Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાણીને પણ જો તરવું હોય તો બરફ બનવું પડે છે

પાણીને પણ જો તરવું હોય તો બરફ બનવું પડે છે

13 January, 2019 10:35 AM IST |
Subhash Thakar

પાણીને પણ જો તરવું હોય તો બરફ બનવું પડે છે

 પાણીને પણ જો તરવું હોય તો બરફ બનવું પડે છે


મનોરંજનથી મનોમંથન 

તમે જ બોલોને યાર, દૂધની બાટલીથી માંડી ગંગાજળની બાટલી સુધી પહોંચી ગયા, પણ ત્યાં સુધી માત્ર ને માત્ર ખાઈ-પીને મરી જઈએ તો ઉપર બેઠેલા ભગવાન નામે પ્રભુ, ઈશ્વર, અલ્લાહ, મહાવીર, ઈશુ આ બધા ભડકે કે નઈ? જરૂર ભડકે. એ બધા પસ્તાય કે નઈ? જરૂર પસ્તાય. એ લોકોએ આપણું ઘડતર કરી નીચે મોકલી ખોટો માલ બગાડ્યો એનું દુખ થાય કે નઈ? અરે જરૂર થાય. અરે, આખી જિંદગી મરણ ન આવે એની જ સતત કાળજી રાખી અને અંત સુધી જીવન શું કામ જીવવાનું એની ટપ્પી ન પડે તો એ ખિજાય કે નઈ? જરૂર ખિજાય. જો ભાઈ, છતાંય તમને મારા પર વિશ્વાસ ન હોય તો એક વાર મરી એનું દ્વાર ખખડાવી જુઓ... જુઓ, તમારી કેવી ધુલાઈ કરે છે. મેં તને ખાલી ડેલીએ હાથ અડાડવા નીચે નહોતો મોકલ્યો. ખબરદાર, જો બીજી વાર માનવજનમ માગ્યો’તો. કંઈ કામ જ ન કર્યું ને આવી ગયા ધોયેલા મૂળાની જેમ પાછા.



તો હવે તમે મને કહેશો કે શું કરવાનું? તો મારાં વહાલાં વાચક બકાઓ અને બકીઓ, તમને ખોટું લાગશે, પણ એક સત્ય આજે બહાર પાડું છું. મારા અને પૂજ્ય ગાંધીબાપુના જીવનમાં એક કૉમન ઘટના બનતાં-બનતાં રહી ગઈ. બાપુએ વકીલાત કરી પણ ન ચાલી ને સત્યાગ્રહ ચાલ્યો. વિચારો બૉસ કે એક વકીલ સત્યાગ્રહનો આગ્રહી? ભેજામાં બેસતું નથીને? અવિચારનીય, અકલ્પનીય, અસોચનીય ને મારા જીવનમાં પણ હું ગ્ઘ્ંૃ ભણ્યો પણ કોઈ હિસાબમાં ટપી ન પડી એટલે બાપુના સત્યાગ્રહની જેમ કંઈક નવું સાહસ કરવું ને પછી બાપુજી પણ એક વાર બોલેલા, બેટા, કાચનો ટુકડો બનીને રહેશો તો કોઈ ભાભોભાઈએ સામું નહીં જુએ, પણ એક વાર અરીસો બનીશ તો કોઈ જોયા વગર રહેશે પણ નહીં ને મનના મનોમંથનને અંતે બાપુજીના શબ્દોને માન આપી અરીસો બનવા નીકળી પડ્યો ને કલાકાર કે લેખક તરીકે ઝંપલાવ્યું. બસ, અહીંથી જ બાપુનાં અને મારાં નસીબ પલટાયાં. બાપુનું બધું જ સત્ય ને મારું બધું જ અસત્ય. બોલો સત્યનારાયણ દેવ કી જય.


મારી કરીઅરની શરૂઆત સોસાયટીના નાનકડા ફંક્શનથી કરી ને મેં શાયરી લલકારી. મિત્રો મારી છલોછલ કરુણાની મૂર્તિ જેવી કરુણ શાયરીમાં પણ લોકોને ખડખડાટ હસાવ્યા છે ને ઈશ્વરકૃપાથી આ જ રીતે મેં ઘણાને ફસાવ્યા છે. આ શાયરી ‘અશક્તિનું અખબાર’ નામના નવા છાપામાં છપાયા પછી છાપું બંધ થઈ ગયું, ને મને જવાબદાર ઠેરવ્યો. મેં કીધું, સૉરી, આટલી વખત ચલાવી લો, હવે ધ્યાન રાખીશ તો ભડક્યા, અરે! અખબાર જ નહીં ચાલે તો તને ક્યાંથી ચલાવીએ. તેં અખબારની વાટ લગાડી નથી, વાટ સળગાવી છે, પણ યુ નો, દરેક નિષ્ફળતા તો એક સફળતાનું પગથિયું છે એટલે મેં નક્કી કર્યું કે ડગલું ભર્યું કે ન હટવું. પછી કવિ થવાની ખૂજલી ઊપડી ને અમારા બ્રાહ્મણ સોશ્યલ ગ્રુપની પિકનિકમાં પ્રમુખ સતીશભાઈ ઠાકરના નેજા હેઠળ બે સુરક્ષા સૈનિકની સુરક્ષા હેઠળ ખૂબ આશા સાથે કવિતા લલકારી. તમારું મન જાણવા તલપાપડ છે? કમ ઑન. આ છે આંખે દેખ્યો અહેવાલ.
મિત્રો, મારા જીવનમાં સમાજે મને શું આપ્યું એ નથી વિચાર્યું, પણ સમાજને હું વાર્ષિક લવાજમ પણ આપી નથી શકતો તો બીજું શું આપી શકું એવા ઉમદા હેતુથી એક ખતરનાક કાવ્ય રજૂ કરું, પણ એ પહેલાં આજની તાજી ભયંકર વાત અને શાયરી રજૂ કરું છું. શાયરી પાછળ એક ઇતિહાસ છુપાયેલો છે

