તમે ‘કોરોના વડાં’ ખાવા તૈયાર છો?

24 January, 2022 08:48 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક મહિલાએ ચોખા અને બટાટાનો ઉપયોગ કરીને કોરોના વડાં તૈયાર કર્યાં છે

કોરોના વડાં

કોરોના વાઇરસ મહામારીએ બધાને ખૂબ પરેશાન કર્યા છે. પહેલી લહેર વખતે લાગેલા લૉકડાઉનમાં થોડા સમયમાં જ બધા કંટાળવા માંડ્યા હતા અને પોતાનો કંટાળો દૂર કરવા અવનવી આઇટમ્સ બનાવવા માંડ્યા હતા. નેટિઝન્સ રસોડામાં થતા આ અવનવા અખતરાઓથી કંટાળ્યા હોવા છતાં કોઈ વિકલ્પ ન હોવાથી આઇટમ્સને ચલાવી લેતા હતા. 
કોરોનાકાળમાં સૌથી વધુ અખતરા મૅગી સાથે થયા હતા. જોકે હવે એક મહિલાએ ચોખા અને બટાટાનો ઉપયોગ કરીને કોરોના વડાં તૈયાર કર્યાં છે. 
મિમ્પી દ્વારા ટ્વિટર પર એક મહિલાનો વિડિયો શૅર થયો છે, જેમાં ચોખાના લોટમાંથી કણક તૈયાર કરી એમાં બટાટા, કાંદા અને ટમેટાંનું પૂરણ બનાવાતું દેખાડાય છે. આ પૂરણના ગોળા વાળીને એને ચોખાના લોટની કણકમાં મૂકીને વડાનો આકાર આપવામાં આવે છે. રાંધેલા ચોખામાંએ એ ગોળા રગદોળીને તૈયાર થયેલા કોરોના વડાને ૧૫-૨૦ મિનિટ માટે સીજવા દેવામાં આવે છે. 
આ વિડિયોને અત્યાર સુધી ૩૫૦૦ વખત જોવાયો છે. નેટિઝન્સના મતે જોવામાં તો આ ડિશ એકદમ સ્વાદિષ્ટ હોય એમ જણાય છે.

offbeat news national news viral videos