વિશ્વનાં સૌથી વહેલાં જન્મેલાં ટ્‍વિન્સે ડૉક્ટરોને ખોટા પાડ્યા

08 March, 2023 12:38 PM IST  |  Toronto | Gujarati Mid-day Correspondent

અદિયા અને એડ્રિયલનો જન્મ ૧૨૬ દિવસ વહેલો ૨૦૨૨ની ૪ માર્ચે થયો હતો,

કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતાં અદિયા લેલિન અને એડ્રિયલ લુકા

શકીના રાજેન્દ્રમને ચાર મહિના અગાઉ એટલે કે ૨૧ સપ્તાહ પાંચ દિવસ બાદ પ્રસૂતિનો દુખાવો શરૂ થયો ત્યારે ડૉક્ટરોએ કહી દીધું હતું કે જોડિયાં બાળકોને બચાવી નહીં શકાય. જોકે એક વર્ષ બાદ કૅનેડાના ઑન્ટારિયોમાં રહેતાં અદિયા લેલિન અને એડ્રિયલ લુકા બન્ને જીવે છે અને એકમેકને લાત મારે છે. તેઓ વિશ્વના સૌથી ઓછા દિવસમાં જન્મેલાં ટ્‍વિન્સ છે. અદિયા અને એડ્રિયલનો જન્મ ૧૨૬ દિવસ વહેલો ૨૦૨૨ની ૪ માર્ચે થયો હતો, જેણે અમેરિકાના જ કિલી અને કૅમ્બ્રી ઇલવોટ નામના જોડિયાઓ ૧૨૫ દિવસ વહેલાં જન્મ્યાનો રેકૉર્ડ તોડ્યો હતો. જન્મતી વખતે અદિયાનું વજન ૩૩૦ ગ્રામ અને તેના ભાઈ એડ્રિયલનું વજન ૪૨૦ ગ્રામ હતું. જો તેઓ એક કલાક વહેલાં જન્મ્યાં હોત તો પણ તેમને બચાવવાની શક્યતા નહીંવત્ હતી. શકીનાની આ બીજી પ્રસૂતિ હતી. અગાઉ તેને એક કસુવાવડ થઈ હતી. શકીનાને ટૉરન્ટની માઉન્ટ સિનાઈ હૉસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી, કારણ કે મોટા ભાગની હૉસ્પિટલો ૨૪થી ૨૬ સપ્તાહ અગાઉ જન્મેલાં બાળકોની સારવાર કરતી નહોતી. આ હૉસ્પિટલમાં મમ્મી તથા બાળકોની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

offbeat news international news guinness book of world records canada