ઇતિહાસ છુપાયો હોય કે ભૂગોળ તું શાયરી બોલને ભાઈ. ઑડિયન્સમાંથી કોઈ બોલ્યું. કાલે બાથરૂમમાં હજી ટુવાલ પહેરી નાવા માટે જાઉં એ પહેલાં ટીવી પર સમાચાર જોયા કે કાતિલ ઠંડીને કારણે ચારનાં મોત. મેં તરત જ નહાવાનું માંડી વાળી ટુવાલ કાઢી પાછાં કપડાં પહેરી લીધાં, અરે યાર! જીવતાં હોઈશું તો ઉનાળામાં નાઈ લેશું. એ પછી મારા અંતરમાંથી નીકળેલી અદ્ભુત ૪ લાઇન આપની સેવામાં. નિત નાય એ નરકમાં જાય, માસે નાય એ મહાપદ થાય. વર્ષે નાય એ વૈકુંઠ જાય, ને કદી ન નાય તેના ઘેર જમ ન જાય. ને આમ પણ જીવનનું પહેલું સ્નાન બીજો કોઈ કરાવે ને છેલ્લું સ્નાન પણ બીજો જ કરાવે તો આપણે વળી કઈ વાડીના મૂળા કે જીવનભર જાતે સ્નાન કરવાની જીદ કરીએ. ને આમેય જીવનમાં ઘણાએ મને વગર પાણીએ નવડાવ્યો છેને.


હા, તો હવે પેલું ખતરનાક કાવ્ય. આપનું પ્રોત્સાહન અને દાદ મળશે તો મને આગળ વધવાની પ્રેરણા મળશે. પ્રેક્ષકોમાંથી ઇર્શાદ-ઇર્શાદના નારા લાગ્યા. મેં કીધું, હું ઇર્શાદ નથી, સુભાષ ઠાકર છું. તો સાંભળો મારું લેટેસ્ટ કાવ્ય.

તું કહે તો આકાશના બધા તારા તારા માટે
તોડી લાવું
પણ તું જો સવારે આવે તો હું શું કરું?
તું કહે તો નભના ચંદ્રની શીતળતા હમણાં ધરતી પર ઢાળી દઉં
પણ તું જો સૂરજની હાજરીમાં માગે તો હું શું કરું?
અરે! આ ધોમધખતો સૂરજ તારા ચરણમાં ઢાળી દઉં, પણ તું જો રાત્રે આવે તો હું શું કરું?

ને છેલ્લે, હું તો તમને કાનથી હૃદય સુધી પહોંચે એવી મનગમતી વાત લઈ આવું, પણ મને કોઈ સાંભળનાર જ ન મળે તો હું શું કરું? જય હિન્દ.

સૉરી બકા, તારે કશું જ કરવાનું નથી, જે કરીશું એ હવે અમે કરીશું. હવે તું સાંભળ. તારી આવી ઘટિયા શાયરી અમારા માથા પર ફટકારે ને કાન પાકી ગયા તો હવે તને લોકો ફટકારે તો તું શું કરીશ?

અરે, પણ આ શાયરી નથી, અદ્ભુત કાવ્ય છે.
અરે! બધું એક જ છે. અમારે સમજીને શું કાંદા કાઢવા છે.

મિત્રો, ઠાકરની આ શરૂઆત છે. આપણે પ્રોત્સાહન આપવાનું છે. સતીશભાઈ બોલ્યા.

તંબુરો પ્રોત્સાહન આપવાનુ. અરે! જે વાર્ષિક લાવાજમ નથી આપતો તેને વળી શું પ્રોત્સાહન આપવાનું. મામલો માંડ ઠેકાણે પડ્યો ને...

બીજા દિવસે સતીશભાઈએ મને ઘરે બોલાવ્યો. આવું કરાય? આટલી ઘટિયા શાયરી બોલાય? આવી ભંગારના પેટની શાયરીથી કોઈ સભ્યને આઘાત લાગે ને લકવાનો હુમલો આવે તો જવાબદાર કોણ? સમાજે કેટલું સહન કરવાનું?

