્રેસ અને આંખની નીચેની પફીનેસને ઓછી કરવામાં કાળી જીરી સહાય કરે છે. બ્લોટિંગ અને વૉટર રિન્ટેશનમાં પણ કાળી જીરીનું સેવન ફાયદેમંદ સાબિત થાય છે. એને મરી સાથે મૅચ કરી સેવન કરવાથી કડવાશ ઓછી થઈ જશે. મરી અને કાળી જીરીને સાથે વાટી લો. મરીનું પ્રમાણ વધુ રાખો. આગળ જણાવ્યું એમ લોટ બાંધતી વખતે મરી પાઉડરની સાથે સહેજ કાળી જીરીનો પાઉડર ભેળવી શકાય. આટલી કડવાશમાં બહુ વાંધો આવતો નથી. કાળી જીરીને રાતે પાણીમાં પલાળી સવારે પીવાથી ડાઇજેસ્ટિવ સિસ્ટમ ઇમ્પ્રૂવ થાય છે. પેટને લગતી અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે તો કૅન્સર જેવા જીવલેણ રોગોમાં પણ કાળી જીરીનું સેવન રાહત આપે છે.’

કાળી દ્રાક્ષ

કાળી દ્રાક્ષ સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે. મીઠાઈથી લઈ અનેક વાનગીઓમાં એનો ભરપૂર ઉપયોગ થાય છે. સ્વાદમાં મીઠી હોવાથી બધાને ભાવે છે. કાળી દ્રાક્ષમાં પૉલિફિનૉલ્સ, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્થોસ્યાનિન જેવાં પોષક તત્ત્વો હોય છે જે હૃદય, યુરિન, કિડની અને મોશનને લગતી અનેક તકલીફોમાં રાહત આપે છે. નિયમિતપણે સેવન કરવાથી શરીર અંદરથી નીરોગી રહે છે. કાળી દ્રાક્ષને રાતે પાણીમાં પલાળી સવારે ચોળી પાણી સહિત ખાઈ જવી. એનાથી પેટની બળતરા ઓછી થાય છે તેમ જ કબજિયાતના દરદીને પેટ સાફ આવવામાં સહાય કરે છે. શુગર અને જૂસી ફ્લેવરના કારણે કાળી દ્રાક્ષ પૉપ્યુલર ડ્રાયફ્રૂટ છે અને એનાથી ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે એમ જણાવતાં અમરીન કહે છે, ‘ફ્રૂટ્સ અને વેજિટેબલ્સમાં હાઈ પિગમેન્ટ્સના કારણે એનો કલર ડાર્ક હોય છે જે તમારી ઓવરઑલ હેલ્થ માટે અનિવાર્ય છે. માત્ર હેલ્થ માટે જ નહીં, સૌંદર્ય માટે પણ કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. કાળી દ્રાક્ષમાં વિટામિન સીની માત્રા ઘણી વધુ હોય છે જે તમારી ત્વચાને ટાઇટ રાખવામાં હેલ્પ કરે છે. એમાં પ્રી-મૅચ્યોર એજિંગને કન્ટ્રોલ કરવાની ક્ષમતા છે. ડાયટમાં કાળી દ્રાક્ષનો સમાવેશ કરવાથી સ્કિનની ડ્રાયનેસ દૂર થાય છે. સૌંદર્ય માટે સૂકી અને લીલી બન્ને પ્રકારની કાળી દ્રાક્ષને ભરપેટ ખાવી જોઈએ. એની કોઈ આડઅસર થતી નથી એ સૌથી મોટો ફાયદો છે. ઉપરોક્ત ચાર મુખ્ય સામગ્રી ઉપરાંત કાળાં મશરૂમ, કાળાં અંજીર, બ્લૅકબેરી, બ્લૅક બીન્સનો પણ રોજિંદા આહારમાં સમાવેશ કરવાની સલાહ છે.’

ક્યારેય ઇમૅજિન કર્યું છે કે આ ફૂડ પણ બ્લૅક હોઈ શકે?

આજે તમને કાળા રંગનાં ટમેટાં અને ગાજરનું સૅલડ, કાળા કૅપ્સિકમનું અથાણું, કાળી ફણસીનું શાક, બાફેલી કાળી મગફળી, કાળી મકાઈનું સૂપ તેમ જ કાળા ભાત ખાવાનું ફરમાન કરવામાં આવે તો? ઘરમાં સાચેસાચો કકળાટ થઈ જાય. રોજબરોજ થાળીમાં પીરસાતી આ વાનગીઓનો રંગ કાળો હોઈ શકે એવી કલ્પના પણ આપણે કરી નહીં હોય. જોકે જસલોક હૉસ્પિટલનાં ન્યુટ્રિશનિસ્ટ ડેલનાઝ ચંદુનાડિયા ભાર દઈને કહે છે કે આ વાનગીઓને ડાયટ ચાર્ટમાં સમાવવી જ જોઈએ. ચાલો તેમની પાસેથી જાણીએ એવું તે શું છે આ બ્લૅક ફૂડમાં.

બ્લૅક રાઇસ

ફૉર્બિડન રાઇસ તરીકે પૉપ્યુલર કાળા ચોખાની ખેતી મુખ્યત્વે ચીનમાં થાય છે. ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ મળે છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ, એન્થોસાયનિન અને વિટામિન ઈની માત્રા વધુ હોવાથી એની સૅટિસ્ફૅક્શન વૅલ્યુ વધી જાય છે. કાળા ચોખામાં મોટા પ્રમાણમાં ફાઇબર હોય છે જે તમારી ઓવરઈટિંગની હૅબિટ અને ઓબેસિટીને કન્ટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે. હાઈ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનો ગુણ ધરાવતા કાળા ચોખા ડાયાબિટીઝના દરદી માટે બેસ્ટ આહાર છે.

બ્લૅક ટમૅટો

અંગ્રેજીમાં ઇન્ડિગો રોઝ નામથી ઓળખાતા આ ટમેટાં મૂળ અમેરિકાની પેદાશ છે. લાલ અને રીંગણ રંગનાં ટમેટાંનાં બીજને મિક્સ કરી તૈયાર કરવામાં આવેલાં નવાં બીજના પ્રયોગથી ઉગાડવામાં આવેલાં હાઇબ્રીડ ટમેટાં ખાવાથી ઓબેસિટી અને ડાયાબિટીઝ સામે લડવાની ક્ષમતા વધે છે. કૅન્સર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ જેવા અનેક રોગોમાં કાળાં ટમેટાં રામબાણ ઇલાજ છે એવું શોધી કાઢવામાં આવ્યું છે, પરંતુ આ બાબત હજી સ્પષ્ટ રીતે કહી શકાય નહીં. ભારતમાં હિમાચલ પ્રદેશમાં એની ખેતી થાય છે.

બ્લૅક કૅરેટ

આપણે લાલ ગાજર ખાવા ટેવાયેલા છીએ જ્યારે એનો રંગ લાલ, પીળો, સફેદ, જાંબલી અને કાળો પણ હોય છે. કાળા રંગનાં ગાજર ભારત અને ચીનમાં સહેલાઈથી મળે છે. ઑલ્ઝાઇમર્સ અને આર્થ્રાઇટિસના દરદી માટે કાળાં ગાજર શ્રેષ્ઠ આહારની ગરજ સારે છે. હાઈ ફાઇબર કૉલેસ્ટરોલ અને ગ્લાઇસેમિક ઇન્ડેક્સને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. કાળાં ગાજરનો ઉપયોગ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ થાય છે. એના અર્કમાંથી બ્લૅક ફૂડ કલર તૈયાર થાય છે.

બ્લૅક બીન્સ

લેગ્યુમ ફૅમિલીનું આ શાક હાઈ ફાઇબર કન્ટેન્ટ ધરાવે છે જે શરીરમાં શર્કરાનો સ્તર વધવા નથી દેતું. એનાથી કૉલેસ્ટરોલ લેવલ પણ કન્ટ્રોલમાં રહે છે. બ્લૅક બીન્સમાં મોટા પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ઍન્ટિ-ઑક્સિડન્ટ અને આયર્ન હોય છે તેથી રોજ ખાવા જોઈએ. બ્લૅક બીન્સ ખરીદતી વખતે એનો કલર એકદમ ડાર્ક હોય એ જરૂરી છે. રંગ જેટલો ઘેરો એટલા વધુ ગુણ.

