કોઈ હૈયામાં ગયું લાગે છે

20 January, 2019 10:51 AM IST  |  | હિતેન આનંદપરા

કોઈ હૈયામાં ગયું લાગે છે

અર્ઝ કિયા હૈ

સામેવાળાને શું લાગશે એ વિચારમાં ઘણી વાર આપણે જિંદગીને શું લાગશે એ વિચારવાનું જ ભૂલી જઈએ છીએ. સમાજમાં રહીએ એટલે દુનિયાના માપદંડો પ્રમાણે ચાલવું પડે એ કબૂલ, પણ એમાં ગૂંગળામણ લાગે ત્યારે નવો રસ્તો વિચારવો પડે. દુનિયાને જે અશક્ય લાગતું હોય ત્યાંથી સંશોધકો નવી શરૂઆત કરતા હોય છે. સ્વજનો કે મિત્રોએ જેને હસીને ફેંકી દીધો હોય એવા વિચિત્ર કન્સેપ્ટને લઈ આગળ વધતો કોઈ સ્ટાર્ટઅપ સાહસિક જ્યારે બેત્રણ વરસે કાઠું કાઢે ત્યારે તેના પર હસનારાઓ તેને સલામ ભરતા થઈ જાય.

કુંભમેળો શરૂ થઈ ગયો છે ત્યારે શાહીસ્નાન કરનારાઓને જોઈ પ્રવીણ શાહનો શેર અર્પણ કરવાનું મન થઈ આવે છે...

મસ્ત મજાનું જીવતર લાગે

તું આપે એ બેહતર લાગે

તારા તીરથ સ્થાને બેઠો

ઊજળી મારી ચાદર લાગે

આપણી શ્રદ્ધાને કાટ ન લાગે એ માટે ર્તીથસ્થાનો મૂક ફરજ બજાવતાં હોય છે. મૂર્તિ તો ઘરમાં પણ હોય છતાં સ્થાનનું મહkવ અનેરું છે. કેટલાંક ર્તીથસ્થાનનાં વાઇબ્રેશન્સ આપણને શાતા આપે. કેટલાંક તીર્થોને આપણે કોલાહલ, ગંદકી અને પ્રદૂષણથી તારતાર કરી દીધાં છે. આપણે ભગવાનને પણ ટેન્શન આપીએ એમાંના છીએ. જૈમિન ઠક્કર પથિક માનસિકતાને નિરૂપે છે...

રોકાય ના સહેજે, સમયનો એ સ્વભાવ છે

અહીંયા વિચારોનો જ માનવ પર દબાવ છે

જીવન ગતિ છે એકસરખી એ છતાં પથિક

લાગે સતત કે કોઈ બાજુ તો તણાવ છે

કેટલીક તાણ આપણે લઈએ છીએ ને કેટલીક તાણ આપણા માથે થોપવામાં આવે છે. બેસ્ટની હડતાળ નવ દિવસ ચાલી અને મુંબઈગરાઓએ સજ્જનની માફક એ સહન કરી લીધી. મુંબઈગરો ગમેએટલા ટૅક્સના પૈસા ભરે, એની સામે વૅલ્યુ ફૉર મની તેના નસીબમાં નથી. રામમંદિર અને પાકિસ્તાનના પ્રકરણમાં વડા પ્રધાનને શિખામણ આપનારા સ્થાનિક નેતાઓ, સ્થાનિક હડતાળમાં સમાધાન કરવામાં પાછા પડે ત્યારે થાય કે હુંકાર કરવો સહેલો છે, પણ હાશ આપવી બહુ અઘરી છે. આક્ષેપો કરવા સહેલા છે, કામ કરી બતાડવું અઘરું છે. લક્ષ્મી ડોબરિયાનો શેર મુંબઈગરાઓએ વાંચ્યા પહેલાં જ પચાવી લીધો છે...

જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે

ને, કદીક તો સાંભYયું ના સાંભળ્યું કરવું પડે!

હાથમાં ના હોય એ બાબતનો લાગે ભાર તો

આંખ આડા કાન રાખીને ઘણું કરવું પડે!

