મંદિરની બહાર ગાયને ઘાસ ખવડાવીને તમે ખરેખર પુણ્ય કરો છો કે પાપ?

30 November, 2019 11:45 AM IST  |  Mumbai | Ruchita Shah

મંદિરની બહાર ગાયને ઘાસ ખવડાવીને તમે ખરેખર પુણ્ય કરો છો કે પાપ?

પ્રતિકાત્મક તસવીર

પશુઓ પ્રત્યે દયાભાવ આપણી સંસ્કૃતિ છે. એમાં પણ ગાયમાં તેત્રીસ કરોડ દેવીદેવતાઓનો વાસ માનવામાં આવે છે. કામધેનુની ઉપમા પામેલી ગાયને હિન્દુ સંસ્કૃતિમાં જાજરમાન માતાનું સ્થાન મળ્યું છે. રસ્તે ચાલતા સાઇડમાં ઊભેલી ગાયમાતાને સ્પર્શ કરીને પોતાના માથે હાથ ફેરવી લેનારા લોકો તમે પણ ક્યારેક જોયા હશે. ગાયની કતલ આમ કાયદાકીય અપરાધ છે, પરંતુ ગાયોની પાકી સંખ્યા મુંબઈમાં કેટલી છે એની કોઈ ખબર જ ન હોવાથી ગાયોની સંખ્યા ઘટી હોય તો પણ એનો અંદાજ આવવાનો નથી એવી સ્પષ્ટતા સાથે તાજેતરમાં બીજેપી કૉર્પોરેટર રામ બારોટે મુંબઈમાં ગાયોનો સેન્સસ રિપોર્ટ બનવો જોઈએ એવી રજૂઆત મુંબઈ મહાનગરપાલિકા પાસે કરી હતી. થોડાક મહિના પહેલાં આઇઆઇટી કૅમ્પસમાં ઘૂસી ગયેલી ગાયે એક વિદ્યાર્થીની નોટબુકનાં થોડાં પાનાં ખાઈ લીધાં હતાં. એક યા બીજી રીતે મુંબઈમાં ગાયો ચર્ચાનો વિષય બનતી રહી છે ત્યારે આજે ગાયોના નામ પર ચાલતા કરોડોના વેપાર અને ગાયને ખવડાવીને પુણ્ય કમાઈ લેવાની આપણી માનસિકતા પાછળ ગાયની પજવણી પર વાત કરીએ.  
રોજનો હજારોનો બિઝનેસ
ગાયની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે હિન્દુઓ અને જૈનોમાં આદર પહેલાં આવે અને બાકી બધું પછી. કદાચ આપણી શ્રદ્ધાની આ જ વિશેષતાનો લાભ લઈને આજે મુંબઈભરમાં ગાયને ખવડાવવાની એક ખૂબ મોટી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ રહી છે. ગલી-ગલીમાં ઠેર ઠેર ગાયનું ઘાસ લઈને બેસતી ગાયવાળીઓ અને નાનકડા દોરડાથી બાંધેલી ગાયનું ચિત્ર તમારા માટે અજાણ્યું નથી. આ રીતે રસ્તામાં ગમે ત્યાં ગાયને ઊભી રાખીને તેને ખવડાવવાના નામે વેપાર કરવો એ કાયદાકીય દૃષ્ટિએ ખોટું છે, પરંતુ એ બધું જ બેધડક થાય છે. આ દિશામાં ઘણી ફરિયાદો અને વિરોધ કરી ચૂકેલા રિવરમાર્ચ અભિયાનના ફાઉન્ડર મેમ્બર અને એન્વાયર્ન્મેન્ટલ ઍક્ટિવિસ્ટ ગોપાલ ઝવેરી કહે છે, ‘ગાયની દિશામાં મારું ધ્યાન મારા પોતાના વ્યક્તિગત અનુભવ પછી જ ગયું હતું. મને યાદ છે કે શ્રાવણ મહિનો ચાલતો હતો અને રિવાજ પ્રમાણે એક દિવસ હસબન્ડ-વાઇફ ગાયની પૂજા કરવા જાય અને એને ખવડાવે. મારા ઘરેથી પણ આ ફરમાન આવ્યું. હું પોતે આ બધામાં બહુ માનતો નથી, પરંતુ ક્યારેક જો ઘરમાંથી ફોર્સ આવે તો આવું કંઈ કરવામાં મને વાંધો પણ ન હોય. બોરીવલી (ઈસ્ટ)માં હાઇવે પર ઓમકારેશ્વર મંદિર છે ત્યાં બે ગાયો લઈને એક બહેન બેસે છે. ખાસ દિવસ હતો એટલે બહેનોની લાઇન લાગી હતી. ગાયના કપાળે