હેલ્થ-કૉન્શિયસ મહેમાનો માટે હવે હેલ્ધી મીઠાઈઓની બોલબાલા

04 January, 2020 03:23 PM IST  |  Mumbai | Arpana Shirish

હેલ્થ-કૉન્શિયસ મહેમાનો માટે હવે હેલ્ધી મીઠાઈઓની બોલબાલા

ડ્રાયફુટ ખીચડી

સાકરને બદલે ગોળ વાપરીને બનતા રસગુલ્લા, ડ્રાયફ્રુટ્સવાળી શુગરફ્રી મીઠાઈઓ, ઘી વિનાનો ગાજરનો હલવો અને ડ્રાયફ્રુટ ફાડા ખીચડી જેવી પરંપરાગત ચીજોને અલગ-અલગ ફ્લેવર સાથે લગ્નના મેનુમાં ઉમેરવાનું શરૂ થઈ ગયું છે અને હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે એટલા સભાન થવા લાગ્યા છે કે આગામી સમયમાં લગ્નમાં હેલ્ધી ફૂડનું એક જુદું જ કાઉન્ટર જોવા મળે તો નવાઈ નહીં.

લગ્નમાં એક જ દિવસ તો ખાવું છે એવું વિચારીને ઘણા જે મળે એ ખાઈ જ લેવાનું વિચારે છે જ્યારે કેટલાક લોકો સાકર અને ઘીથી લથપથ ડિઝર્ટ જોઈને જ કૅલરી વધવાની ચિંતામાં મુકાઈ જોય છે. અહીં જો હેલ્થ પ્રત્યે સભાન હો અને એક જ દિવસમાં બે કે વધુ લગ્ન અટેન્ડ કરવાનાં આવે તો હાલત વધુ કફોડી બને છે. ખાસ કરીને આગ્રહ કરીને ખવડાવવામાં આવતી ફૅન્સી મીઠાઈઓનું લગ્નની સીઝન પૂરી થાય ત્યાં સુધીમાં વજન વધારવામાં સૌથી મોટું યોગદાન હોય છે. જોકે લોકો હવે વધુ સભાન બની રહ્યા છે અને ઓછા ઘીવાળી તેમ જ શુગર-ફ્રી હેલ્ધી મીઠાઈઓ જ લગ્નમાં રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ વિશે વાત કરતાં અંધેરીની રાજભોગ કેટરર્સનાં રૂપાલી સંઘવી કહે છે, ‘શુગર-ફ્રી, ગ્લુટન-ફ્રી જેવી ટર્મ્સ લોકો અવારનવાર સાંભળતા હોય છે અને એટલે તેમને ખબર હોય છે કે વધુ શુગરવાળી કે ગ્લુટનવાળી ચીજો હાનિકારક કહેવાય. વધુમાં ડિઝર્ટ કાઉન્ટર પર ૧૦-૧૨ આઇટમના ઑપ્શન આપ્યા બાદ પણ હવે લોકો એ ખાવાનું ટાળતા હોય છે. એટલે યજમાનો હવે લોકો ખાય એવું હેલ્ધી મેનુ ડિમાન્ડ કરે છે.’

ગોળના રસગુલ્લા

શું છે ઑપ્શન?

હેલ્ધી એટલે સૌથી પહેલાં તો એવી મીઠાઈઓ જેમાં સાકરનું પ્રમાણ નહીંવત્ હોય. આ મીઠાઈઓ સંપૂર્ણપણે ડ્રાયફ્રૂટમાંથી જ બનાવેલી હોય છે અને જો મીઠાઈમાં વધારાની મીઠાશ ઉમેરવાની આવે જ તો ખજૂર, મધ કે ગોળ ઉમેરવામાં આવે છે. આ મીઠાઈઓ વિશે જણાવતાં માટુંગાના ગાલા કેટરર્સના રોહિતભાઈ ગાલા કહે છે, ‘સાકરનો સૌથી બેસ્ટ સબ્સ્ટિટ્યુટ એટલે ગોળ. આપણી પરંપરાગત જૂની ગોળની મીઠાઈઓ જેમ કે ગરમ સુખડી, ચૂરમાના લાડુ, છૂટું ચૂરમું વગેરેની ડિમાન્ડ હવે વધી છે. આ નૉર્મલ મીઠાઈઓને જુદા રૂપમાં થોડીઘણી ફ્લેવર્સ ઉમેરી ફ્યુઝન સ્વીટ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે. આ ગોળમાંથી બનેલી મીઠાઈઓ આજે ટિપિકલ સાકરની સ્વીટ્સનું સ્થાન લઈ ચૂકી છે.’

