જય ગીરનારી....

10 November, 2019 10:37 AM IST  |  Junagadh | Rashmin Shah

જય ગીરનારી....

લીલી પરિક્રમાન પ્રારંભ

શુક્રવારથી ગિરનારની તળેટીમાં લીલી પરિક્રમાનો પ્રારંભ થયો છે. આ પરિક્રમાનો ઑફિશ્યલ દિવસ છે જે મંગળવારે અંતિમ ચરણમાં પહોંચીને રાતે ૧૨ વાગ્યે પૂરી થશે, પણ લગભગ બે દસકા પછી પહેલી વાર એવું બન્યું કે આ વર્ષે આ પરિક્રમા બે દિવસ મોડી શરૂ થઈ. કારતક સુદ અગિયારસથી પૂર્ણિમા એમ પાંચ દિવસ ચાલતી આ પરિક્રમા ભાવિકો બે દિવસ પહેલાં જ શરૂ કરી દેતા. ૮૦ના દસકા સુધી એવું બન્યું કે સ્થાનિક અધિકારીઓએ પરિક્રમા કરવા માટે જંગલમાં ઊતરનારાઓને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ભાવિકોની શ્રદ્ધા અને આસ્થાને જોઈને એ પછી આ પ્રયાસ પડતા મૂકી દેવામાં આવ્યા અને ઑફિશ્યલ-અનૉફિશ્યલ બની ગયું કે પરિક્રમા એના નિર્ધારિત સમયના ૪૮ કલાક પહેલાં જ શરૂ થવા માંડી અને સત્તાવાર રીતે પરિક્રમાનો પ્રારંભ થાય ત્યાં સુધીમાં તો દોઢ-બે લાખ ભાવિકો પરિક્રમા પૂરી કરીને પાછા ફરવા માંડ્યા. જોકે આ વખતે એવું ન બને એની ખાસ ચીવટ રાખવામાં આવી હતી. આ માટેનું કારણ ‘મહા’ સાયક્લોન હતું. આગોતરી તૈયારી કરીને જૂનાગઢ પહોંચી ગયેલા ભાવિકોને પણ તળેટીમાં જ રોકી દેવામાં આવ્યા અને ‘મહા’ સાયક્લોન ગુજરાત પર ત્રાટકે તો જંગલમાં રહેલા આ શ્રદ્ધાળુઓ માટેનું બચાવકાર્ય કપરું ન બની જાય એ માટે જૂનાગઢ કલેક્ટર અને જૂનાગઢ મ્યુનિસિપલ કૉર્પોરેશન સહિત ૧૪ એજન્સીઓએ એનું ધ્યાન રાખ્યું, જેના પરિણામસ્વરૂપે એવું માનવામાં આવે છે કે દર વર્ષે પરિક્રમાના આ પાંચ દિવસ દરમ્યાન દસેક લાખ ભાવિકો એનો લાભ લે છે, પણ આ વર્ષે એ આંકડામાં બાવીસથી પચીસ ટકાનો વધારો થશે અને ૧૨થી ૧૩ લાખ ભાવિકો આ પરિક્રમા કરશે.
લીલી પરિક્રમા. શાસ્ત્રોમાં કુલ ૭ પરિક્રમાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે, એ ૭ પરિક્રમામાં ગિરનારની આ લીલી પરિક્રમા બીજા સ્થાન પર છે. લીલી પરિક્રમા નામકરણ આજના સમયનું છે, શાસ્ત્રોમાં ક્યાંય લીલી પરિક્રમાનો ઉલ્લેખ નથી. એમાં તો ગિરનાર પરિક્રમાના નામે જ ઇતિહાસ લખવામાં આવ્યો છે. શાસ્ત્રના આધારે આગળ વધીએ એ પહેલાં આ લીલી પરિક્રમા શબ્દ ક્યાંથી આવ્યો એ જાણવું જોઈએ. આ પરિક્રમા ચોમાસા પછી તરત જ થતી હોવાથી જંગલમાં હરિયાળીનું પ્રમાણ પુષ્કળ માત્રામાં હોય છે જેને લીધે આ પરિક્રમા દરમ્યાન આંખોને લીલી હરિયાળી સતત મળ્યા કરે છે, જેણે કાળક્રમે પરિક્રમાને લૌકિક બોલીમાં લીલી પરિક્રમા નામ આપી દીધું.
શાસ્ત્રોક્ત ઉલ્લેખ મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ પણ ગિરનારની આ પરિક્રમા કરી છે તો વનવાસ દરમ્યાન અયોધ્યાથી રવાના થયેલા ભગવાન શ્રીરામે પણ આ ગિરનાર પરિક્રમા કરી છે તો પાંડવોએ પણ આ પરિક્રમા કરી છે. પરિક્રમાનું ધાર્મિક મહત્ત્વ પ્રસ્થાપિત કરતી એક લોકવાયકા છે. પરિક્રમાના પાથ પર આવતી ઝીણાબાવાની મઢીના મહંત ગુરુ શ્રી બલરામપુરીબાવા કહે છે કે ‘ભગવાન વિષ્ણુ વામન રૂપ ધારણ કરીને અસુર બલિરાજા પાસે આવ્યા. બલિરાજા પાસે વામને રહેવા માટે માત્ર ત્રણ ડગલાંની જમીનની માગણી કરી. બલિરાજાએ ભાવાવેશમાં આવીને વચન આપી દીધું એટલે વામનદેવે એવું વિરાટ કદ ધારણ કરીને એક ડગલું ભર્યું, જેમાં પૃથ્વીલોક આખું સમાઈ ગયું. બીજા ડગલે વામનદેવે સ્વર્ગલોક માપી લીધું. હવે આવી ત્રીજું ડગલું ભરવાની ક્ષણ. ભૂમિમાં કશું બચ્યું નહોતું એટલે વામનદેવે પાતાળ માટે પગ ઊંચો કર્યો કે તરત બલિરાજાએ એ પગની નીચે પોતાનું માથું ધરી દીધું. ભગવાન વિષ્ણુ અતિપ્રસન્ન થયા અને તેમણે પાતાળલોક બલિને આપવાનો નિર્ણય કરી લીધો, પણ ભગવાનને ઓળખી ગયેલા બલિરાજાએ વામનદેવ પાસે આગ્રહ રાખ્યો કે તેઓ પણ સાથે પાતાળ આવે અને તેમની મહેમાનગતિ માણે. યજમાનની ભાવનાથી પ્રસન્ન એવા વામનદેવ પાતાળલોક ગયા અને ત્યાં તેમણે મહેમાનગતિ માણી અને કારતક સુદ અગિયારસની સવારે તેઓ ફરી પૃથ્વીલોક પર આવ્યા. પાછા આવીને તેમણે કારતક સુદ પૂનમના દિવસે વૃંદાજી એટલે કે તુલસીજી સાથે લગ્ન કર્યાં અને એટલે એ દિવસ તુલસીવિવાહ તરીકે ઓળખાયો. વિષ્ણુ પાછા આવ્યા પછી ચાર દિવસ ગિરનારના આ વિસ્તારમાં ફર્યા હતા, તેમની સાથે ૩૩ કરોડ દેવી-દેવતાઓ પણ જાનસ્વરૂપે સાથે ફર્યાં હતાં એટલે સમય જતાં આ દિવસોની પરિક્રમાનું મહત્ત્વ પ્રસ્થાપિત થયું. કહેવાય છે કે એ સમયથી આજ સુધી દેવી-દેવતાઓએ નિયમ રાખ્યો છે કે અગિયારસથી પૂર્ણિમા સુધીના સમયગાળામાં આ પરિક્રમામાં સામેલ થવું. આજે પણ શ્રદ્ધાળુઓ માને છે કે લીલી પરિક્રમા કરનારા સાથે કોઈ પણ ઘડીએ સાક્ષાત્ ભગવાન પણ જોડાઈ જાય છે અને તેઓ પણ પગપાળા પરિક્રમા કરે છે.
જોકે આ વાત સમય જતાં ઇતિહાસનાં પાનાંઓ પર દબાઈ પણ ગઈ, જેને બહાર લાવવાનું કામ જૂનાગઢના બગડુ નામના ગામના અજા ભગતે કરી.
કહેવાય છે કે અજા ભગતે લગભગ ૧૩૯ વર્ષ પહેલાં ગિરનાર પરિક્રમાની શરૂઆત કરી. એ પહેલી પરિક્રમામાં માત્ર પાંચ જ લોકો જોડાયા હતા, પણ પરિક્રમા જેમ-જેમ આગળ વધતી ગઈ એમ-એમ વધુ લોકો જોડાતા ગયા અને એ જ્યારે પૂરી થઈ ત્યારે અઢીસોથી વધારે લોકો અજા ભગત સાથે હતા. અજા ભગતની સમાધિ પણ અત્યારે આ જ લીલી પરિક્રમાના રૂટ પર છે અને ભાવિકો એનાં દર્શનનો પણ લાભ લે છે.