ચાંદલો કરવાના અને એને ખવડાવવાના ૧૫૧ રૂપિયા પેલી બાઈએ ભાવ લગાવ્યો. મને અજુગતું લાગ્યું. બે મિનિટનું કામ છે એના ૧૫૧ રૂપિયા. મેં રકઝક કરી તો તે ૧૦૧ રૂપિયા પર આવી, એના પછી ૫૧ રૂપિયા પર આવી અને છેલ્લે પત્નીના આગ્રહથી ૨૧ રૂપિયામાં અમે પૂજા કરીને ત્યાંથી નીકળ્યા. જોકે એ પછી મને આ શું છે અને કઈ રીતે આ લોકો કામ કરે છે એમાં રસ ગયો. થોડું રિસર્ચ કર્યું, મુંબઈ મહાનગરપાલિકાના ઑફિસરને મળ્યો તો ખબર પડી કે લગભગ ૧૫૦થી વધારે ગાય તો ખાલી કાંદિવલી, બોરીવલી અને દહિસરના એરિયામાં આ રીતે બહારની બાજુમાં બેસે છે. તબેલાનો માલિક એક દિવસ ગાય આપવાના ૫૦૦ રૂપિયા ભાડું લે છે. દોઢસો ગાયના એક દિવસના ૭૫ હજાર રૂપિયા થયા. આ કામની પણ એક ખૂબ મોટી લૉબી બની ગઈ છે. દરેક એરિયામાં ગાય આપનારાઓની પણ મોનોપૉલી છે. ગાયવાળાઓએ ઘાસ આપતા ખટારાવાળાઓ સાથે પણ રોજની અમુક ગૂણી નક્કી કરી દીધી હોય છે. એક જ ખટારો એક પછી એક તમામ વિસ્તારોમાં ગાયવાળી ન આવી હોય તો પણ એના લોકેશન પર ઘાસ નાખીને જતો હોય છે. પોલીસવાળાને ગાયદીઠ ઑફ ધ રેકૉર્ડ રોજના સો રૂપિયા અને મુંબઈ મહાનગરપાલિકાને પણ ઑફ ધ રેકૉર્ડ ગાયદીઠ સો રૂપિયા પહોંચતા હોય છે. ગાયવાળીઓ રોજનો ઍવરેજ હજારથી પંદરસોનો ધંધો કરે છે. ગાયને ઘાસ ખવડાવવાના નામ પર રોજના હજારો રૂપિયાનો વેપાર ચાલી રહ્યો છે. એના સામે પણ આપણને વાંધો ન હોય જો પોતાને મળી રહેલા નફા સાથે ગાયની પણ એટલી કૅર થતી હોત તો. એ નથી જ થતું.’
ગાયની કફોડી સ્થિતિ
બોરીવલીમાં રહેતા પંકજ ત્રિવેદીએ એક વાર રસ્તામાં ગાય લઈને જઈ રહેલા એક માણસને બે લાફા મારી દીધા હતા. શું થયું હતું એની વાત કરતાં પંકજભાઈ કહે છે, ‘થયું એવું કે હું પાછળની તરફ હતો અને આગળ બે છોકરાઓ ગાયને લઈ જતા હતા. ડામરના રોડ પર ગાયોને ચાલવાનું ન ફાવે એટલે તેઓ એને મારી-મારીને ખેંચી રહ્યા હતા. મારાથી આ દૃશ્ય જોવાયું નહીં અને મેં પેલાને જ બે લાફા મારી દીધા. મેં કેટલીયે વાર આવાં દૃશ્યો જોયાં છે. ચોમાસામાં ભરવરસાદમાં ગાય ધ્રૂજતી ભીંજાઈ રહી હોય અને ગાયવાળી નજીકના મંદિરમાં વાતોના તડાકા મારી રહી હોય. ભરતડકામાં ગાયને ખેંચીને મારી-મારીને બે-અઢી કિલોમીટર ચલાવીને લઈ જવાય. આપણે ત્યાં ગાયને ઘાસ ખવડાવીને પુણ્ય કમાનારા લોકો ગાયની શું સ્થિતિ છે એના તરફ કોઈ ધ્યાન નથી આપતા. કેટલીયે વાર ગાય બીમાર હોય, એના પગ સૂજી ગયા હોય પણ પાંચ-દસ રૂપિયાનું ઘાસ નાખીને લોકો ત્યાંથી ચાલતી પકડે છે. બપોરના બે-અઢી વાગ્યે ગાયવાળી પોતે છાંયડામાં બેઠી હોય અને ગાય તડકામાં તપી રહી હોય. જીવદયા કરો તો પૂરી કરો. આટલું દોજખ

આપીને ગાયને ખવડાવવાનું પુણ્ય લોકોને કેટલું મળી જતું હશે મને તો એ જ નથી સમજાતું.’
