હૈયાના એક્સ-રે પાડી શક્યા નથી ને મનનાં બ્યુટી-પાર્લર ખૂલ્યાં નથી

23 January, 2019 04:07 PM IST  |  | સુભાષ ઠાકર

હૈયાના એક્સ-રે પાડી શક્યા નથી ને મનનાં બ્યુટી-પાર્લર ખૂલ્યાં નથી

મનોરંજનથી મનોમંથન

અલ્યા ભાઈ, આપણે પણ ખરા છીએ કેમ? કેમ શું વળી, ધ્યાનથી સાંભળો. આ ઈશ્વર નામનો આર્કિટેક્ટ બિચારો રોજના ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં તોય મારી પૃથ્વીમાં માય એવાં રોજનાં કેટલાંય હાડમાંસનાં પોટલાં ને થોડા કેમિકલથી ભરેલા ફુગ્ગાને માણસ નામે નીચે ઠાલવતો જાય ને જેવા આપણે નીચે ટપક્યા કે આપણું

ફઈબા-ગ્રુપ આપણે ચહેરાથી અને બહારથી ઓળખાઈએ એ માટે નામ પાડવાની ચોપડીઓ ફેંદશે, ચર્ચાઓ કરશે. આ સારું ને પેલું સારું, આ જામશે. અરે, રાશિ ગઈ તેલ પીવા, રામ-રાવણની, કૃષ્ણ ને કંસની, શબરી અને શૂર્પણખાની રાશિ એક જ હતીને? શું દશા થઈ એવું વિચારી તનતોડ મહેનત કરી એક શરીરને નામ આપ્યું સુભાષ. હવે આખી જિંદગીનો હિસાબ આ નામ પર. પણ હવે હે ડોબી ફઈમંડળ, જે નામને મારે આખી જિંદગી છાતીએ વળગાડીને ફરવાનું છે, જે નામથી શરીરને જિવાડવાનું છે, જે નામથી મને માન મળવાનું છે એ નામ જ મારે નહીં પાડવાનું? તમે પાડેલા નામથી જિંદગી કાઢવાની. મને એ ગમ્યું કે નહીં એ પૂછuા વગર મારા જ નામ પર તમારી આટલી દાદાગીરી? બોલો, આપણી ચટી જાય કે નહીં? અરે યાર, બે વર્ષ નામ લેટ પડે તો ક્યાં કરોડોની મિલકત લૂંટાઈ જવાની છે, આપણે ક્યાં હજી ચેક પર સહી કરવાની છે. પણ ચાલો, આનંદ એ વાતનો છે કે ફઈબાઓમાં એટલી તો બુદ્ધિ છે કે જેમ મંદિરમાં ધનુષ પકડ્યું હોય એ રામ, વાંસળી પકડી એ કૃષ્ણ, શંખ દેખાય તો વિષ્ણુ, ગદાવાળા હનુમાન, ત્રિશૂળવાળા શંકર ને હાથીના મુખવાળા ગણપતિ એમ હિન્દુ હોય તો સુભાષ, મુસલમાન હોય તો સુલેમાન, પારસી હોય તો હોમી કાં તો કોઈ પીટર...

હવે મારી ક્યાં ખચકે છે એ કહું? કેટકેટલી અઢળક મહેનત કરી મારું નામ પાડ્યું ને બાપુજીમાં બલરાજ સહાનીનો આત્મા પ્રવેશ્યો ને મને ગોદીમાં લઈ ચાલુ થઈ ગયા, ‘તુઝે સૂરજ કહૂં યા ચંદા, તુઝે દીપ કહૂં યા તારા, મેરા નામ કરેગા રોશન’ ગાવા લાગ્યા. મારી તો બોલતી બંધ હતી, પણ વિચાર તો આવ્યો કે હું તો આકાશનો ગ્રહ કે નક્ષત્ર છું? અરે બાપુજી, તમારે ક્યાં ખગોળશાસ્ત્રી બનવું છે. અરે, ગાવાની ખૂજલી ઊપડે તો તુઝે સુભાષ કહૂં યા સુદામા ગાઓ.

તમારા પાડેલા મારા નામ પર પૂરી શ્રદ્ધા નથી એટલે મંદિર પ્રમાણે મસકા મારશે, હવેલીમાં જઈ શરૂ થઈ જાઓ છો, એવું શ્રી વલ્લભપ્રભુનું નામ અમને પ્રાણપ્યારું છે, પણ મિસ્ટર ડોબાલાલ, ચેક પર સહી કરવા તારે જ જવું પડે ત્યાં પ્રાણપ્યારા વલ્લભપ્રભુ નહીં ચાલે. આ તું રામના મંદિરમાં જઈ ભલે મંડી પડે હે રામ જગમાં સાચું તારું નામ પણ પેનકાર્ડમાં તારું નામ જ ચાલશે ને ભલે તું ગાય મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણાંદમેં, પણ આધાર કાર્ડમાં વલ્લભની નઈ, તારી સહી હોવી જોઈએ. ભલે પેલા ભજનસમþાટની જેમ તું ગાતો હોય ‘જગ મેં સુંદર હૈ દો નામ, ચાહે ક્રિષ્ન કહો યા રામ.’ પહેલાં આમાં તું નક્કી કર કયો સાચો ભગવાન. ત્યારે કોઈ બીજા ભગવાને વિરોધ નોંધાવ્યો? ના. બીજા મંદિરના ભગવાને કીધું કે અમારું નામ કેમ સુંદર નથી? કેમ અમે કંઈ ભગવાન નથી? બોલ્ડ વાત બોલું? મૂળ તો આપણા માટે ત્રણ જ ભગવાન બ્રહ્મા સર્જન કરે, વિષ્ણુ લાલનપાલન કરે ને મહેશ પાછો બોલાવી લે. બરાબર? તો બીજાને ભગવાન કેમ માનવા. ઍન્ડ સૉરી ટુ સે, તમે ભડકવાના પણ આપણા જીવનમાં આ સિવાય બીજા ભગવાનોનું યોગદાન કેટલું?

અને અલગ-અલગ મંદિરમાં જઈ ઈશ્વરને તમે ગમેએટલા મસકા મારશો, પણ ઈશ્વર કીર્તિ કે નામનાનો ભૂખ્યો નથી એટલા માટે તો તેણે આખી સૃષ્ટિ બનાવી, પણ કોઈ નદી, કોઈ પવર્તક, કોઈ વૃક્ષ પર કે આપણા શરીરના કોઈ ભાગ પર સહી નથી કરી ને આપણે સાલું ક્યાંય સહી કર્યા વગર રહી શક્યા નથી (હુ ખોટો હોઉં તો મને રોકવો પ્લીઝ).

હવે ફઈબાથી પણ ઘણી વાર ઉતાવળમાં ને ઘાય-ઘાયમાં એવાં નામ પાડી દેવાય કે આખી જિંદગી લોચમ લોચે લોચાહા. તમને ખોટું લાગે છે. અરે, ઠાકરસાહેબ પાસે પૂરું પ્રૂફ છે. કમ વિથ મી.

મારો મોબાઇલ રણકયો, ‘હેલો, હું આરતી બોલું છું.’

એમ, તો ચાલો હું ઘંટ વગાડું છું. બોલો જય જગદીશ હરે સ્વામી જય... તેણે ફોન કટ કર્યો ને તરત જ બીજી રિન્ગ વાગી, ‘હેલો, હું કવિતા બોલું છું.’

‘કવિતા? કવિતા તો ગાવાની હોય, આખી આવડતી હોય તો જ બોલજે, બાકી...’

‘નૉનસેન્સ’, એટલું બોલી તેણે પણ ફોન કટ કર્યો ને વાઇફે પૂછuું, ‘કોનો ફોન હતો?’

‘હતી કોઈ બાઈ, મને કહે કવિતા બોલું છું. મારે સાંભળવી નહોતી એટલે મેં...’

‘અરે ડોબાલાલ, એ આપણી નવી કામવાળીનું નામ છે. કટ કેમ કર્યો?’ એટલામાં પાછી રિન્ગ.. ‘હેલો, હું હસુ છું.’ (હકીકતમાં હસમુખ)

કમાલ છે, મેં કોઈ જૉક કીધો નથી તોય હસવાનું? ફોન મૂકી દે. વન મોર

હેલો, હું ધીરુ બોલું.

વાંધો નઈ, મને બધું સંભળાય છે. આ જીયોનો ફોન છે

આવા તો આખું ‘મિડ-ડે’ ભરાય એટલા નમૂના છે, પણ સર્વ શ્રેષ્ઠ અવૉર્ડવિજેતા લોચો આ હતો. ચંબુનો ફોન આવ્યો, ‘સીતા કૌન હૈ?’

