ઘરની સાફસફાઈના વિડિયો પોસ્ટ કરીને આ મહિલાઓ કરે છે લાખ્ખો રૂપિયાની કમાણી

05 February, 2021 08:47 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

ઘરની સાફસફાઈના વિડિયો પોસ્ટ કરીને આ મહિલાઓ કરે છે લાખ્ખો રૂપિયાની કમાણી

સાફસફાઈ કરતી જેસિકા તુલ

સાફસફાઈ ઘણા લોકો માટે એક કંટાળાજનક કામ છે, તો વળી કેટલાક લોકો ટેન્શન દૂર કરવા સાફસફાઈ કરવા મંડી પડતા હોય છે. જોકે કેટલાક લોકો એવા પણ છે જેમણે સફાઈકામના વિડિયોને ફુલટાઇમ જૉબ તરીકે સ્વીકારી એના વિડિયો પોસ્ટ કરી એમાંથી આવક ઊભી કરી છે. અમેરિકાના ફ્લૉરિડાના ઑર્લેન્ડો શહેરની ત્રણ બાળકોની માતા જેસિકા તુલ યુટ્યુબ પર લગભગ પાંચ લાખ સબસ્ક્રાઇબર્સ ધરાવે છે. હજારો લોકો તેના ઘરની સાફસફાઈ કરતા વિડિયો જોઈને એમાંથી પ્રેરણા મેળવી પોતાના ઘરની સફાઈ કરવા માંડે છે. તુલ છેલ્લાં ત્રણ વર્ષથી યુટ્યુબ પર સાફસફાઈના પ્રેરણાત્મક વિડિયો પોસ્ટ કરી રહી છે. તેના કેટલાક વિડિયોને તો ૩૦ લાખ વ્યુઝ મળ્યા છે. એટલું જ નહીં, વર્ષે એક લાખ ડૉલર એટલે કે અંદાજે ૭૩ લાખ રૂપિયા જેટલી આવક પણ મેળવી છે. તેનું કહેવું છે કે ઘરની સફાઈના વિડિયો પોસ્ટ કરવા એ મારી ફુલટાઇમ જૉબ બની ગઈ છે.

જોકે સાફસફાઈના આવા વિડિયો બનાવનારી જેસિકા તુલ એકલી જ નથી. પ્રસૂતિ પછીની હતાશામાંથી બહાર નીકળવા અમાન્ડા પેજ નામની મહિલાએ પણ આ પ્રકારના સફાઈના વિડિયો પોસ્ટ કરવાની શરૂઆત કરી હતી. શોખ તરીકે શરૂઆત કર્યા પછી તેને લોકો સાથે જોડાઈને સારું લાગતાં તેણે વિડિયો પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું.

offbeat news international news united states of america florida