29 May, 2024 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કુણાલ શાહ
છેલ્લા ઘણા સમયમાં ટેક્નૉલૉજીના ક્ષેત્રે આવેલાં મસમોટાં પરિવર્તનોના કારણે શું તમને લાગે છે કે ડૉક્ટરો કરતાં એન્જિનિયરોનું મહત્ત્વ વધી જશે? ફિનટેક કંપની ક્રેડના CEO (ચીફ એક્ઝિક્યુટિવ ઑૅફિસર) કુણાલ શાહનું માનવું છે કે નજીકના ભવિષ્યમાં એન્જિનિયરો ડૉક્ટરની નોકરીઓ ખાઈ જશે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કુણાલ શાહની આ પોસ્ટના કારણે ડૉક્ટર વર્સસ એન્જિનિયરની જૂની ચર્ચા ફરી છેડાઈ ગઈ છે. ઘણા લોકોએ શાહની કમેન્ટ સાથે સંમત થતાં જણાવ્યું હતું કે જે રીતે મેડિસિન અને સર્જરીમાં AI (આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ)નો પગપેસારો થઈ રહ્યો છે એ જોતાં આ શક્યતા નકારી શકાતી નથી. જોકે ઘણા એવા પણ યુઝર્સ છે જેમણે કુણાલ શાહની વાત સાથે અસહમત થતાં જણાવ્યું છે કે માનવ સ્પર્શ, વ્યક્તિગત દરકાર અને અનુભવનો જે નિચોડ ડૉક્ટર પાસે હોય છે એ ક્યારેય મશીન મેળવી નહીં શકે. એક યુઝરે તો એમ પણ કહ્યું કે ડૉક્ટર પહેલાં AI વકીલો અને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની નોકરી લઈ લેશે. એક જણે તો એવી પણ રમૂજ કરી હતી કે મોટા ભાગના લોકો એન્જિનિયર બની ગયા પછી વિચારવાનું શરૂ કરે છે કે હવે હું શું બનીશ.