અરે મને એમ કે સમાજ મને તક આપે તો મારું તકદીર બદલાઈ જાય એટલે...

હા, પણ જોયું? તારું તકદીર બદલવામાં અમને કેટલી તકલીફ પડે. જો ભાઈ, તારે ઘર ચલાવવાનું છે, પણ મારે ગ્રુપ ચલાવવાનું છે. સમજ્યો? ઈશ્વર પાસે આપણે પાત્ર લઈને જઈએ, પણ પાત્રતા તો ઈશ્વર જ નક્કી કરેને. જોયું તેં? અને ગુસ્સો તો મને પણ આવેલો, પણ શાંત રહ્યો, કારણ કે પાણીને પણ તરવું હોય તો બરફ બનવું પડે છે.

સૉરી, આ સમાજ મગની દાળની ઢીલી ખીચડી નથી પચાવી શકતો એ મારી આવી સાદી શાયરી તો ક્યાંથી પચાવે. હવે તમને તકલીફ આપ્યા વગર મારું તકદીર બદલીશ. પણ યુ નો કે આ સમાજ, સરકાર કે પરિવાર... કોઈ શાંતિથી તકલીફ આપ્યા વગર ક્યાં જીવવા દે છે. સાલું દિવાળી આવે તો કે ફટાકડા નહીં ફોડવાના, પૉલ્યુશન વધે. હોળી આવે તો કે પાણી બહુ નહીં વાપરવાનુ, પાણીનો બગાડ ન પોસાય. હમણાં કોઈએ કીધું ઉતરાણમાં પતંગ નહીં ચગાવવાની, પક્ષીઓ ઘવાય, એની પાંખો કપાઈ જાય... તો અમારે શું જિંદગીભર દારૂ પીવાનો કે બાબાના પ્રાણાયામ કરવાના? હે જીવદયાના માલિકો, પક્ષીઓ ઘવાય કે નહીં એ ખબર નથી, પણ મારું દિલ જરૂર ઘવાયું છે. પૂછો કેમ? પંખીઓની પાંખો કપાવાની ચિંતા હોય તો પેલા કતલખાનામાં રોજના લાખોની સંખ્યામાં મરઘા-મરઘી કપાય છે ત્યારે તમારો થોડો જીવ પણ ક્યાં કપાય છે? ના. ત્યારે તમારી જીવદયા કઈ ગુફામાં છુપાઈ જાય છે? એ જીવ વગર જીવે છે? ડોન્ટ ફીલ બૅડ, પણ દેશમાં લાખોની સંખ્યામાં ગૌશાળાઓ ખૂલે છે તો ભેંસશાળા, બિલાડીશાળા કે કૂતરાશાળા કેમ નથી ખૂલતી? અરે! ગાયને બચાવો છો એ સારું છે, પણ પેલા બકરાઓને મટન બનવામાંથી મુક્તિ કેમ નથી અપાવતા? ત્યારે તો તમે મિયાંની મીંદડી બની જાઓ છો.

હમણાં મારો ફ્રેન્ડ અમેરિકાથી આવ્યો. મને કે કાલનો શું પ્રોગ્રામ છે?

કાલે ઉતરાણ, લોકોની પતંગ કાપવાનો દિવસ.

અરે! પતંગ તો ઉડાડવા ને ચગાવવાના આનંદ માટે હોય, કાપવા માટે થોડી હોય.

ઍગ્રી, પણ આપણી પતંગ કાપી કોઈ દુખ આપે તો શું કરવાનું? સાંભળ, પક્ષીઓ ન કપાય એનું ધ્યાન રાખીશ, પણ બીજાની પતંગને તો કાપીશ જ. ગઈ કાલે બાજુની અગાસીમાંથી મારા જ સગાએ મારી ચાર પતંગ કાપી દુખી કર્યો એટલે હું ન છોડું.

એવી જીદ ન કર બકા. જીવનમાં આપણને કોણે-કોણે દુખ આપ્યું એની એક યાદી તૈયાર કરી, પણ આપણાથી કેટલા લોકોને દુખ પહોંચ્યું એની યાદી તૈયાર કરી? ના. ને જીવનભર કેટલાની કેટલી પતંગ કાપીશ? મારી પતંગ સામે કોઈની પતંગ ન ટકે એવો અહંકાર છોડ. અંતે તો તારા જ માંજામાં દર વખતે થોડી-થોડી દાંતી પડે છે ને ઢીલી પડેલી એ દોરીથી તારી જ પતંગ તું કાપી રહ્યો છે. તારા જ હાથે કપાઈને અંતે પતંગની જેમ જ આકાશમાં વિલીન થઈ જઈશ પછી આજુબાજુમાંથી પ્રચંડ નાદ આવશે, કાઇપો છે. પણ અફસોસ! તું નહીં સાંભળી શકે. સાચું કહું, કોઈનીયે પતંગને કાપ્યા વિના પ્રેમની પતંગને આપણે આકાશમાં ઉપર ન લઈ શકીએ? શું કહો છો?

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 10:35 AM IST | | Subhash Thakar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK