કેમ છો ટ્રમ્પ? કેવું છે મોટેરા?

09 February, 2020 01:40 PM IST  |  Ahmedabad | Shailesh Nayak

કેમ છો ટ્રમ્પ? કેવું છે મોટેરા?

મોટેરા સ્ટેડિયમ

૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિશ્વના સૌથી આ મોટા  ક્રિકેટ સ્ટેડિયમથી ક્રિકેટ-જગતના ઇતિહાસમાં અમદાવાદનું નામ લખાવા જઈ રહ્યું છેઃ નવાં રૂપરંગ અને આધુનિક ટેક્નૉલૉજી સાથે તૈયાર થયેલું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનશે જેમાં ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકશે ઃ આ સ્ટેડિયમ લાખો પ્રેક્ષકો સાથે ક્રિકેટરોની પણ અનેક સવલતો સાચવવા સજ્જ છેઃ સ્ટેડિયમમાં એકસાથે ૩૦૦૦ જેટલી કાર અને ૧૦,૦૦૦ જેટલાં ટૂ-વ્હીલર્સ પાર્ક થઈ શકશે.

અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ ૨૪થી ૨૭ ફેબ્રુઆરી દરમ્યાન ભારત અને અમદાવાદની મુલાકાતે આવવાના છે અને એ દરમ્યાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમમાં થવાનો છે. એસપીજી સહિતની સિક્યૉરિટી એજન્સીઓએ પણ સ્ટૅડિયમની સુરક્ષા-વ્યવસ્થાનું નિરીક્ષણ અને સમીક્ષા પણ શરૂ કરી દીધી છે. સ્થળ લગભગ નક્કી છે, માત્ર તારીખ નક્કી થવાની છે. ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સૌથી વધુ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા દુનિયાના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે એવી સંભાવના છે ત્યારે સ્વાભાવિક રીતે જ વાચકોને એ જિજ્ઞાસા જરૂરથી થાય કે આ મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ એવું તે કેવું છે?

જે મેદાન પર ક્રિકેટવિશ્વના લિટલ માસ્ટર સુનીલ ગાવસકરે ૧૦,૦૦૦ રન પૂરા કરીને ટેસ્ટ મૅચમાં સૌથી પહેલાં ૧૦,૦૦૦ રન કરનાર ક્રિકેટર બનીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો હતો, જે મેદાન પર વિશ્વપ્રસિદ્ધ ઑલરાઉન્ડર કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકૉર્ડ તોડીને નવો વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો એ મેદાન હવે વધુ એક નવો વર્લ્ડ રેકૉર્ડ સર્જવા જઈ રહ્યું છે. આ રેકૉર્ડ છે દુનિયાનું સૌથી વધુ પ્રેક્ષકની ક્ષમતાવાળું ક્રિકેટ સ્ટેડિયમ, જેમાં એકસાથે ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકો બેસીને રોમાંચક ક્રિકેટ મૅચ નિહાળવાનો લહાવો માણશે. અમદાવાદમાં નવાં રૂપરંગ અને આધુનિક ટેક્નૉલૉજી સાથે તૈયાર થયેલું મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ દુનિયાનું પહેલું એવું ક્રિકેટ સ્ટેડિયમ બનશે જેમાં ૧,૧૦,૦૦૦ પ્રેક્ષકો બેસી શકશે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપનું જોયું હતું અને હવે એ સાકાર થવા જઈ રહ્યું છે.

