13 March, 2025 02:37 PM IST | Canberra | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઑસ્ટ્રેલિયામાં યુટ્યુબર નૉર્મ લાઇવ સ્ટ્રીમ દરમ્યાન એક જ જગ્યા પર સ્થિર ઊભો રહ્યો હતો અને આશરે ૩૮ કલાક સુધી એક જ પોઝિશનમાં ઊભા રહીને તેણે વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે આ આખી વાત લાઇવ સ્ટ્રીમમાં મોજૂદ છે. એનો એક મિનિટ ૧૧ સેકન્ડનો ટાઇમલૅપ્સ વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં રાહદારીઓ તેને પરેશાન કરતા નજરે પડે છે. એક માણસે તો પોલીસને પણ બોલાવી લીધી હતી. કેટલાક લોકોએ તેના મોં પર મૂછ બનાવી હતી. એક માણસે તેના માથા પર ઈંડું ફોડ્યું હતું. એક માણસે તેના ચહેરા પર રાઈની પેસ્ટ લગાવી દીધી હતી. એક વ્યક્તિ તેના જૅકેટ પર સ્પ્રે પેઇન્ટ કરતી પણ નજરે પડી હતી.
આ પહેલાં નૉર્મે લાઇવ સ્ટ્રીમ દરમ્યાન લાંબા સમય સુધી જાગવાનો રેકૉર્ડ તોડવાની કોશિશ કરી હતી. તે લગાતાર ૨૬૪ કલાક સુધી જાગ્યો હતો; પણ તેણે આરોપ લગાવ્યો હતો કે એ પછી યુટ્યુબે એનું લાઇવ સ્ટ્રીમ બંધ કરી દીધું હતું, કારણ કે વ્યુઅર્સે તેના સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા વ્યક્ત કરી હતી. નૉર્મને લાઇવ સ્ટ્રીમિંગમાં ૧૬૬ તીખાં મરચાં ખાતાં અને ભીખ માગીને કરોડપતિ બનવાની કોશિશ કરતાં પણ જોઈ શકાય છે.