અહીં ગોપાલ ઝવેરી કહે છે, ‘ઘણી વાર મેં જોયું છે કે લોકો થેલી સહિત આગલા દિવસની રોટલીઓ ગાયને ખવડાવી દેતા હોય છે. વધેલી વાસી રોટલી બહાર ફેંકવાને બદલે ગાયને ખવડાવનારા લોકો આપણે ત્યાં ઓછા નથી. ગાય કોઈને મારે નહીં એ આશયથી એના મોઢા પર બાંધેલું દોરડું બેથી અઢી ફીટનું રાખવામાં આવે છે. એને કારણે ગાય પોતાની જગ્યા પરથી હલી ન શકે. સવારે છ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી એની ગરદન ઝૂકેલી ને ઝૂકેલી જ રહે. ડામરના રોડ પર વધુ વાર ચાલે તો ગાયને ઇન્જરી થાય છે. પરંતુ લોકોને પોતાના ઘર બારણે ગાયને ઘાસ ખવડાવવું છે એટલે ગાયને ત્રણ અને ચાર કિલોમીટર ચલાવવામાં આવે છે. વધુપડતા હૉર્નવાળો માહોલ ગાયની હેલ્થ માટે સારો નથી ગણાતો, પરંતુ આપણા લોકોની સગવડ માટે એને ભર ટ્રાફિકવાળા રસ્તા પર ઊભી રાખવામાં આવે છે. ઘણે ઠેકાણે તો ગાયને બદલે બળદ બાંધવામાં આવે છે અને તોય તેમની દુકાન પુરજોશમાં ચાલે છે. લોકોને ખબર પણ નથી હોતી કે પોતે જેને ઘાસ ખવડાવી રહ્યા છે એ ગાય છે કે બળદ. કાલબાદેવીમાં એક ‌મંદિરની બહાર વર્ષોથી એક ગાયવાળી ગાયને બદલે બળદ લઈને બેસે છે અને લોકો બળદને ગાય સમજીને ઘાસ ખવડાવી રહ્યા છે. શનિવાર, મંગળવાર, ગુરુવાર અને આ ઉપરાંત કેટલાક તહેવારોમાં તો ગાયને ખવડાવવા માટે મોટી-મોટી લાઇન લાગતી હોય છે. એક ગાયવાળી ૧૫૦૦-૨૦૦૦નો બિઝનેસ કરતી હોય છે.’
સરકાર શું કરે છે?
ગાય પર થતા આ ત્રાસ વિશે ગોપાલભાઈએ ઘણી ફરિયાદો કરી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો. તેઓ કહે છે, ‘અમારા વિસ્તારનાં કૉર્પોરેટર શિલ્પા ચોગલે સમક્ષ આ મુદ્દો અમે મૂક્યો. એક દિવસ તેમણે બધી જ ગાયોને હટાવી દીધી, પણ બીજા દિવસે તેમના ઘરે ગાય જેમની હતી તેમનો કાફલો આવી ગયો. આપણે ત્યાં ધર્મ અને જીવદયાના નામે કંઈ પણ ચલાવી શકાય છે. જીવની દયા કરવા જતાં એમના પર ક્રુઅલ્ટી થઈ જાય તો એના માટે કોણ જવાબદાર ગણાય? ગાય વધુ ખાય એ માટે સવારથી બપોર સુધી એને પાણીનું એક ટીપું નથી પીવડાવવામાં આવતું. આ ત્રાસ માટે કોણ જવાબદાર ગણાય?’
ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા ઍક્ટિવિસ્ટ અજય પંડ્યાનો અનુભવ પણ કંઈક આવો જ રહ્યો છે. તેઓ કહે છે, ‘ફરિયાદ કરીએ ત્યારે એ સમયે ઍક્શન લેવાય, પણ પછી થોડાક દિવસમાં હતું એનું એ જ થઈ જાય. સાયન, માટુંગા અને વડાલા એરિયામાં ઘણી ગાયો છે. કેટલીયે વાર ગાડી લઈને જતા હોઈએ તો હૉર્ન વગાડતાં પણ એ દૂર ન ભાગે અને છેલ્લે ગાડીમાંથી બહાર નીકળીને એમને હટાવવી પડે.’
હેલ્થ ઇશ્યુઝ
ગાય જ્યાં ઊભી રખાય છે એ વિસ્તારમાં ગંદકી પણ પુષ્કળ થાય છે. અમુક વિસ્તારોમાં એ સાફ કરી લેવાય છે, પરંતુ અમુક એરિયામાં એ જેમનું તેમ પડી રહેવાથી મચ્છરો અને દુર્ગંધનો ત્રાસ વધી જાય છે. સોશ્યલ ઍક્ટિવિસ્ટ દીપક મોદી આ વિશે કહે છે, ‘પહેલાં મલાડમાં હું જ્યાં રહું છું ત્યાં એવરશાઇનનગરમાં ગાયોને બાંધવામાં આવતી. ત્યાં તો ગાયનું છાણ અને ગોમૂત્રને પણ ગાયવાળીઓ વેચી દેતી. જોકે લગભગ એક વર્ષ સુધી સતત ફરિયાદ કરતા રહેવાને કારણે આખરે ત્યાંથી ગાયવાળી ગઈ. તો હવે તેણે મલાડ લિન્ક રોડ પર ધામા નાખ્યા છે. તેણે આખી ફુટપાથ કવર કરી નાખી છે એટલે બાજુમાં જ આવેલી સ્કૂલના વિદ્યાર્થીઓ રોડ પર થઈને ચાલે છે. હું પણ હિન્દુ છું અને ગાયને માતા માનું છું, પરંતુ સાથે એ પણ માનું છું કે મારા કારણે ગાયને પરોક્ષ રીતે પણ કષ્ટ પહોંચતું હોય તો એ અવૉઇડ કરવું જોઈએ. કાંદિવલીમાં તો પરિસ્થિતિ આનાથીયે વિચિત્ર છે. એમ. જી. રોડ પર એક ડઝન ગાયો જેમ તેમ રસ્તા પર રખડતી હોય છે. અમે લોકો ગાયને ખવડાવીએ છીએ, પણ તબેલામાં જઈને. જોકે દરેક જણ એવું નક્કી કરે તો અત્યારે ગાયના નામે ચરનારા બીજા લોકોની દુકાન બંધ થાય અને રસ્તા વધુ સાફ રહે.’
વડાલા વેલ્ફેર ફોરમનો ઍડ્મિન ચિરાગ શાહ પોતાના વિસ્તારની સમસ્યા વર્ણવતાં કહે છે, ‘હું પોતે ગુજરાતી જૈન છું અને જીવદયામાં માનું છું. આજે અમારા વિસ્તારના ઘણા લોકો ગાયના ગોબર અને ત્યાં ફેલાતી ગંદકીને કારણે આવતી દુર્ગંધથી પરેશાન છે. તમે શું કામ ગાયને ત્રાસ આપીને એમાંથી પૈસા કમાનારા લોકોને સપોર્ટ આપો છો? હું દર મહિને ગૌશાળામાં જઈને દાન આપું છું. દરેક જણ સાથે મળીને આવું નક્કી કરી શકે. ઘણી ગૌશાળાઓ આજે ફન્ડના અભાવે પશુઓની ચાકરી નથી કરી શકતી. આ ગાયવાળાઓ તો એવા નિર્દય હોય છે કે ગાયને પગમાં પસ થયું હોય તો પણ એને લાકડીએથી મારી-મારીને ખેંચી જતા હોય. તેમને ગાયની કોઈ ‌ચ‌િંતા નથી હોતી.’

mumbai gujarati mid-day