યુટ્યુબર ફ્લોટિંગ કાર્પેટ બનાવીને અલાદીનના વેશમાં આખું દુબઈ ફર્યો

07 December, 2021 11:38 AM IST  |  Dubai | Gujarati Mid-day Online Correspondent

આ વિડિયોને અત્યાર સુધી ૯૧,૦૦૦ વ્યુઝ મળ્યા છે

યુટ્યૂબર છે રાઇઝઓર્ડી

અલાદીનની વાતો લગભગ બધાએ પોતાના બાળપણમાં સાંભળી જ હશે અને જો નહીં સાંભળી હોય તો હવે ટીવી પર અલાદીનનો શો પણ આવે છે. બાળપણમાં આપણને આશ્ચર્ય થતું હતું અલાદીનની મૅજિકલ કાર્પેટનું. જે રીતે અલાદીન ઘડીના છઠ્ઠા ભાગમાં કાર્પેટ પર બેસીને ઊડીને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતો હતો એનું વિસ્મય આજે પણ કાયમ છે. 
દુબઈમાં એક યુટ્યૂબર છે ‘રાઇઝઓર્ડી.’ તેણે પોતાની પ્રોફાઇલમાં એક વિડિયો મૂક્યો છે, જેણે અલાદીનની અરેબિયન નાઇટ્સની ચર્ચા ફરી જીવંત કરી છે. આ વિડિયોમાં તે રિયલ લાઇફ અલાદીન બન્યો છે, અલાદીન જેવાં જ વસ્ત્રો પહેરીને ફ્લોટિંગ મૅજિક કાર્પેટ પર તે આખું દુબઈ ફર્યો છે તેમ જ પાણીની સપાટી પર પણ ઊડ્યો છે. 
રાઇઝઓર્ડીએ ઇલેક્ટ્રિક લૉન્ગબોર્ડની આસપાસ પીવીસી પાઇપની ફ્રેમ બનાવીને ફ્લોટિંગ કાર્પેટ બનાવી અને પછી એનો જાદુઈ પ્રભાવ પાડવા માટે એના પર કાર્પેટ ફિક્સ કરી દીધી. 
પોતાના સર્ફિંગબોર્ડ પર કાર્પેટ ફિક્સ કરીને તેણે એને દરિયાની સપાટી પર પણ ઉડાડ્યું હતું. હકીકતમાં તેણે સ્ટન્ટ માટે ‘ઇફોઇલ બોર્ડ’નો મતલબ કે ઇલેક્ટ્રિક પ્રોપેલર સાથેના સર્ફબોર્ડનો  ઉપયોગ કર્યો હતો. ઇફોઇલ રાઇડરે તરંગો માટે ચપ્પુ ચલાવવાની અથવા બોર્ડને ગતિમાં રાખવા માટે તેના પગ વડે પમ્પ કરવાની જરૂર પડતી નથી. ઇફોઇલ મૂળભૂત રીતે વિશ્વનું સૌથી નાનું વ્યક્તિગત, મોટરયુક્ત વૉટરક્રાફ્ટ છે.
આ વિડિયોને અત્યાર સુધી ૯૧,૦૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news international news