વિશ્વનું સૌથી ઊંચું પપૈયાનું ઝાડ

12 May, 2022 09:49 AM IST  |  Brazil | Gujarati Mid-day Correspondent

જે ૧૪.૫૫ મીટર (લગભગ ૪૭ ફીટ અને ૮.૮૩3 ઇંચ) જેટલું ઊંચું છે

વિશ્વનું સૌથી ઊંચું પપૈયાનું ઝાડ

બ્રાઝિલના ટાર્સિસિયો ફોલ્ટ્ઝ અને ગિલ્બર્ટો ફ્રાન્ઝની પાસે વિશ્વનું સૌથી ઊંચું પપૈયાનું વૃક્ષ છે, જે ૧૪.૫૫ મીટર (લગભગ ૪૭ ફીટ અને ૮.૮૩3 ઇંચ) જેટલું ઊંચું છે. બીજી સપ્ટેમ્બર, ૨૦૨૧ના બ્રાઝિલના પરાના, નોવા અરોરામાં આ વૃક્ષની ચકાસણી કરી તેને વિશ્વના સૌથી ઉંચા પપૈયાના ઝાડ તરીકે ગણવામાં આવ્યું હતું. ગયા વર્ષની શરૂઆતમાં જ બ્રાઝિલના ટાર્સિસિયો ફોલ્ટ્ઝને ધ્યાન પર આવ્યું હતું કે તેના ખેતરમાં આવેલું પપૈયાનું વૃક્ષ સામાન્ય કરતાં વધુપડતું ઊંચું છે. તેણે વૃક્ષની ઊંચાઈ માપવા તેના મિત્ર અને ખેતરના અગાઉના માલિક ગિલ્બર્ટો ફ્રાન્ઝનો સંપર્ક કર્યો અને બન્નેએ મળીને ડ્રોનની મદદથી એની ઊંચાઈ માપી.

લગભગ ત્રણ મહિના પછી બન્નેએ નિષ્ણાતોની મદદથી સત્તાવાર રીતે પપૈયાના ઝાડની ઊંચાઈ સુનિશ્ચિત કરતાં એને વિશ્વના સૌથી ઊંચા પપૈયાના ઝાડ તરીકે માન્યતા મળી. 
 બ્રાઝિલમાં પપૈયું એક ફળ તરીકે એની કુદરતી સ્થિતિમાં તો ખવાય જ છે, પણ એની સાથે જ એમાંથી આઇસક્રીમ, ફ્રૂટ ડ્રિન્ક અને ડિઝર્ટ ક્રીમ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. ઉષ્ણ કટિબંધનું વૃક્ષ હોવાથી બ્રાઝિલનું હવામાન એને વધુ માફક આવતું હોઈ વિશ્વમાં સૌથી વધુ પપૈયાં બ્રાઝિલમાં ઉત્પન્ન થાય છે.

પપૈયાનું ઝાડ સર્પાકારમાં ઊગે છે. એ ઊંચું થડ અને મોટાં પાંદડાં ધરાવે છે. વૃક્ષને પરિપક્વ થઈને ફળ આપતાં સહેજે ત્રણ વર્ષનો સમય લાગે છે. પપૈયાનાં ફળ ઝાડનાં મોટાં રક્ષણાત્મક પાંદડાંઓની અંદર એક જૂથમાં બને છે.

આ અગાઉ વિશ્વના સૌથી ઊંચા પપૈયાના વૃક્ષનો રેકૉર્ડ ભારતમાં ઝંતુ પોલના નામે હતો. આ વૃક્ષ ૧૪.૦૮ મીટર (લગભગ ૪૬ ફુટ ૨.૩૩ ઇંચ) ઊંચું હતું. આ વૃક્ષના ઊંચા કદની પુષ્ટિ ૨૨ જાન્યુઆરી, ૨૦૧૭માં કરવામાં આવી હતી. 

offbeat news international news