મા-બાપના ઘરેથી ગુમ થયેલી કન્યા ૧૧ વર્ષે બાજુના ઘરમાંથી જ મળી

12 June, 2021 09:23 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

એ કન્યા ૧૧ વર્ષથી તેના પ્રેમી રહેમાન સાથે એક રૂમમાં રહેતી હતી

સજિતા પ્રેમી રહેમાન સાથે

કેરલાના પલક્કડ જિલ્લાના આયલુર ગામમાં રહેતી ૧૮ વર્ષની સજિતા ૨૦૧૦ના ફેબ્રુઆરી મહિનામાં તેનાં માતા-પિતાના ઘરમાંથી ગુમ થઈ ગઈ હતી. પોલીસે તેને ખૂબ શોધી જોઈ, પરંતુ તે નહોતી મળી. તેની પાસે મોબાઇલ નહોતો. તાજેતરમાં તે પેરન્ટ્સના ઘરથી માંડ ૫૦૦ મીટર દૂર બાજુના જ ઘરમાંથી મળી આવી હતી. એ કન્યા ૧૧ વર્ષથી તેના પ્રેમી રહેમાન સાથે એક રૂમમાં રહેતી હતી.

ત્રણ મહિના પહેલાં સજિતાનો પ્રેમી અલીચુનવેત્તી રહેમાન (હવે ૩૪ વર્ષનો) તેના ઘરેથી ગુમ થઈ ગયો હતો. શોધખોળ દરમ્યાન યોગાનુયોગ રહેમાનને તેના ભાઈ બશીરે એક ઠેકાણે જોઈ લીધો. એને કારણે સજિતાના પણ સગડ મળ્યા હતા. બન્ને આયલુરની બાજુના ગામમાં ભાડાના ઘરમાં સાથે રહેતાં હતાં. પોલીસે બન્નેને સ્થાનિક અદાલતમાં હાજર કર્યાં હતાં. રહેમાને અદાલતને કહ્યું હતું કે મને માતા-પિતાનો ડર લાગતો હોવાથી પ્રેમિકાને છૂપી રીતે રાખી હતી. સજિતા અને રહેમાન જુદા-જુદા ધર્મ પાળતાં કુટુંબના હોવાથી તેઓ લગ્ન કરે તો હોબાળો મચવાની આશંકાને કારણે તેમણે સમાજથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. રહેમાનના પરિવારને ઘરમાં કોઈ સ્ત્રી રહેતી હોવાનો ખ્યાલ ક્યારેય આવ્યો નહોતો. બન્નેના પ્રેમસંબંધ બાબતે કોઈ જાણતું નહોતું. જો બન્ને નાસી જાય તો બે જણ ગુમ થયાની ફરિયાદ નોંધાય, પરંતુ એવું ન બન્યું એટલે કોઈને શંકા ન ગઈ અને હકીકતનો ખ્યાલ ન આવ્યો.

સજિતાએ મનોરંજન માટે નાનકડું ટીવી રાખ્યું હતું. આ રીતે તે એ ઘરમાં  ગુપચુપ ૧૧ વર્ષ રહી હતી.

offbeat news national news kerala