આંખ આડા કાન રાખવા પડે એવું ઘણુંબધું દેશમાં બની રહ્યું છે. સંસદમાં ખરડાઓને પસાર થતાં રોકવા વિરોધ પક્ષ જે રીતે અવરોધો ઊભા કરે એ જોવું અસહ્ય છે. પ્રજાના હિત માટે જરૂરી એવા કાયદાને ચર્ચાનાં ચૂંથણાંઓ કરી વિલંબિત કરાય કાં વિકલાંગ બનાવી દેવાય છે. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજ પાર્ટીએ માયાવતીને વડા પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરતાં પોસ્ટરો ચોંટાડી દીધાં. ભવિષ્યમાં માયાવતી, અખિલેશ, રાહુલ ગાંધી જેવાઓ વડા પ્રધાન બનશે તોય આપણે બાપડાબિચારાઓ આંખ આડા કાન કરી પડ્યું પાનું નિભાવી લેશું. રાકેશ ઠક્કર નીવડેલું તારણ આપે છે...

રણમાં કદી અણસાર લાગે નીરનો જો આપને

જોજો હશે ના નીર, બસ મૃગજળ, લખીને રાખજો

મૃગજળ પાસે આપણી આંખોને ઠગવાની આવડત છે. વરસોની અનુભવી આંખોને પણ એક વાર થાપ ખવડાવી દે. અધવચ્ચે ફસાયા હોઈએ ત્યારે સૂર્યકાન્ત નરસિંહ સૂર્યના આ શેર જેવી અનુભૂતિ થાય...

ના પૂછો કઈ ભૂગોળમાં છીએ

પૂર્ણત: લાલચોળમાં છીએ!

પૂર્ણતા પર હજીયે શંકા છે?

લાગે છે અર્ધગોળમાં છીએ!

પૂર્ણ થવું પરમેશ્વર માટે પણ શક્ય નથી. માનવજનમ લીધો છે ત્યારે આપણે ખૂબી-ખામી બન્નેથી યુક્ત હોવાના. આપણી પાંચે આંગળીઓ પણ સરખી નથી હોતી. વૈચારિક ઉતારચડાવ પણ આવ્યા કરે. એક સમયે આપણે કોઈ સજ્જડ મંતવ્ય ધરાવતા હોઈએ, એ વરસો પછી ખોખલું લાગવા માંડે. ઉન્ïનત દિશા તરફ પ્રયાણ કરવાનો પ્રયાસ કરીએ તો ઘણા કાંકરા આપોઆપ ખરવા લાગે. કિરણસિંહ ચૌહાણ પોતીકી મહત્તા શેમાં હોઈ શકે એનો એક મુલાયમ ખ્યાલ આપે છે...

એક આખો વર્ગ છે અહીં

જે સતત ધોરણ જુએ છે

તું જુએ ને તો જ લાગે

કોઈ અમને પણ જુએ છે

આ પણ વાંચોઃ પીજો તમસ તમે

કેટલીક નજરમાં એવી શાતા હોય કે જિંદગીનો અર્થ એમાં ઊઘડતો જણાય. કેટલીક નજર આપણો એક્સ-રે કાઢી લે એવી ચબરાક હોય, કેટલીક નજર છેતરવાનું જ કામ કરતી હોય. સંજોગો પણ છેતરવામાં પાવરધા હોય છે. અવસ્થાને નામે અત્યાચાર કરવાનું એને સુપેરે ફાવે છે. બ્રિજેશ પંચાલ મધુર જે દૃશ્ય વર્ણવે છે એ કરુણ પણ છે અને દયનીય પણ...

એ વખત આધાર નિરાધાર લાગે છે મને

લાકડી સાથેય જ્યાં વૃદ્ધોને પડતા જોઉં છું

ક્યા બાત હૈ

આ બધું કેમ નવું લાગે છે?

કોઈ હૈયામાં ગયું લાગે છે

હાથમાં હાથ મિલાવી, રાખો

આ જગત હાથવગું લાગે છે

જો પવન દોડી મદદમાં આવ્યો

ફૂલને ખુશ્બૂ થવું લાગે છે

પ્યાસ એમ જ નથી બૂઝી મિત્રો

લોહીનું પાણી થયું લાગે છે

વાત કહેતાં તો પડી ભાંગ્યો છે

દદર્‍ સપનાંથી મળ્યું લાગે છે

ખોળિયામાં આ નવી હલચલ છે

જીવને ઘેર જવું લાગે છે

- ગૌરાંગ ઠાકર

(ગઝલસંગ્રહ : કોઈ હૈયામાં ગયું લાગે છે)