Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ



પીજો તમસ તમે

13 January, 2019 10:30 AM IST |
Hiten AAnandpara

પીજો તમસ તમે

 પીજો તમસ તમે


અર્ઝ કિયા હૈ

અમે અને તમેની સરખામણી કાયમ રસપ્રદ રહી છે. અમે ઉપર છેકો મૂકીએ તો તમે અનેક તારણો લઈને ઊભરી આવે. પ્રેમ ખુદથી નીકળીને ખુદા તરફ જવા માટે એક પાત્ર ઝંખે છે. રાહી ઓધારિયા એની મહત્તા કરતાં લખે છે...



મારા વિચાર,મારું મનન એટલે તમે
ને મારું મૌન, મારું કથન એટલે તમે
હું એટલે તમારા અરીસાનું કોઈ બિમ્બ
ને મારી કલ્પનાનું ગગન એટલે તમે


અન્યમાં જાતને જોવી એ અઘરો આયામ છે. ધર્મશાસ્ત્રમાં એનો માર્ગ મળે છે કે નહીં એ ખબર નથી, પણ પ્રેમમાં જરૂર મળતો હશે. એકમેકથી આગળ જવા માટે એકમેકમાં ભળવું જરૂરી છે. હર્ષ બ્રહ્મભટ્ટ એનું સુંદર પરિણામ આપણી સામે ધરે છે...

મારી ભીતર કેટલું વરસ્યા તમે
આખેઆખું અંગ લીલું થાય છે!


અંગ લીલું થાય એ માટે લાગણી લીલીછમ હોવી જોઈએ. ફરિયાદોની ચાસણીમાં રસાયેલી લાગણી નૂર ગુમાવી બેસે. પ્રીતમાં રૂસણાનું રમ્ય સ્વરૂપ આવકાર્ય છે, પણ જો રૌદ્ર થયા કરે તો લીલાશને સુકાતાં વાર નથી લાગતી. મરીઝ એક વાસ્તવિક લાચારી દર્શાવે છે...

છે ફરજ પ્રેમની સાચી તે બજાવી ન શક્યો
રહ્યો હું મૂંગો છતાં ભેદ છુપાવી ન શક્યો
જોતજોતાંમાં મેં દુનિયાને મનાવીયે લીધી
તમે કારણ વિના રૂઠ્યા છો, મનાવી ન શક્યો

રૂસણાનું આયુષ્ય દિવસ કરતાં લાંબું ન હોવું જોઈએ. કોઈ પેચીદી સમસ્યા હોય અને મહિનાઓ કે વરસો સુધી લંબાય તો સંબંધોમાં મીઠાશ નથી રહેતી. ફરજના ભાગરૂપે સાથે રહેવાનું અનિવાર્ય હોય ત્યારે શ્વાસને ઉઝરડા અચૂક પડવાના. રમેશ પારેખ સર્જકીય વેદના વ્યક્ત કરે છે...

શબ્દની બેડી પડી છે જીભમાં, શું બોલીએ?
ને તમે સમજી શકો નહીં મૌનમાં, શું બોલીએ?
આવડી નહીં ફૂંક ફુગ્ગાઓમાં ભરવાની કલા
બહુ બહુ તો શ્વાસ ભરીએ શ્વાસમાં, શું બોલીએ?

બધી વાતો બોલીને કહી પણ ન શકાય. કેટલીક વાતો મૌનમાં જ શોભે, છતાં જો એ બરાબર પહોંચતી ન હોય ત્યારે ટેબલ પર સામસામે ખુલાસાઓ અનિવાર્ય બની જાય. બેફામસાહેબની વાતમાં મીઠો છણકો અનુભવાશે...

હૃદયનો રોગ છે આ, અન્યને રસ હોય શું એમાં?
તમે આવો તો હું તમને બતાવી દઉં દવા મારી
તમે તો ફેરવી દીધી નજર, તમને ખબર ક્યાં છે?
ખરેખર તો હવે જોવા સમી થઈ છે દશા મારી

આપણી હંમેશાં એવી અપેક્ષા હોય છે કે સામેવાળું પાત્ર મને સમજે. આપણે એ ભાગ્યે જ સમજીએ છીએ કે સામેવાળા પાત્રને પણ આવી જ અપેક્ષા હોય. પ્રેમમાં એકપક્ષી વલણ ન ચાલે. અઝીઝ કાદરી કહે છે એ બોલાશ અંતમાં મળવી જોઈએ...