શુગર-ફ્રી મીઠાઈઓ વિશે વધુ જણાવતાં રૂપાલી સંઘવી કહે છે, ‘ઓછા ઘીવાળો ડ્રાયફ્રૂટનો શીરો, શક્કરકંદનો ખજૂરવાળો હલવો તેમ જ મધનો વપરાશ થઈ શકે એવી મીઠાઈઓ વધુ ચાલી રહી છે. એ સિવાય હવે રસગુલ્લા પણ ગોળવાળા બનવા લાગ્યા છે જેથી સાકર અવૉઇડ કરવા માગતા લોકો દિલ ખોલીને એ ખાઈ શકે. ઘી વિના બનાવેલો ગાજરનો હલવો પણ આ સીઝનમાં ખૂબ ચાલે છે. હવે જ્યારે લોકો હેલ્થ કૉન્શિયસ બન્યા છે ત્યારે આગામી સમયમાં લગ્નમાંહેલ્ધી ફૂડનું એક જુદું કાઉન્ટર જ જોવા મળે તો નવાઈ નહીં.’

હેલ્થ ભી ટેસ્ટ ભી

કેટરર્સ લોકોને કંઈ ને કંઈ નવું આપવા માટે દર લગ્ન સીઝનમાં પહેલાંની જ પરંપરાગત વાનગીઓમાં થોડાઘણા ફેરફાર કરી તેમ જ ઇન્ટરનૅશનલ ફ્લેવર્સનો ટચ આપી પ્રેઝન્ટ કરતા હોય છે. હાલમાં આવી જ કેટલીક જૂની પરંપરાગત મીઠાઈઓને થોડા ટ્વિસ્ટ અને ફૅન્સી નામ સાથે પીરસવાનો ટ્રેન્ડ છે. આવી જ એક ડિશ વિશે જણાવતાં રૂપાલી કહે છે, ‘દલિયા એટલે કે આપણી ફાડા લાપસી પરંપરાગત સ્વીટ છે. હાલમાં આ જ ફાડાને ઘીમાં રોસ્ટ અથવા ફ્રાય કરેલા ભરપુર ડ્રાયફ્રૂટ સાથે બનાવવામાં આવે છે જે ડ્રાયફ્રૂટ ખીચડી તરીકે ઓળખાય છે. ફાડા અને ડ્રાયફ્રૂટનું આ મિશ્રણ પરંપરાગત અને રિચ હોવાની સાથે હેલ્થ ફૅક્ટર પણ જાળવે છે. આ સિવાય ડ્રાયફ્રૂટનો ગોળનો શીરો, ડિંક અને ગુંદરના ડ્રાયફ્રૂટથી ભરપૂર લાડુ, સુખડી વગેરે ચીજોએ પણ ફરી પાછું લગ્નપ્રસંગોમાં સ્થાન બનાવી લીધું છે.’

લોકોને પસંદ પડી રહ્યો છે બદલાવ

હજીયે લોકો લગ્નમાં તો એક જ દિવસ ખાવાનું હોય ત્યારે હેલ્ધી ઑપ્શન તરફ વધુ ધ્યાન નથી આપતા એવું જણાવતાં રોહિત ગાલા ઉમેરે છે, ‘બંગાળી મીઠાઈઓનો તેમ જ ક્રીમ બેઝ્ડ ફ્યુઝન સ્વીટ્સનો ક્રેઝ હજી ઓછો નથી થયો, પણ લોકો ડિઝર્ટમાં આવેલો આ હેલ્ધી બદલાવ પણ સ્વીકારી રહ્યા છે.’

આ વાત સાથે સહમત થતાં રૂપાલી કહે છે, ‘ચાસણી ટપકતા ગુલાબજાંબુ અને ગરમાગરમ જલેબી તેમ જ મગની દાળના હલવાનાં લાઇવ કાઉન્ટર હવે આઉટ થઈ રહ્યાં છે, કારણ કે લગ્નમાં ખૂબ હેવી સ્વીટ્સ હોય તો આજકાલ લોકો ન ખાવાનું જ પ્રિફર કરે છે. એનાં લીધે એવી સ્વીટ્સની પસંદગી થાય છે જે લોકો વગર ચિંતાએ ખાઈ શકે. ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ બેઝ્ડ મીઠાઈઓ કૉસ્ટ વાઇઝ જોકે મોંઘી પડે છે. પણ લગ્નમાં યજમાનનો હેતુ મહેમાન ફિસ્ટ એન્જૉય કરે એ જ હોય છે. અખરોટના પેંડા, અંજીરની બરફી વગેરે પણ ખૂબ ડિમાન્ડમાં છે. ટૂંકમાં મીઠાઈમાં આવેલો આ બદલાવ સારો છે અને લોકો એનો સ્વીકાર કરી પોતાની પસંદમાં ફેરફાર કરી રહ્યા છે.’