બ્લૅક કૅપ્સિકમ

બ્લૅક કૅપ્સિકમ મૂળ અમેરિકાથી આયાત થાય છે. ભારતમાં પણ બ્લૅક સહિત જુદા-જુદા રંગના કૅપ્સિકમનો પ્રયોગ સફળ રહ્યો છે. એમાં પિપેરીન નામનું ઍક્ટિવ ઍન્ટિ-ઑક્સિડન્ટ હોય છે જે કૅન્સર જેવી જીવલેણ બીમારી સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે. ઑલ્ઝાઇમર્સ અને અસ્થમા જેવા રોગ સામે લડવામાં સહાયકનું કામ કરે છે. ગ્રીન કૅપ્સિકમ કરતાં બ્લૅક કૅપ્સિકમમાં વિટામિન એ, સી અને ઈની માત્રા વધુ હોય છે.

બ્લૅક પીનટ

કાળી મગફળીનું વાવેતર દક્ષિણ અમેરિકામાં થાય છે. એની ન્યુટ્રિશનલ વૅલ્યુ ઘણી હાઈ છે. એમાં હાઈ પ્રોટીન અને અનસૅચુરેટેડ ફૅટી ઍસિડ હોય છે. બ્લૅક પીનટ ઍન્ટિ-રેડિકલ, ઍન્ટિટ્યુમર અને ઍન્ટિ-એજિંગ છે. ડૅમેજ મસલ્સને રિપેર કરવામાં હેલ્પ કરે છે. બ્લૅક પીનટના સેવનથી શારીરિક ક્ષમતા તેમ જ યાદશક્તિમાં વધારો થાય છે 

બ્લૅક કૉર્ન

કાળા રંગના મકાઈના દાણામાં ફાઇબર, વિટામિન એ, આયર્ન, ફોલેટ, ફૉસ્ફરસ અને મિનરલનું પ્રમાણ વધુ હોય છે. પ્રોટીનની માત્રા ઓછી હોય છે તેમ જ બજારમાં મળતી પીળી મકાઈ જેવી મીઠાશ નથી હોતી. ફૅટ્સ બર્નિંગનો ગુણ ધરાવતી કાળી મકાઈ વજનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. લો બ્લડ-પ્રેશર અને કિડનીના દરદીએ ખાસ ખાવી જોઈએ. જોકે સ્ટાર્ચનું પ્રમાણ ઊંચુ હોવાથી બધા ચાવી શકતા નથી. ઘણા લોકો બ્લૅક કૉર્નફ્લોરને રોટલીના લોટમાં મિક્સ કરે છે. ભારતમાં કર્ણાટક, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરે જગ્યાએ એની ખેતી થાય છે.

બ્લૅક ગાર્લિક

લસણનો ઉપયોગ આપણે અનેક વાનગીઓમાં કરીએ છીએ અને એના હેલ્થ બેનિફિટ પણ જાણીએ જ છીએ. બ્લૅક ગાર્લિકમાં ચમત્કારિક ગુણો છે. વાઇટ ગાર્લિકને ફર્મેન્ટ કરીને એને તૈયાર કરવામાં આવે છે. બ્લૅક ગાર્લિકમાં રહેલું એલિસિન નામનું પોષક તત્વ બ્લડ-પ્રેશર, બ્લડ-સર્ક્યુલેશન, કૉલેસ્ટરોલ, હૃદય સંબંધિત અનેક રોગો અને કિડની તેમ જ લિવરના રોગોને કન્ટ્રોલમાં રાખવામાં હેલ્પ કરે છે. ફૉર્મેશનની પ્રક્રિયામાંથી પસાર થવાના કારણે બ્લ‍ૅક ગાર્લિકમાં ઍન્ટિ-ઑક્સિડન્ટનો ગુણ પણ જોવા મળે છે.

જંકફૂડના શોખીનો માટે આ ઑપ્શન

બ્લૅક પાંઉભાજી : મુંબઈગરાઓની ફેવરિટ પાંઉભાજી હવે બ્લૅક કલરમાં ઈઝીલી અવેલેબલ છે અને લોકોનો સારો રિસ્પૉન્સ પણ મળી રહ્યો છે. ભાજીનો રંગ કાળો આવે અને તીખાશ પણ જળવાઈ રહે એ માટે એમાં લાલ મરચાંની જગ્યાએ વરિયાળી, લવિંગ, તજ, જીરું, ધાણાજીરું, મરી અને શેકેલા નાળિયેરને મિક્સ કરી તૈયાર કરવામાં આવેલો પાંઉભાજીનો મસાલો નાખવામાં આવે છે. બાકી બધી સામગ્રી અને બનાવવાની રીત સરખી જ હોય છે.

બ્લૅક પીત્ઝા : છેલ્લા થોડા સમયથી મુંબઈની અનેક બેકરીઓમાં પીત્ઝા માટેના બ્લૅક રોટલા ચપોચપ વેચાવા લાગ્યા છે. બ્લૅક ટેક્સ્ચર માટે રોટલાનો લોટ બાંધતી વખતે એમાં ફૂડ કલર અથવા કાર્બન (ચારકોલનો ઇટાલિયન વર્ડ) ઉમેરવામાં આવે છે. જોકે એમાં માત્ર બેઝ જ બ્લૅક હોય છે. તેમ છતાં પીત્ઝાના શોખીનોએ આ નવી વરાઇટી ટેસ્ટ કરવા જેવી છે.

બ્લૅક બર્ગર : બર્ગર માટેના બન પાંઉ બનાવતી વખતે લોટમાં બામ્બુ ચારકોલનો પાઉડર ઉમેરવામાં આવે છે. જોકે બર્ગર બનાવતી વખતે પાથરવામાં આવતા બ્લૅક ચીઝ અને ડાર્ક કેચપ માટે સ્ક્વિડ ઇન્ક (એક પ્રકારનું માંસ) ઉમેરવામાં આવે છે જે બિનશાકાહારી પ્રોડક્ટ છે. વિદેશની બે જાયન્ટ કંપનીની ફ્રૅન્ચાઇઝીમાં એ જ વપરાય છે. જોકે કેટલીક રેસ્ટોરન્ટવાળાનું કહેવું છે કે બ્લૅક કલર માટે તેઓ ફૂડકલર, બીટરૂટ અને રીંગણાંનો ઉપયોગ કરે છે.

બ્લૅક પાસ્તા : માર્કેટમાં પહેલેથી જ વિવિધ રંગના પાસ્તા અવેલેબલ છે એમાં હવે બ્લૅક કલરના પાસ્તાનો ઉમેરો થયો છે. રેડી ડ્રાય પાસ્તામાં ફૂડ કલર, ચારકોલ અથવા સ્ક્વિડ ઇન્ક ઉમેરવામાં આવે છે. તેથી પૅકેટ પર લેબલિંગ વાંચ્યા વગર ન લેવાય. રેસ્ટોરન્ટમાં મળતા ઇટાલિયન બ્લૅક પાસ્તામાં મોટા ભાગે સ્ક્વિડ ઇન્કનો જ ઉપયોગ થાય છે. બહુ ઓછી જગ્યાએ બ્લૅક બીન્સ ઉમેરી પાસ્તા બનાવવામાં આવે છે.

બ્લૅક આઇસક્રીમ : કોકોનટ મિલ્કની અંદર કોકોનટ શેલ્સ, કોકોનટ ફ્લેક્સ અને ઍક્ટિવ ચારકોલને ઉમેરી તૈયાર કરવામાં આવેલા મિશ્રણમાંથી બ્લૅક આઇસક્રીમ બને છે. વેરિએશન અને ફ્લેવર માટે કાળી દ્રાક્ષ, કાળાં જાંબુ પણ ઉમેરવામાં આવે છે. જુદી-જુદી સામગ્રી દ્વારા ડેકોરેટ કરી સર્વ કરવામાં આવતો ચારકોલ આઇસક્રીમ કૉલેજિયનોમાં ડિઝર્ટ તરીકે ઘણી પૉપ્યુલર બન્યો છે.

ધ્યાન રહે : ચારકોલનો ઉપયોગ મેડિસિન અને કૉસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વધુ થાય છે. હમણાં-હમણાંથી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પણ એનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે. ખૂબ જ ઓછી માત્રામાં ઍક્ટિવ ચારકોલ ખાવામાં બહુ વાંધો નથી, પરંતુ આ એક પ્રકારનું ખનીજ (કોલસો)હોવાથી વારંવાર ન ખાવાની સલાહ છે.  

indian food mumbai food Varsha Chitaliya weekend guide