જો તમે ઇચ્છતા હો કે એક શ્રેષ્ઠ ભારત બને તો હવે બધું ભૂલીને આગળ વધો

10 November, 2019 10:41 AM IST  |  Mumbai | Manoj Joshi

જો તમે ઇચ્છતા હો કે એક શ્રેષ્ઠ ભારત બને તો હવે બધું ભૂલીને આગળ વધો

અયોધ્યા પર આવ્યો ચુકાદો

આમ તો આપણે વાત કરતા હતા અક્ષયકુમારની હેલ્થ માટેની ૬ ટિપ્સની, પણ આજે એમાં બ્રેક લઈએ અને બ્રેક લઈને દેશઆખાની નજર જેના પર હતી એ અયોધ્યા જજમેન્ટ પર આવીએ. ફાઇનલી, સુપ્રીમ કોર્ટે રામલલ્લા ટ્રસ્ટને જગ્યા સોંપી દીધી અને રામમંદિર બનાવવા માટે પરવાનો મળી ગયો. આમ તો આ જૂની વાત છે. સોશ્યલ મીડિયાના સમયમાં હવે આ ખબર બધા સુધી પહોંચી ગઈ છે પણ મૂળ વાત એ છે કે હવે આપણે આ બધું પાછળ મૂકીને આગળ વધવાનું છે. છેક ૯૦ના દસકાથી બાબરી મસ્જિદનો પ્રશ્ન જાગ્યો છે. એ સમયથી આજ સુધી, અત્યાર સુધી રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદનો વિવાદ ચાલતો રહ્યો અને સૌકોઈ એ વિવાદની સાથે આગળ વધતા રહ્યા, પણ હવે એનો અંત આવ્યો છે ત્યારે મારે કહેવું છે કે આ સમયગાળામાં એક આખી નવી પેઢી આવી ગઈ આ દેશમાં. આ જે નવી પેઢી છે એ નવી પેઢીને મંદિર, મસ્જિદ કરતાં પણ વધારે રસ દેશના વિકાસમાં છે, તેમને મળનારી સુખસગવડોમાં છે. આ સુખસગવડ તો જ આપી શકાય, જો દેશ વિકાસ કરે અને તો જ તેમને આ રાષ્ટ્રમાં રહેવામાં ઇન્ટરેસ્ટ છે. તમે માનશો નહીં, હમણાં જ એક નૅશનલ લેવલની ટીવી-ચૅનલે સર્વે કર્યો એમાં આવ્યું હતું કે દેશની નવી જનરેશનના ૪૮ ટકાથી વધારે યંગસ્ટર્સ આ દેશમાં રહેવા રાજી નથી, કારણ, તો આ દેશનો ટ્રાફિક, ટ્રાફિક-સેન્સનો અભાવ, સિવિક સેન્સનો અભાવ અને એ બધા પ્રશ્નો.
રામમંદિર આપણો પ્રાણપ્રશ્ન હતો અને હવે એ પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે ત્યારે એ પ્રશ્નને હવે હકીકતમાં ફેરવાય એની રાહ જોવાને બદલે, એ બધામાં સમય બગાડવાને બદલે આપણે આગળ વધવાનું છે. રામમંદિર બનશે, બનશે અને બનશે જ. અનેક કામ એવાં છે જેને હવે પ્રાયોરિટી પર લઈને આગળ આવવાનું છે. ખુદ બીજેપીએ પણ નક્કી કરી લીધું છે કે રામમંદિરનો કોઈ પ્રશ્ન કે એનો જશ તેમની યાદીમાં ભવિષ્યમાં નહીં હોય તો પછી આમ જનતા તરીકે આપણી પણ પ્રાયોરિટી હવે રાષ્ટ્ર હોવું જોઈએ, રાષ્ટ્રનો વિકાસ હોવો જોઈએ. દુનિયાના વિકાસની દૃષ્ટિએ, વિશ્વના ખ્યાતનામ અને પ્રગતિશીલ દેશોની સરખામણીએ આપણે પાછળ છીએ અને આજની નવી પેઢી એ દેશો જેવા બનવાનાં સપનાં જોઈ રહી છે. રામ આપણો શ્વાસ છે અને નવી પેઢીની આંખોમાં રહેલાં સપનાંઓ આપણો વિશ્વાસ છે. આ વિશ્વાસ હવે પુરવાર કરવાનો છે અને એ પુરવાર કરવા માટે હવે આપણે એ દિશા તરફથી નજર હટાવીને નવેસરથી નવા મિશન પર લાગવાનું છે.
રામજન્મભૂમિ એક ધ્યેય હતું, જેને હવે પાર પાડી લીધું છે, પણ આપણે કોઈ એકલદોકલ ધ્યેયના લોકો નથી. આપણી પાસે ધ્યેયની એક લાંબી યાદી છે. આપણે એ યાદીને ઝડપથી પૂરી કરવાની છે. જો એ કરી શકીશું તો અને તો જ આપણે મહાસત્તાની દિશામાં આગળ વધી શકીશું અને આપણે એ બનવાનું છે. મહાસત્તાના સ્થાને આવ્યા પછી જ વિશ્વ આપણી સમક્ષ ઝૂકશે અને વિશ્વ આપણો આદર કરશે. ટૂંકમાં કહું તો, હવે નવેસરથી ફરીથી કામે લાગી જવાનું છે. ધ્યેય પૂરું થયું છે, પણ સપનાં સાકાર કરવાનાં હજી બાકી છે.

manoj joshi ayodhya verdict