અમદાવાદમાં મોટેરા ગામ પાસે ૧૯૮૨માં જેનું નિર્માણ થયું અને ૧૯૮૩માં જ્યાં પહેલી મૅચ રમાઈ એ સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ છે જેને સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ અને ટૂંકમાં એ મોટેરા સ્ટેડિયમ તરીકે જાણીતું થયું છે, જે હવે નવેસરથી બનાવવામાં આવ્યું છે અને અનેક સુવિધા-વિવિધતાઓથી સજ્જ થઈ ગયું છે. અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ અદ્યતન ડિઝાઇનર સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચ, વન-ડે, ટી૨૦ મૅચ રમતા ક્રિકેટરો માટે મૅચ રમવાની સાથે સ્ટેડિયમમાં જ આધુનિક સુવિધાઓથી સજ્જ જિમ્નેશ્યમ હશે, જેમાં દુનિયાભરના ક્રિકેટરો વર્કઆઉટ કરી શકશે. આ સ્ટેડિયમના કૅમ્પસમાં જ એક નહીં, ત્રણ મેદાનો હશે. પ્રેક્ષકોને બેસવા માટે ચાર લેયરવાળું અદ્યતન સ્ટેડિયમ સહિત અનેક સુવિધાઓથી સજાવેલું આ સ્ટેડિયમ ક્રિકેટવિશ્વને અર્પણ થશે. સ્ટેડિયમની આગળની સાઇડમાં મેટ્રો રેલવે સ્ટેશન બનશે. એટલે કે સ્ટેડિયમની એક તરફ મેટ્રો રેલ અને બીજી તરફ સાબરમતી રિવરફ્રન્ટ છે. સ્ટેડિયમમાં આવવા માટે ત્રણ ગેટ રહેશે જેમાંથી એન્ટ્રી અને એક્ઝિટ થઈ શકશે, જેથી પ્રેક્ષકોને આવવા-જવામાં કોઈ મુશ્કેલી પડે નહીં. આ સ્ટેડિયમની વિશેષતા એ હશે કે ભારતના કોઈ પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ન હોય એવી લાર્જેસ્ટ વેહિકલ પાર્કિંગ સ્પેસ સ્ટેડિયમના પ્રિમાઇસિસમાં ઉપલબ્ધ હશે, જેમાં એકસાથે ૩૦૦૦ જેટલી કાર અને ૧૦,૦૦૦ જેટલાં ટૂ-વ્હીલર્સ પાર્ક થઈ શકશે. અહીં સ્પોર્ટ્‌સ ઍકૅડેમીની પણ સગવડ હશે જેમાં ફુટબૉલ, હૉકી, બાસ્કેટબૉલ, કબડ્ડી, બૉક્સિંગ, લૉન ટેનિસ, રનિંગ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે.

નવા બનેલા સ્ટેડિયમની વિવિધતા વિશે માહિતી આપતાં ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ઓનરરી સેક્રેટરી અશોક બ્રહ્મભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યાર સુધી ઑસ્ટ્રેલિયાનું મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમ એક લાખ જેટલા પ્રેક્ષકોની કૅપેસિટી ધરાવતું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હતું એ પછીના ક્રમે કલકત્તાનું ઈડન ગાર્ડન્સ જ્યાં એક સમયે અંદાજે ૯૫,૦૦૦ જેટલા પ્રેક્ષકો બેસી શકતા હતા, પરંતુ મોટેરા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમની પ્રેક્ષકોને બેસવાની કૅપેસિટી ૧ લાખ ૧૦ હજારની છે. દુનિયાનું આ સૌથી વધુ પ્રેક્ષકો સમાવી શકે એવું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની રહેશે. આ સ્ટેડિયમની અનેક વિશેષતા છે. અહીં ત્રણ અલગ-અલગ મેદાન છે, જેમાં એક મેદાન સ્ટેડિયમની અંદર અને બે મેદાન સ્ટેડિયમની બહાર છે. ઇન્ટરનૅશનલ મૅચો અને ડોમેસ્ટિક મૅચો માટે અલગ મેદાન રહેશે. સ્ટેડિયમની બહારના મેદાનમાં રણજી લેવલની મૅચો રમાશે, જ્યારે ત્રીજા મેદાન પર અંડર–14, અંડર-16 સહિતની ટુર્નામેન્ટની મૅચો રમાશે. કોચિંગ કૅમ્પ માટે પણ એનો ઉપયોગ થશે. સ્ટેડિયમની અંદર જ ક્રિકેટરો માટે જિમ્નેશ્યમ હશે. ક્રિકેટરો માટે જિમમાં વર્લ્ડ લેવલનાં ઇક્વિપમેન્ટ્સ હશે. ડ્રેસિંગરૂમ અદ્યતન બનાવાઈ છે. ક્રિકેટરો ડ્રેસિંગરૂમમાં હરીફરી શકે એવી વિશાળ અને મોકળાશવાળી છે. ક્રિકેટરોને નેટ-પ્રૅક્ટિસ માટે મેદાનની બહાર ૭ નેટ રાખવામાં આવી છે.’

પ્રેક્ષકોની બેઠક-વ્યવસ્થા સહિતની સુવિધા વિશે તેઓએ કહ્યું કે ‘સ્ટેડિયમની ડિઝાઇન ઑસ્ટ્રેલિયાના એન્જિનિયરની મદદથી બનાવવામાં આવી છે અને ચાર લેયરવાળું સ્ટેડિયમ બનાવાયું છે. આ ચાર લેયરમાં પ્રેક્ષકો બેસી શકશે. બે લેયર વચ્ચે પોડિયમ છે. પોડિયમમાં પ્રેક્ષકો માટે નાસ્તા-પાણીના સ્ટૉલ્સ હશે. પ્રેક્ષકો આખા સ્ટેડિયમમાં ફરી શકશે. અશક્ત અને દિવ્યાંગો માટે ખાસ રૅમ્પ બનાવાયો છે. તેઓ આ રૅમ્પની મદદથી સ્ટેડિયમમાં જઈ શકશે .દિવ્યાંગો તેમ જ અન્ય પ્રેક્ષકો માટે લિફટ રાખવામાં આવી છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ૭૫ કૉર્પોરેટ બૉક્સ હશે, જેમાં ૨૫ વ્યક્તિ એકસાથે બેસીને મૅચ જોઈ શકશે. બૉક્સસમાં ટીવી-ફ્રિજ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. કૉમેન્ટેટર્સ, મીડિયા માટે અલગથી બેઠક-વ્યવસ્થા રાખવામાં આવી છે. જ્યાં લેટેસ્ટ ટેક્નૉલૉજી સાથેની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં એક મ્યુઝિયમ પણ બનાવવામાં આવશે, જેમાં ક્રિકેટ અને ક્રિકેટરને લગતી અવનવી માહિતી, ફોટો, ખેલાડીઓએ ઉપયોગમાં લીધેલી વસ્તુઓ, ટ્રોફીઓ પણ રાખવામાં આવશે.’

સ્ટેડિયમમાં ચાલી રહેલા કામની વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘અત્યારે ૯૮ ટકા સ્ટેડિયમ તૈયાર છે. ખુરસીઓના ફિટિંગનું કામ ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં પૂરું થઈ જશે. એલ ઍન્ડ ટી દ્વારા સ્ટેડિયમનું બાંધકામ ચાલી રહ્યું છે. આ સ્ટેડિયમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું જે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અમિત શાહે અમલમાં મૂક્યું હતું જેમાં ગુજરાત ક્રિકેટ અસોસિએશનના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીનો સહકાર સાંપડ્યો અને સ્ટેડિયમનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.’

મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ પર નોંધાયા છે ક્રિકેટના અવનવા રેકૉર્ડ અને રસપ્રદ ઘટનાઓ

૧૯૯૪ માં કપિલ દેવે આ મેદાન પર શ્રીલંકાના હસન તિલકરત્નેની વિકેટ ઝડપી એ સાથે તેઓ ટેસ્ટ ઇતિહાસમાં ૪૩૨મી વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા હતા. એ વખતે રિચર્ડ હેડલીના નામે ૪૩૧ વિકેટનો રેકૉર્ડ હતો.

૧૯૯૬ માં મોહમ્મદ અઝહરુદ્દીન સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ રમવા મેદાન પર આવ્યો એ સાથે તે એવો પ્રથમ ક્રિકેટર બન્યો જે તમામ ટેસ્ટ રમતા દેશ સામે પોતાના મેદાન પર અને હરીફ દેશના વિદેશી મેદાન પર ટેસ્ટ મૅચ રમ્યો હોય. આ એક અનોખા પ્રકારનો વર્લ્ડ રેકૉર્ડ હતો.

૧૯૮૭ માં પાકિસ્તાન સામેની ટેસ્ટ મૅચ દરમ્યાન શિવલાલ યાદવે પાકિસ્તાનના સલીમ મલિકને આઉટ કર્યો એ સાથે તેણે ટેસ્ટ મૅચમાં ૧૦૦ વિકેટ પૂરી કરી હતી.

૨૦૦૮ ના એપ્રિલમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ હતી, જેના પ્રથમ દિવસે લંચ પહેલાં તો ભારત ૭૬ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. ભારતીય ટેસ્ટ ઇતિહાસમાં પહેલી વાર ટીમ પહેલા દિવસે લંચ પહેલાં આઉટ થઈ ગઈ હતી.

૨૦૦૯ ના એપ્રિલમાં રાહુલ દ્રવિડે આ મેદાન પર શ્રીલંકા સામેની ટેસ્ટ મૅચમાં ૧૭૭ રન ફટકારીને તેની કારકિર્દીના ૧૧,૦૦૦ રન પૂરા કર્યા હતા.

૨૦૧૦ ના નવેમ્બરમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ દરમ્યાન ભારતે ૧૫ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે હરભજન સિંહે આવીને સદી ફટકારી હતી. હરભજન સિંહની કારકિર્દીની આ પ્રથમ સદી હતી.