‘સીતા? હમારે યહા દરજી સીતા હૈ.’

‘અરે ડોબા, દૂસરી કોઈ સીતા.’

‘પ્રભુ રામ કી વાઇફ...’

ડોબા, કોઈ સીતાએ એફબી પર ફ્રેન્ડ-રિક્વેસ્ટ મૂકી છે, તું કન્ફર્મ કર આપણું આખું ગ્રુપ. ને કન્ફર્મનો રાફડો ફાટ્યો

સાગર : હાય સીતા, હાઉ આર યુ?

રાહુલ : હલો સીતા, હેલ્પ જોઈએ તો કેજે વિથ યુ.

ચંપક : ક્યાં રહેવાનું સીતા.

સીતા : પૂના.

સંજય : ગ્રેટ, હું પણ પૂનાનો. મેં ગ્રૅજ્યુએશન ત્યાં જ કર્યું.

વિનોદ : મારા મામાના દીકરા પૂનામાં જ છે. મારી આવનજાવન ચાલુ જ છે, કંઈ કામ હોય તો કેજે.

વિક્રમ : હાય સીતા, હાલમાં કઈ કૉલેજમાં ભણે છે? શું ભણે છે?’

સીતા : ‘એમહીએ કરું છું. સિદ્ધાર્થ કૉલેજમાં.

વિક્રમ : ગુડ, મસ્ત કૉલેજ છે. હું પણ ત્યાં જ ભણ્યો. મારો નાનો ભાઈ પણ.

ચંબુ : હાય સીતા, કેમ છે? તારા બાપુજી શું કરે છે? તારું આખું પૂરું નામ શું?

સીતા : સીતારામ પાંઉભાજી વાલા.

બાપ રે... ગ્રુપમાં પૂરો સન્નાટો છવાઈ ગયો. લગ્નનો પ્રસંગ બેસણામાં પલટાઈ ગયો એવું વાતાવરણ થઈ ગયું અને તરત જ સાગર, રાહુલ, વિનોદ, સંજય, ચંપક, વિક્રમ એક પછી એક લેફ્ટ થઈ ગયા.

જોયું સાહેબ, આટલી જ વાર. જગત આવું જ છે જેવી ખબર પડે કે ઓરિજિનલ કેવા છીએ, કોણ છીએ તો તમને છોડતા વાર નહીં કરે. ચાલો, એના માનમાં એક શાયરી થઈ જાય.

પૂજાના બધા પથ્થર કંઈ ઈશ્વર નથી હોતા.

શૂરા દેખાતા બધા સિકંદર નથી હોતા.

સમય આવે ઇન્સાનની પરખ થાય છે.

(વાહ વાહ તો બોલો) બોલ્યા?

બહાર દેખાય છે એવા અંદર નથી હોતા.

આ પણ વાંચોઃ પાણીને પણ જો તરવું હોય તો બરફ બનવું પડે છે

અને આપણો મોટો લોચો એ છે કે કોના હૈયામાં કોણ બેઠું છે ને મનમાં કોણ આંટા મારે છે એ ક્યાં ખબર પડે છે. હૈયાના એક્સ-રે પાડી શક્યા નથી ને મનનાં બ્યુટી-પાર્લર ખૂલ્યાં નથી. બધા ઇચ્છે કે જીવનમાં મને બધા સારા જ મળે, પણ અંદરખાને એ તો મોહ ખરો જ કે મારા કરતાં સારો ન હોવો જોઈએ ને બધાય ઇચ્છે છે કે બધા મને ઓળખે, પણ ઓળખી ન જાય ને બધા મને જાણે, પણ મને કોઈ જાણી ન લે ને ઓરિજિનલ હું કેવો છું એની સતત કાળજી લીધી, પણ માય ડિયરો અને ડાર્લિંગો, કોઈએ થોપેલા નામની નામના મેળવવા ધમપછાડા કર્યા. આ નામ મારું, આ માન મારું, આ સંબંધો મારા, આ પ્રતિષ્ઠા મારી એવા અહંકારમાં ફસાયા. પણ સાલું, અંત સુધી ખ્યાલ જ ન આવ્યો કે આ બધું લોકોએ આપેલું ઉધારનું છે (હું ખોટો હોઉં તો પ્લીઝ મને રોકવો).

ચાલો, જાગ્યા ત્યારથી સવાર. બીજું શું?

શું કહો છો?