અબોલા લઈને બેઠા છે પરસ્પર બોલવા લાગે
મિલન મજાલિસો જામે ને બે ઘર બોલવા લાગે
સવાકો થાય અવાકો દેહ નશ્વર બોલવા લાગે
તમે બોલો તો સાથોસાથ પથ્થર બોલવા લાગે

બોલવું અને બકબક કરવી એમાં ફેર છે. બકબક હજી સાંખી શકાય, પણ જો એ કચકચનું રૂપ ધારણ કરે તો અસહ્ય બનતી જાય. બે જણ વચ્ચેના વાદવિવાદમાં અહંકાર આડો આવે તો ઓરડો ધીરે-ધીરે કંતાતો જાય. ઘરના સભ્યો વચ્ચે વારેઘડીએ અણબનાવ થતો હોય ત્યારે કૌટુંબિક જીવનમાં દરાર વિસ્તરતી જાય. પૈસેટકે ભરપૂર હોય છતાં વસિયતની વાતે ભલભલા શ્રીમંતો ને ઉદ્યોગપતિઓના ઘરમાં વિખવાદ થતો હોય છે. ખલીલ ધનતેજવીનો કટાક્ષ સોંસરવો ઊતરી જાય એવો છે...

માફ કરો, અંગૂઠો મારો નહીં આપું
મારું માથું કાપી લેજો બીજું શું?
લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કે છે
તમે પરસ્પર સમજી લેજો બીજું શું?

વરસો ખચ્ર્યા પછી સમાધાન કરવાનું આવે એમાં ખોટું નથી, પણ એ દરમ્યાન ખાસ્સું નુકસાન થઈ ચૂક્યું હોય. પૈસેટકે ઘસાવા ઉપરાંત બોલવેચાલવે પણ ઘસરકાનું રૂપાંતર ઘામાં થઈ ગયું હોય. બે જણ એકમેકની સામે આવે ત્યારે નજર ચુકાવવાની કોશિશ કરવી પડે. નાજિર દેખૈયા આવી પરિસ્થિતિ બયાં કરે છે...

તમે સામા ઊભા હો તોય હું સામે નથી જોતો
કદી એવું નયન સાથે હું વર્તન ક્રૂર રાખું છું

ઘણી સમસ્યાનો ઉપાય જોડવાને બદલે તોડવાની સ્થિતિમાં મળતો જણાય. બધી જ શક્તિ વાપરીને, પૂરતા પ્રયત્ïનો કરીને પણ મેળવણ જામતું જ ન હોય તો મૂળ તત્વમાં જ કંઈ ખોટ છે એ સ્વીકારી લેવું પડે. છૂટા પડવાની નોબત આવે તોય એક ગરિમા અનિવાર્ય છે. કૈલાસ પંડિત એનો નિર્દેશ કરે છે...

એકાદ એવી યાદ તો છોડી જવી હતી
છૂટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

વાત થોડી હાસ્યાસ્પદ લાગશે, પણ જોયેલી અને જાણેલી છે. ઘર વેચ્યા પછી જ્યારે ખાલી કરવાનું આવે ત્યારે કેટલાક લોકો ટ્યુબલાઇટ પણ કાઢીને લઈ જાય છે. આમ તો તેમનું મન ઝીરોનો બલ્બ કાઢવા પણ લલચાયું હશે, પણ ૦.૦૧ ટકા માનવતાનો કોઈ અંશ એ સમયે જાગ્રત થઈ ગયો હશે અને આ કૃત્ય અટક્યું હશે. સામેવાળાને એના હકનું અજવાળું પણ કમસે કમ તહઝીબથી આપવું જોઈએ. શયદાની માગણી અસ્થાને નથી...

તમે જે ચાહ્યું એ લઈ જાવ, મારી ના નથી કાંઈ
તમારી યાદ રહેવા દો ફક્ત મારા જીવન માટે

ક્યા બાત હૈ

પીધા હશે પીવા સમા સઘળાય રસ તમે
જો પી શકો તો કોક દિ પીજો તમસ તમે
પોતે ભલે માન્યા કરો એ જર્જરિત હતા
પણ કોઈના માટે તો છો મોંઘી જણસ તમે
દેખાવમાં તો રોશનીથી છે ઝળાહળા
તો કેમ ઘરનું નામ પાડ્યું છે તમસ તમે!
દરિયો પ્રથમ દોર્યો તમે ઘરની દીવાલ પર
એના પર પાછા લખી આવ્યા તરસ તમે
પાછા ફર્યા ને છેવટે એને અડ્યા વિના
ઝંખ્યા કર્યોતો રાત દિ’ જેનો પરસ તમે
ભીંતો પછી તો થઈ ગઈતી મૌન એકદમ
એવી કરી શું એની સાથે સંતલસ તમે!

- હર્ષદ સોલંકી

(ગઝલસંગ્રહ : ‘ત્યારની આ વાત છે!’)

Whatsapp-channel Whatsapp-channel

13 January, 2019 10:30 AM IST | | Hiten AAnandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK