28 April, 2026 01:18 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય એઆઈ
ઉત્તર પ્રદેશના હરદોઈમાં શનિવારે એક ખળભળાવી મૂકે એવી ઘટના ઘટી. એક મહિલાએ મંદિરમાં પૂજા દરમ્યાન પોતાની જીભ કાપીને દેવીના ચરણોમાં ધરી દીધી હતી. હરદોઈના બાવન ચુંગી વિસ્તારમાં રહેતા રાકેશ ગુપ્તાની ૫૮ વર્ષની પત્ની ઉષા દેવીએ શુક્રવારે બપોરે મા કાલીના મંદિરમાં માનતા પૂરી કરવાના ભાગરૂપે જીભ કાપી નાખી હતી. તેણે બપોરે બે કલાક સુધી મંદિરમાં પૂજા-પાઠ અને મંત્રજાપ કર્યા. આ દરમ્યાન તે વારંવાર દેવીનો આભાર માની રહી હતી કે તેની માનતા પૂરી થઈ. જોકે સાંજે ચાર વાગ્યાના અરસામાં તેણે ક્યાંકથી ધારદાર ચીજ બહાર કાઢી અને પોતાની જીભ કાપીને દેવીના ચરણોમાં ધરી દીધી હતી. જીભ કપાતાં જ મંદિર પરિસરમાં લોહીની છોળો ઊડી. લોકોએ મહિલાના મોંમાં પાણી રેડીને અને કપડું ખોસીને લોહી રોકવાની કોશિશ કરી પણ લોહી વહેતું જ રહ્યું અને ઉષા દેવી ત્યાં જ ઢળી પડ્યાં. વાત એમ હતી કે ઉષાના પતિને સાત વર્ષ પહેલાં લકવો થયો હતો. એ વખતે ઉષા દેવીએ માનતા માની હતી કે પતિ જો ઠીક થઈ જશે તો તે પોતાની જીભ ચડાવશે. હવે પતિની હાલતમાં સુધારો થયો હોવાથી તેણે માનતા પૂરી કરી હતી.