પુણેની મહિલા માત્ર ૫૫ કલાકમાં સાઇકલ ચલાવીને લેહથી મનાલી પહોંચી

29 June, 2022 10:06 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

અગાઉ તેણે ૬૦૦૦ કિલોમીટરના ગોલ્ડન ક્વૉડ્રિલેટર પર ઝડપી સાઇકલ ચલાવનાર મહિલા તરીકેનો રેકૉર્ડ પણ નોંધાવ્યો છે

પુણેની મહિલા માત્ર ૫૫ કલાકમાં સાઇકલ ચલાવીને લેહથી મનાલી પહોંચી

પુણેમાં રહેતી બે બાળકોની મમ્મી પ્રીતિ મ્હસ્કેએ લેહથી મનાલી સુધી ૫૫ કલાક અને ૧૩ મિનિટ સુધી સાઇકલ ચલાવનારી પ્રથમ મહિલા બનવાનો રેકૉર્ડ કર્યો છે. અધિકારીઓએ દાવો કર્યો છે કે ૪૩૦ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ૪૫ વર્ષની પ્રીતિ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવશે. અગાઉ તેણે ૬૦૦૦ કિલોમીટરના ગોલ્ડન ક્વૉડ્રિલેટર પર ઝડપી સાઇકલ ચલાવનાર મહિલા તરીકેનો રેકૉર્ડ પણ નોંધાવ્યો છે. પોતાના પરાક્રમ બાદ ખુશ થતાં પ્રીતિએ કહ્યું કે ‘ઉંમર કોઈ પરાક્રમ કરવામાં અવરોધરૂપ બનતી નથી. એક બીમારીને દૂર કરવા માટે મેં ૪૦ વર્ષની ઉંમરથી સાઇકલ ચલાવવાનું શરૂ કર્યું હતું. જો હું મારા ડરને માત આપી શકું તો કોઈ પણ મહિલા આપી શકે.’ 
પ્રીતિએ ૨૨ જૂનથી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. સવારે ૬ વાગ્યે બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશનના બ્રિગેડિયર ગૌરવ કાર્કીએ લીલી ઝંડી બતાવી હતી. ૨૪ જૂને બપોરે ૧.૧૩ વાગ્યે તે મનાલી પહોંચી હતી. ૮૦૦૦ મીટરની ઊંચાઈવાળો આ માર્ગ ઘણો વિકટ હતો. ઊંચાઈને કારણે બે વખત તેને ઑક્સિજન લેવાની ફરજ પડી હતી. બીઆરઓ દ્વારા તેને સપોર્ટ માટે બે વાહનની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં સૅટેલાઇટ ફોન અને મેડિકલ સહાયની વ્યવસ્થા હતી. 

offbeat news pune