લીલી પરિક્રમાનો રૂટ કુલ ૩૬ કિલોમીટરનો છે. આ રૂટને ચાર ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. પરિક્રમાની શરૂઆત ભવનાથમાં એટલે કે ગિરનારની તળેટીમાં આવેલા રૂપાયતન ગેટથી થાય છે, જે ઝીણા બાવાની મઢી સુધી પહેલો ભાગ ગણાય છે. આ રૂટ ૧૨ કિલોમીટરનો છે. ઝીણા બાવાની મઢીથી માળવેલા જવાનું છે, જે રૂટ આઠ કિલોમીટરનો છે. માળવેલાથી બોરદેવી અને બોરદેવીથી ફરી ભવનાથ આવવાનું છે. માળવેલાથી બોરદેવનો રૂટ ૮ કિલોમીટરનો અને બોરદેવીથી ભવનાથનો રૂટ પણ ૮ કિલોમીટરનો છે. આ આખો રૂટ પૂરો કરો એટલે ગિરનાર ફરતે એક ચક્કર પૂરું થાય છે અને એટલે જ એને પરિક્રમા કહેવામાં આવી છે. આ આખી પરિક્રમા માત્ર પગપાળા કરવાની છે. પહેલાં આ આખો રસ્તો પગદંડી હતો, પણ સમય જતાં એને વ્યવસ્થિત કરવાનું કામ થયું છે તો આ વર્ષે તો આ રસ્તાના અમુક ભાગમાં પથ્થર જડીને એને પાક્કા કરવાનું કામ પણ થયું છે. જોકે આ આખું કામ પણ જંગલના નિયમો ન તૂટે અને વનરાજીને નુકસાન ન થાય એનું ધ્યાન રાખીને કરવામાં આવ્યું છે.
પરિક્રમાનો આ આખો વિસ્તાર ગીરના જંગલમાંથી પસાર થાય છે એટલે શ્રદ્ધાળુઓને જંગલી જાનવરોથી અને જાનવરોને શ્રદ્ધાળુઓથી દૂર રાખવાનું કાર્ય એક મહિના પહેલાં ચાલુ થઈ જાય છે. ગીર ફૉરેસ્ટના ડેપ્યુટી ફૉરેસ્ટ કન્ઝર્વેટિવ ઑફિસર બી. કે. ખટાણા કહે છે, ‘આ રૂટ પર સુવિધાઓ ઊભી કરવા ઉપરાંત બોર્ડથી માંડીને સાઇનબોર્ડ મૂકવા જેવાં કામ એક મહિના પહેલાં શરૂ કરવામાં આવે છે. એ કામ મૅન્યુઅલી કરવાનાં હોવાથી એ ધીમાં ચાલે છે. અન્નક્ષેત્ર, વિરામસ્થાન જેવા પંડાલ બનાવવાના હોવાથી એની જગ્યાની ફાળવણીનું કામ પણ આ દિવસોમાં શરૂ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત પ્રાણીઓને પણ પહેલેથી જ રૂટથી દૂર રાખવાનું કામ શરૂ કરી દેવામાં આવે છે જેથી પરિક્રમા શરૂ થાય ત્યાં સુધીમાં તેમને આદત પડી જાય.’
પરિક્રમા શરૂ થઈ ગયા પછી પણ ૧૦૦થી વધારે વન અધિકારી અને ગાઇડને આ રૂટ પરના જંગલમાં રાખવામાં આવે છે, જે આ વિસ્તારનાં હિંસક પ્રાણીઓ પર નજર રાખે છે અને જો એ કૉર્ડન તોડીને આવતાં હોય તો પહેલાં એને બીજી દિશામાં દોરી જવાનું અને એ પછી પણ સફળતા ન મળે તો આગળ સૂચના આપી સાવધ કરવાનું કામ કરે છે. જોકે આજ સુધી ક્યારેય એવું બન્યું નથી કે કોઈ પ્રાણીએ શ્રદ્ધાળુ પર હુમલો કર્યો હોય. તમને જાણીને નવાઈ લાગશે કે આ રૂટ પર ૫૦થી વધારે સિંહ અને દીપડાઓનો વસવાટ છે અને એ પછી પણ ક્યારેય કોઈ અનિચ્છનીય ઘટના નથી ઘટી. હિંસક પ્રાણીઓ ઉપરાંત જો જિલ્લા અધિકારીઓએ ધ્યાન રાખવું પડે એવું કંઈ હોય તો ગીરનાં જંગલોમાં અને ગિરનારની આસપાસ રહેલા નાગા બાવાઓનું છે. એક સમયે પરિક્રમા દરમ્યાન નાગા બાવાઓ બહાર આવતા, પણ તેમનું અવધૂત અને કોઈ કોઈ વાર ભયાનક સ્વરૂપ જોઈને યાત્રાળુઓમાં ડર પ્રસરી જતો હોવાથી ત્રણ વર્ષ પહેલાં તો જૂનાગઢ કલેક્ટર ઑફિસ ભારતીય સાધુ સમાજના ગુજરાત વિભાગના વડા એવા ભારતીબાપુને કહીને તેમને બહાર નહીં નીકળવા માટે વિનંતી પણ કરાવી હતી, જેનું નાગા બાવાઓએ સન્માન કરીને પરિક્રમા દરમ્યાન બહાર આવવાનું ટાળ્યું હતું. જોકે એનું પાલન એક વર્ષ પૂરતું રહ્યું, બીજા વર્ષથી અમુક અવધૂતોએ આવવાનું શરૂ કરી દીધું. અલબત્ત તેમણે પોતાનું આગમન સહજ અને સ્વાભાવિક કરી નાખ્યું, જેને લીધે શ્રદ્ધાળુઓમાં જે ડર હતો એ ડર દેખાવાનું બંધ થઈ ગયું.
