આ છોકરીએ ૬ મગરમચ્છ પાળ્યા છે, જે ઘરમાં ફરતા રહે છે

09 May, 2022 09:31 AM IST  |  Taiwan | Gujarati Mid-day Correspondent

તાઇવાનના એક સંવર્ધક પાસેથી પ્રથમ મગરમચ્છ ખરીદ્યા બાદ તેનું આ પ્રજાતિ પ્રત્યે વળગણ વધ્યું હતું

સાશિમી પાળેલાં મગરો સાથે

સામાન્ય રીતે આપણે બધા જ પ્રાણીઓને પાળવાનો શોખ ધરાવીએ છીએ અને પ્રાણીઓ પણ જાણે એમનું જ ઘર હોય એમ મુક્તપણે હરફર કરતાં હોય છે, પણ એ મોટે ભાગે ડૉગ, બિલાડી કે અન્ય પ્રાણીઓ હોય છે, પરંતુ તાઇવાનમાં સાશિમી નામની એક છોકરીએ પોતાના ઘરમાં મગરમચ્છ પાળ્યા છે અને એ પણ એક કે બે નહીં, પૂરા ૬. તેના ઘરમાં મગરમચ્છ અન્ય પાળેલાં પ્રાણીઓની જેમ જ મુક્તપણે ફરતા હોય છે.  

તાઇવાનના એક સંવર્ધક પાસેથી પ્રથમ મગરમચ્છ ખરીદ્યા બાદ તેનું આ પ્રજાતિ પ્રત્યે વળગણ વધ્યું હતું. ફેસબુક પર એક વિડિયો પોસ્ટ કરીને સાશિમીએ તેનો પાળેલો મગરચ્છ ફિલ એના મોઢામાં કોઈ ચીજ પકડી લે ત્યારે શું થાય છે એ જણાવ્યું  છે. ફિલ મોઢામાં એક ટ્યુબ પકડીને બેઠો છે. સાશિમી ફિલને સોફા નીચેથી ખેંચીને બહાર કાઢે ત્યારે મોઢામાં ટ્યુબ પકડીને ફરી રહ્યો હોય છે. દોઢ મીટર લાંબો આ મગરમચ્છ તેની પાસેથી છટકીને ભાગી રહ્યો હોવાથી છેવટે તે એની પીઠ પર બેસીને મોપના હૅન્ડલથી એના મોઢામાંની વસ્તુ બહાર કાઢવાનો પ્રયાસ કરે છે, જેમાં મહામહેનતે સફળ થાય છે.  

અન્ય એક વિડિયોમાં ફિલ સાશિમીનું શૂઝ મોઢામાં લઈને ફરી રહ્યો હોય છે. તેનું કહેવું છે કે ફિલ વારંવાર મારાં શૂઝ લઈને ફરતો રહે છે. એને મારાં શૂઝનું આટલું વળગણ શા માટે છે એ જ સમજી શકાતું નથી. સાશિમીએ ફિલના મોઢામાંથી પોતાનાં શૂઝ કઢાવવા રીતસરની ખેંચાખેંચ કરવી પડે છે.

શું મગરમચ્છ માણસ સાથે મૈત્રી કરી શકે છે અને તેના ‘શ્રેષ્ઠ મિત્ર’ બની શકે છે એમ પુછાતાં સાશિમીએ કહ્યું કે મોટા ભાગના લોકો વિચારે છે એના કરતાં તેઓ વધુ પ્રેમાળ હોય  છે.

offbeat news international news