નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની કમાન જેમને મળી એ સદાનંદ દાતે કોણ છે?

29 March, 2024 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે જ્યારે તેમને NIAની કમાન મળી ગઈ છે ત્યારે તેઓ આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ સામે તપાસ કરીને આંતરિક સુરક્ષાના મામલે હવે વધુ ઝડપી ઍક્શન લેશે.

સદાનંદ વસંત દાતે

કેન્દ્ર સરકારે ૧૯૯૦ની મહારાષ્ટ્ર કૅડરના પ્રખ્યાત IPS અધિકારી સદાનંદ વસંત દાતેને નૅશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના ડીજી તરીકે નિયુક્ત કર્યા છે. સદાનંદ દાતે ૨૬/૧૧ના હુમલા દરમ્યાન તેમની બહાદુરી અને બુદ્ધિમત્તા માટે નૅશનલ પોલીસ મેડલ મેળવી ચૂક્યા છે. હવે જ્યારે તેમને NIAની કમાન મળી ગઈ છે ત્યારે તેઓ આતંકવાદ, નક્સલવાદ અને ઉગ્રવાદ સામે તપાસ કરીને આંતરિક સુરક્ષાના મામલે હવે વધુ ઝડપી ઍક્શન લેશે.

૨૦૦૮ની ૨૬મી નવેમ્બરે રાતે જ્યારે મુંબઈ પર ૧૦ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ૧૯૯૦ની બૅચના IPS અધિકારી સદાનંદ દાતે એવા કેટલાક અધિકારીઓમાંથી એક હતા જેઓ આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવેલા સ્થળે પ્રથમ પહોંચ્યા હતા અને અંત સુધી જવાબી કાર્યવાહીમાં રોકાયેલા હતા. સદાનંદ દાતેની બહાદુરીને કારણે આતંકવાદીઓ દ્વારા બંધક બનાવાયેલા લોકોને બચાવી લેવાયા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીને ત્યાર બાદ વીરતા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આ આતંકવાદી હુમલા બાદ IPS ઑફિસરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ૨૬/૧૧નો હુમલો મારી કારકિર્દીની સૌથી પડકારજનક ઘટના હતી અને એ જીવનભર મારી સાથે રહેશે. મેં મારી ક્ષમતા મુજબ જે શ્રેષ્ઠ હતું એ કરવાનો પ્રયાસ કર્યો હતો.

offbeat videos offbeat news