૧૩૩ રૂપિયાના મોમોઝ ઝોમાટોને પડ્યા ૬૦,૦૦૦ રૂપિયામાં

13 July, 2024 10:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઑર્ડર મહિલાએ ૨૦૨૩ની ૩૧ ઑગસ્ટે કર્યો હતો.

ઝોમાટો

કર્ણાટકના ધારવાડમાં રહેતી એક મહિલાએ ૧૩૩.૨૩ રૂપિયાના મોમોઝ ઝોમાટો પર ઑર્ડર કર્યા હતા. આ ઑર્ડર મહિલાએ ૨૦૨૩ની ૩૧ ઑગસ્ટે કર્યો હતો. જોકે ઝોમાટોએ ઑર્ડર ડિલિવર કર્યો હોવાનું દેખાડ્યું હતું, પરંતુ એ મહિલાના ઘરે પહોંચાડ્યો નહોતો. ઝોમાટોનો એજન્ટ તેના ઘરે નહોતો ગયો એથી મહિલાએ રેસ્ટોરાંમાં ફોન કરીને તપાસ કરી હતી. તપાસ દરમ્યાન તેને જાણવા મળ્યું હતું કે એજન્ટ ઑર્ડર ત્યાંથી લઈ ગયો છે. ત્યાર બાદ મહિલાએ એજન્ટને કૉલ કર્યો હતો, પરંતુ તેને કોઈ જવાબ ન આપ્યો. એ પછી મહિલાએ ઝોમાટોને ફરિયાદ કરી હતી. ઝોમાટોએ ૭૨ કલાકનો સમય માગ્યો હતો. જોકે એમાં પણ કોઈ ઉકેલ ન આવતાં મહિલાએ ૧૩ સપ્ટેમ્બરે લીગલ નોટિસ મોકલી હતી. ઝોમાટોએ કોર્ટમાં આ મહિલાના આરોપને ખોટો ગણાવ્યો હતો, પણ કોર્ટે એ વાતને મહત્ત્વ આપ્યું હતું કે ઝોમાટોએ ૭૨ કલાકનો સમય માગ્યો હતો આથી મહિલાની વાત ખોટી હતી એવું સાબિત ન થાય. આ વર્ષની બીજી મેએ ઝોમાટોએ મહિલાને ૧૩૩.૨૫ રૂપિયા રિટર્ન કર્યા હતા. આ તમામ મહત્ત્વને ધ્યાનમાં રાખીને કર્ણાટકની કન્ઝ્‍યુમર કોર્ટે ઝોમાટોને ઑર્ડર આપ્યો કે મહિલાને ૫૦,૦૦૦ રૂપિયા કમ્પેન્શેન તરીકે આપવામાં આવે અને ૧૦,૦૦૦ રૂપિયા તેની માનસિક શાંતિ ખોરવાઈ ગઈ હોવાથી તેને કુલ ૬૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે.

zomato karnataka street food bengaluru offbeat news life masala