તમને ગમે એ મીઠાઈ રબડી સાથે મિક્સ કરી શકાય એવી તવા મીઠાઈ.

હેલ્થનું ધ્યાન રાખી એન્જૉય કરો લગ્ન

મીઠાઈને મીઠાઈ તરીકે જ ખાઓ

એક ગુલાબજાંબુ ખાવાથી મળતી કેલરીઝને બાળવા માટે એક કિલોમીટર વૉક કરવું પડશે એવું જણાવતાં ડાયટિશયન અને ન્યુટ્રિશનિસ્ટ મેઘના પારેખ શેઠ ઉમેરે છે, ‘ખૂબ સોશ્યલ હોય કે મોટું ફૅમિલી હોય એવા લોકોને કેટલીક વાર એક જ દિવસમાં બે લગ્ન પણ અટેન્ડ કરવાં પડે છે. આવામાં બન્ને સમયે બહાર ખાવાનું હોય ત્યારે આ લોકો એકાદ-બે પીસ મીઠાઈ ખાઈ લઈશ, બાકી નથી ખાવું એમ વિચારીને આખી પ્લેટ મીઠાઈની ભરી લેતા હોય છે. વળી ફૅન્સી મીઠાઈ હોય એટલે એક વાર ટ્રાય કરવાનું મન થઈ જાય. અહીં શક્ય હોય ત્યાં સુધી મીઠાઈ ખાવાનું જ ટાળવું જોઈએ. પણ જો ખાવી જ હોય તો પહેલાં બાકીનું જમી અંતે જ સ્વીટ લેવી જેથી વધુપડતી ખાઈ લેવાની શક્યતા ઘટી જાય. મીઠાઈમાં ન્યુટ્રિશન્સ કોઈ જ નથી હોતાં એટલે જો ઑપ્શન હાજર હોય તો ગોળ કે ખજૂરવાળી સ્વીટ ખાઓ અથવા નૅચરલ ફ્રૂટ બેઝ્ડ ડિઝર્ટ ખાઓ.’

કલરફુલ દેખાવથી સાવધાન

મીઠાઈને આકર્ષક બનાવવા માટે ઉમેરવામાં આવતા સિન્થેટિક રંગો હૉર્મોન્સ તેમ જ ઓવરઑલ હેલ્થ માટે હાનિકારક સાબિત થાય છે. અહીં ડાયટિશ્યન મેઘના કહે છે, ‘રંગબેરંગી મીઠાઈ જોઈને આકર્ષિત ન થવું. આ જ કલરફુલ સ્વીટ્સ સૌથી વધુ નુકસાન કરે છે. સિન્થેટિક કલરને લીધે ગળું પણ ખરાબ થઈ શકે. સિમ્પલ, કલર કે ફ્લેવર ન ઉમેરેલી અને પરંપરાગત હોય એ મીઠાઈ ખાશો તો ચાલશે. જોકે એ પણ એક પીસથી વધુ નહીં.’

માઇન્ડફુલ ઈટિંગ

‘લગ્નમાં જવાનું હોય ત્યારે ઘરેથી થોડું ખાઈને જ નીકળવાનો નિયમ રાખવો જેથી ભૂખ્યા પેટે જે સામે આવે અને આંખોને ગમે એ બધું જ પેટમાં નાખવાનું મન ન થાય. જો ઑલરેડી પેટમાં કંઈ હશે તો ઑપ્શન જોઈને શું સારું છે, શું ખાવું સારું રહેશે એ વિચારીને નક્કી કરી શકશો. એ સિવાય લગ્નની સીઝન જોરમાં છે. રોજ જ લગ્ન અટેન્ડ કરવાનાં હોય તો બધે જ બધું ખાવાનો આગ્રહ ન રાખતા, ક્યાંક આઇસક્રીમ તો ક્યાંક ફ્રૂટ્સ અને ક્યાંક એકાદ પીસ હેલ્ધી મીઠાઈ ખાઈ શકાય.’

ફ્લેવરફુલ રસગુલ્લા ડિમાન્ડમાં

રસગુલ્લામાં સાકરને બદલે ગોળની ચાસણી આપી ઑલરેડી લોકો માટે એ હેલ્ધી સ્વીટ બની ગઈ છે અને હવે આ રસગુલ્લાને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે કેટરર્સ એમાં નવી-નવી ફ્લેવર્સ ઉમેરી રહ્યા છે. જેમ કે કૉફી-ક્રીમ, ઑરેન્જ, પાન ફ્લેવર, ગુલાબ તેમ જ મોટા ભાગના બધા જ ફ્રૂટની ફ્લેવર. જે ફ્લેવર જોઈતી હોય એ આ રસગુલ્લામાં શક્ય છે.

indian food mumbai food