પોતાને વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાવે છે ૧૨૮ વર્ષની આ દાદી

17 May, 2022 10:24 AM IST  |  Ottosdal | Gujarati Mid-day Correspondent

સાઉથ આફ્રિકાના ઑટોસડલ શહેરમાં જન્મેલાં આ દાદી તેમનાં ૧૨ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે

૧૨૮ વર્ષનાં જોહાના માઝીબુકો

વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા હોવાનો દાવો કરતાં સાઉથ આફ્રિકાનાં ૧૨૮ વર્ષનાં જોહાના માઝીબુકો નામનાં આ દાદી પોતાના લાંબા નીરોગી જીવનનું શ્રેય બાળપણથી ખોરાકમાં સામેલ તાજા દૂધ અને જંગલી પાલકને આપે છે. જોહાના માઝીબુકોએ ગયા અઠવાડિયે પોતાનો ૧૨૮મો જન્મદિન ઊજવ્યો હતો.

સાઉથ આફ્રિકાના ઑટોસડલ શહેરમાં જન્મેલાં આ દાદી તેમનાં ૧૨ ભાઈ-બહેનોમાં સૌથી મોટાં છે તથા તેમની સાથે ત્રણ ભાઈ-બહેન જીવે છે. જોહાનાએ સ્ટવાના માઝીબુકો નામના એક મોટી વયના વિધુર સાથે લગ્ન કર્યાં  હતાં, જેમની પ્રથમ પત્નીનું અવસાન થયું હતું. આ દાદીને કુલ સાત બાળકો હતાં, જેમાંથી બે જીવિત છે. જોકે આ બે સંતાનો ઉપરાંત તેમના ૫૦ જેટલા પૌત્ર અને પ્રપૌત્ર છે. જોહાનાને સાંભળવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ ફ્રેમની મદદથી તેઓ ઘરમાં હરીફરી શકે છે.

સ્થાનિક મેયર જેમ્સ ત્સોલેલાએ કહ્યું હતું કે તેમનું યોગ્ય રીતે સન્માન થઈ શકે એ માટે અમે તેમને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવવાનો પ્રયાસ કરીશું. 

offbeat news international news