મોટેરા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ પરિસરમાં જ આવેલી જીસીએ કલબ હાઉસની વાત કરતાં અશોક બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે ‘ક્લબ હાઉસમાં ૫૫ રૂમ્સ છે, જેમાં ખેલાડીઓ તેમ જ અન્ય મહેમાનો રોકાઈ શકશે. આ ક્લબ હાઉસમાં બૅડ્મિન્ટન, ટેબલ ટેનિસ, સ્ક્વૉશ, બિલિયર્ડની રમત માટેની સુવિધા ઉપરાંત કાર્ડરૂમ પણ છે. આ ઉપરાંત ઑલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ-પૂલ છે. ક્લબમાં અત્યારે ૨૫૦૦ જેટલા મેમ્બર્સ છે.’

નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં જૂનું સ્ટેડિયમ તોડી પાડીને એના સ્થાને નવું વિશ્વનું સૌથી મોટું અને બેસ્ટ ક્લાસ ફૅસિલિટી સાથેનું ક્રિકેટનું સ્ટેડિયમ બનાવવાનું સપનું સેવ્યું હતું. અમિત શાહે આ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો જેમાં જીસીએના ભૂતપૂર્વ સિનિયર વાઇસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણી અને ભૂતપૂર્વ જૉઇન્ટ સેક્રેટરી જય શાહનો સપોર્ટ મળ્યો હતો. અત્યારે પૂર્ણતાના આરે આવેલા સ્ટેડિયમના પ્રોજેક્ટ પર જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી અને તેમની ટીમ ધ્યાન રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં જ વિશ્વનું સૌથી વધુ પ્રેક્ષકક્ષમતા ધરાવતું અદ્યતન સ્ટેડિયમ ક્રિકેટના રસિકો માટે ખુલ્લું મુકાશે.

સુનીલ ગાવસકરના ટેસ્ટ ક્રિકેટમાં ૧૦૦૦૦ રનનો માઇલ સ્ટોન

આ મેદાન પર અનેક રેકૉર્ડ્સ બન્યા છે, જેમાં ૧૯૮૩માં સુનીલ ગાવસકરની વાત કરતાં તુષાર ત્રિવેદી કહે છે, ‘૧૯૮૩ના નવેમ્બરમાં સુનીલ ગાવસકરે આ મેદાન પર ૯૦ રન નોંધાવ્યા હતા. એ સાથે તેઓ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન ફટકારનાર બૅટ્સમૅન બન્યા હતા. એ વખતે ગાવસકરે જ્યૉફ બૉયકૉટના ૮૧૧૪ રનના આંકને વટાવ્યો હતો. ૧૯૮૭માં પાકિસ્તાન સામેની ટેસ્ટ દરમ્યાન આ મેદાન પર ગાવસકરે તેમની ટેસ્ટ-કારકિર્દીના ૧૦,૦૦૦ રન પૂરા કર્યા હતા. આમ કરનાર તેઓ વિશ્વના સૌપ્રથમ બૅટ્સમૅન બન્યા હતા.’

સચિન અને ચેતેશ્વર પુજારાની પ્રથમ ડબલ સેન્ચુરી આ મેદાન પર

અમદાવાદના મોટેરા સરદાર પટેલ સ્ટેડિયમ પર ક્રિકેટના અનેક અવનવા રેકૉર્ડ અને રસપ્રદ ઘટના નોંધાઈ છે એની વાત કરતાં ‘મિડ-ડે’ને બીસીસીઆઇના સ્કોરર અને સ્ટેટિસ્ટિશ્યન તેમ જ સ્પૉર્ટ્સ જર્નલિસ્ટ તુષાર ત્રિવેદી કહે છે, ‘૧૯૯૯માં ન્યુ ઝીલૅન્ડ સામે સચિન તેન્ડુલકરે બેવડી સદી ફટકારી હતી. આ બેવડી સદી મોટેરા સ્ટેડિયમમાં ફટકારી હતી. સચિન તેન્ડુલકરની કારકિર્દીની ૧૦૦ ઇન્ટરનૅશનલ સદીમાં આ પ્રથમ બેવડી સદી હતી. આ ઉપરાંત ૨૦૧૨માં ઇંગ્લૅન્ડ સામે રમતાં ચેતેશ્વર પુજારાએ તેની કારકિર્દીની પ્રથમ બેવડી સદી આ મેદાન પર ફટકારી હતી. તેણે આ મેદાન પર ૨૦૬ રન કર્યા હતા.’

weekend guide shailesh nayak ahmedabad