આ વર્ષે રૂટ પર નાની-મોટી સૂચનાથી માંડીને જાગૃતિ આપતાં ૧૦૦૦થી વધારે બૅનર લાગ્યાં છે. આ સૂચનાઓમાં વ્યસનમુક્તિ અને પ્લાસ્ટિક નહીં વાપરવાની સૂચનાઓની સાથોસાથ ક્યાંથી વળાંક લેવાના, કઈ તરફ આગળ જવાનું છે એ પ્રકારનાં બૅનર પણ મૂવામાં આવ્યાં છે. આ ઉપરાંત અન્નક્ષેત્રથી માંડીને તેલ માલિશ કરી આપવાની સેવા આપતાં ટ્રસ્ટોની સૂચના પણ એ બૅનરોમાં આવી જાય છે. અન્નક્ષેત્ર માટે છેલ્લાં ૩૫ વર્ષથી આવતા સુરેન્દ્રનગર જિલ્લાના બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ ભગીરથસિંહ ડોડિયા કહે છે, ‘કઈ ઘડીએ સાક્ષાત્ ભગવાન આવીને ભોજન કરી જાય એનું કંઈ કહેવાય નહીં એટલે અમે સૌકોઈને ભગવાન ગણીને જ જમાડીએ છીએ.’
ભગીરથસિંહ ડોડિયાના અન્નક્ષેત્રમાં સવારના સમયે ચા-દૂધ અને થેપલાં સહિત ૬ જાતના નાસ્તા હોય છે; બપોરે જમવામાં રોટલી, દાળ-ભાત, શાક, કચુંબર, એક ફરસાણ અને એક મિષ્ટાન્ન હોય છે, જ્યારે રાતે ખીચડી-કઢી અને ભાખરી-શાક હોય છે. પરિક્રમા દરમ્યાન અઢી લાખ લોકો બોલબાલાના અન્નક્ષેત્રમાં જમે છે. બોલબાલા જેવાં ઓછામાં ઓછાં ૫૦ ભવ્યાતિભવ્ય કહેવાય એવાં અન્નક્ષેત્ર આ વર્ષે થયાં છે તો સામાન્ય નાસ્તાઓ, ચા-દૂધ જેવાં પીણાં, છાસ, ઉકાળા પીરસતાં ૨૦૦થી વધારે અને સામાન્ય ભોજનાલય કહેવાય એવા ૧૦૦ જેટલાં અન્નક્ષેત્ર આ વર્ષે થયાં છે.
સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલકર બોજ ઉઠાના...
આ જ નીતિ પર આ પરિક્રમા ચાલી રહી છે. જો સ્વૈચ્છિક અન્નક્ષેત્ર અને અન્ય સેવાકીય કેન્દ્ર બંધ થઈ જાય અને ગુજરાત સરકારે એ બધી જવાબદારી ઉપાડવી પડે તો જરા કલ્પના કરો કે ગુજરાતની તિજોરી પર કેટલો મોટો બોજ આવે. ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના યોગેન્દ્રસિંહ પઢિયાર કહે છે, ‘ધર્મ પોતાનો રસ્તો કરી લેતો હોય છે. અહીં થઈ રહેલું કાર્ય શ્રદ્ધા અને ભાવના દર્શાવે છે અને એનો ક્યારેય કોઈ હિસાબ થઈ ન શકે.’
વાત ખોટી પણ નથી અને એટલે જ પરિક્રમા દરમ્યાન જોરથી પડતા સાદ સાથે સામો અવાજ આવી જાય છે, ‘જય ગિરનારી’

junagadh culture news gujarat