વિશાળ જનસમુદાય માટે રોજગારનો પ્રશ્ન હલ કરવા સરકાર કંઈક કરી શકે

20 January, 2019 10:48 AM IST  |  | મુકેશ દેઢિયા

વિશાળ જનસમુદાય માટે રોજગારનો પ્રશ્ન હલ કરવા સરકાર કંઈક કરી શકે

 મની-પ્લાન્ટ

ભારતની વસ્તી આશરે 130 કરોડની છે. દર વર્ષે આશરે 1.2 કરોડ લોકોને રોજગાર આપવાની જરૂરિયાત ઊભી થાય છે, પરંતુ બધાને મળી શકે એટલા રોજગારનું સર્જન નથી થતું. યુવાનોને તેમના શિક્ષણ/કૌશલ્ય અને અનુભવને અનુરૂપ નોકરીઓ નથી મળતી. બીજો પ્રશ્ન એ છે કે મોટા ભાગના કર્મચારીઓને કૌશલ્ય વધારવા માટેની ઔપચારિક તાલીમ આપવામાં નથી આવતી. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને જણાવ્યા મુજબ ભારતમાં લગભગ 1.85 કરોડ લોકો બેરોજગાર છે.

આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણ આપનારી ઢગલાબંધ સંસ્થાઓ છે, પરંતુ ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપનારી સંસ્થાઓ જૂજ છે. ઉચ્ચ શિક્ષણ પૂરું પાડવા માટે મોટી સંખ્યામાં ખાનગી સંસ્થાઓ ઊભી થઈ છે, પરંતુ એમની પાસે યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી તથા શૈક્ષણિક પાત્રતા અને અન્ય ગુણવત્તા ધરાવતા શિક્ષકો પણ નથી. એને લીધે વિદ્યાર્થીઓની ગુણવત્તા પર વિપરીત અસર થાય છે. તેમની પાસે ડિગ્રીઓ હોય છે, પરંતુ નોકરીદાતાઓને જોઈતું હોય છે એવું કૌશલ્ય અને અભિરુચિ તેમની પાસે નથી હોતાં.

વસ્તીની દૃષ્ટિએ ભારત પાસે જે લાભદાયક સ્થિતિ છે એ જ એને નબળી પાડનારી પુરવાર થાય છે, અર્થાત્ આપણી પાસે કામ કરી શકે એવા યુવાનો મોટા પ્રમાણમાં છે, પરંતુ તેમની પાસે યોગ્ય કામ નથી, કૌશલ્ય નથી. અધૂરામાં પૂરું, ઑટોમેશન આવી રહ્યું છે જે રોજગારસર્જન ઘટાડે છે. હવે કરવું શું?

આના માટે સૌથી પહેલાં તો આપણે વસ્તીનું સ્વરૂપ અને એની સંરચનાનો અભ્યાસ કરવો જોઈએ. આપણું અર્થતંત્ર હજી વિકાસશીલ છે, વિકસિત નથી.આપણે દેશને ઇન્ડિયા અને ભારત એમ બે અલગ-અલગ શ્રેણીમાં રાખી શકીએ છીએ. ઇન્ડિયામાં મોટા ભાગે શહેરી વિસ્તાર આવે, જેમાં સમૃદ્ધ લોકો હોય અને વિશાળ મધ્યમ વર્ગ હોય, જ્યારે ભારતમાં મોટા ભાગે ગ્રામીણ વિસ્તાર આવે, જે શહેરી ભાગ જેવો બનવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. દેશમાં આવકની દૃષ્ટિએ ઘણી અસમાનતા છે. ગ્રામીણ પ્રજા મુખ્યત્વે કૃષિ પર નર્ભિર છે અને દેશની વસ્તીમાં એનો હિસ્સો આશરે 60 ટકા છે. આ ક્ષેત્ર દેશની કુલ રાષ્ટ્રીય પેદાશમાં માત્ર ૧૩ ટકા જેટલું યોગદાન આપે છે. આમ એની માથાદીઠ આવક ઘણી જ ઓછી છે. ત્યાંના લોકો મોટા ભાગે કામદારો, અશિક્ષિતો અને ગરીબીરેખાની નીચે જીવનારા છે. દેશના આ પ્રજાજનો માટે ગંભીરપણે કંઈક કરવાની જરૂર છે. સરકારી સ્રોતો, પછી એ માણસો હોય કે નાણાં હોય, ઓછાં પડે છે. એમાંય ભ્રક્ટાચાર નડે છે, જેને નાથવાનું ઘણું મુશ્કેલ છે. આવા સંજોગોમાં સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યની જરૂર છે. તેઓ ઈચ્છુક નાગરિકો અને કંપનીઓના સ્રોતોની મદદથી લોકોને શિક્ષણ અને કૌશલ્ય પૂરું પાડવાનું મોટું કાર્ય કરી શકે છે.

સ્વૈચ્છિક સંસ્થાઓને મોટી સંખ્યામાં માણસોની જરૂર હોય છે. તેઓ સ્વૈચ્છિક કાર્યો કરવા માટે ઘણા હાથની મદદ લઈ શકે છે. સરકાર પણ આવી સંસ્થાઓ પાસેથી મળેલા પગારને 10 લાખ રૂપિયા સુધી કરમુક્ત રાખી શકે છે.

ઉપરાંત આ સંસ્થાઓમાં આર્થિક પછાતવર્ગો માટે 50 ટકા અનામત પણ રાખી શકે છે. એ લોકોને નોકરીએ રાખવાનો ફાયદો એ થશે કે તેઓ સમસ્યાઓને સંપૂર્ણ રીતે સમજી શકશે અને એના હલને પણ કદાચ સમજી શકશે. તેમને જરૂર છે ફક્ત નાણાકીય મદદની, સરકારી સંપર્કોની અને આગેવાનોની, જેઓ આવા પ્રોજેક્ટ્સનું નેતૃત્વ કરી શકે.

જો કોઈ સ્વૈચ્છિક સંસ્થા બિઝનેસ કરતી હોય તો સરકાર એના પર કરવેરા નાખવાની કોશિશ કરતી હોય છે. મને લાગે છે કે જો સંસ્થાના નફાનો કે વધેલાં નાણાંનો સંસ્થાના ઉદ્દેશોની પૂર્તિ માટે જ ઉપયોગ કરવામાં આવતો હોય તો એને કરવેરો લાગુ કરવો ન જોઈએ.

અહીં નોંધવું રહ્યું કે ઘણી સારી કંપનીઓ અને સામુદાયિક જૂથો પછાતોના-વંચિતોના ઉત્કર્ષ માટે ગંભીરપણે કામ કરી રહ્યાં છે. મને લાગે છે કે ઉપર કહ્યું એ મુજબનાં ઉત્સાહપ્રેરક પગલાં લેવાશે તો એવા બીજા ઘણા લોકો આગળ આવીને માતૃભૂમિ માટે કંઈક કરશે.

આ પણ વાંચોઃબિઝનેસને ઉગારી લેવાનું મહત્વ

હું માનું છું કે દરેકની પાસે અલગ-અલગ આઇડિયા હોય છે. જો સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓને ટેકો આપે તો ગરીબો અને શ્રીમંતો વચ્ચેની અસમાનતાને ચોક્કસપણે દૂર કરી શકાય છે.

(લેખક સીએ, સીએફપી અને એફઆરએમ છે)

mukesh@ghallabhansali.com